વર્લ્ડ કપ 2019: માર્કસ સ્ટોઇનિસ ઈજાગ્રસ્ત, પાકિસ્તાન સામેની મેચ ગુમાવશે
પાકિસ્તાન વિરુદ્ધ મહત્વની મેચ પહેલા ઓસ્ટ્રેલિયાને મોટો ઝટકો લાગ્યો છે. ટીમનો ઓલરાઉન્ડર માર્કસ સ્ટોઇનિસ ઈજાને કારણે રમશે નહીં.
નવી દિલ્હીઃ ભારત બાદ હવે ઓસ્ટ્રેલિયન ટીમને ઝટકો લાગ્યો છે. ટીમ ઈન્ડિયાને જ્યાં ઓપનિંગ બેટ્સમેન શિખર ધવનના રૂપમાં મોટો ઝટકો લાગ્યો છે. તો ઓસ્ટ્રેલિયન ટીમનો ઓલરાઉન્ડર માર્કસ સ્ટોઇનિસ આવતીકાલની મેચમાં રમી શકશે નહીં. માર્કસ સ્ટોઇનિસ બુધવારે પાકિસ્તાન વિરુદ્ધ રમાનારી મેચમાં રમશે નહીં કારણ કે તેને ઈજા થઈ છે.
બુધવાર 12 જૂને ટોનટનમાં ઓસ્ટ્રેલિયાનો સામનો પાકિસ્તાન વિરુદ્ધ થવાનો છે. આ મેચમાંથી સ્ટોઇનિસ બહાર થઈ ગયો છે. માર્કસ સ્ટોઇનિસ સાઇડ સ્ટ્રેનને કારણે પરેશાન છે. તેવામાં તેના બેકઅપ તરીકે મિશેલ માર્શને ઈંગ્લેન્ડ બોલાવવામાં આવ્યો છે. સ્ટોઇનિસે અત્યાર સુધી વિશ્વ કપમાં 4 વિકેટ ઝડપી છે. આ સિવાય તેણે 19 રન બનાવ્યા છે.
માર્કસ સ્ટોઇનિસ ટીમમાં ઓલરાઉન્ડરની ભૂમિકામાં છે. તો જરૂરીયાતના સમયે આક્રમક બેટિંગ પણ કરી શકે છે. આ સાથે ટીમ પાંચમાં બોલરની મહત્વની ભૂમિકા પણ અદા કરે છે. પરંતુ પાકિસ્તાન વિરુદ્ધ મેચમાં તેણે બહાર બેસવું પડશે.