પેરિસઃ ચેક રિપબ્લિકની ખેલાડી બારબરા ક્રેજિકોવાએ ફ્રેન્ચ ઓપનનું (French Open 2021) ટાઇટલ જીતી લીધું છે. બારબરા પ્રથમવાર કોઈ ગ્રાન્ડસ્લેમ ટૂર્નામેન્ટની ફાઇનલમાં પહોંચી હતી. ફાઇનલમાં તેણે રશિયાની એનાસ્તાસિયા પાવલ્યુચેનકોવાને ત્રણ સેટના મુકાબલામાં  6-1, 2-6, 6-4 થી પરાજય આપ્યો છે. 29 વર્ષીય રશિયન ખેલાડી પોતાના ગ્રાન્ડ સ્લેમ પર્દાપણના 14 વર્ષ બાદ કોઈ મેજર ટૂર્નામેન્ટના ફાઇનલમાં પહોંચી હતી, પણ તે ટાઇટલ જીતી શકી નહીં. ફ્રેન્ચ ઓપનના મહિલા વર્ગમાં સતત છઠ્ઠા વર્ષે નવી ખેલાડીએ ટાઇટલ જીત્યું છે. 2016થી અહીં નવી ખેલાડી ટાઇટલ જીતી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1981 બાદ ચેક રિપબ્લિકને મહિલા વર્ગમાં ફ્રેન્ચ ઓપનનું ટાઇટલ મળ્યું છે. છેલ્લે હાના માંડલિકોવાએ અહીં ટાઇટલ જીત્યું હતું. વર્લ્ડ નંબર-33 બારબરા ક્રેજિકોવાએ મુકાબલામાં સારી શરૂઆત કરી અને પ્રથમ સેટ 6-1થી પોતાના નામે કરી લીધો હતો. પરંતુ બીજા સેટમાં એનાસ્તાસિયા પાવલ્યુચેનકોવાએ વાપસી કરી હતી. અંતિમ સેટ 6-4થી જીતીને બારબરાએ ટ્રોફી પર કબજો કર્યો છે. આ મુકાબલો 1 કલાક 58 મિનિટ ચાલ્યો હતો. 



ડબલ ટાઇટલ જીતવાની તક
બારબરા ક્રેજિકોવા મહિલા ડબલ્સના ફાઇનલમાં પણ પહોંચી છે. તે અને કેટરિના સિનિકોવા રવિવારે અહીં મુકાબલો રમશે. બારબરાએ સતત 12મો મુકાબલો જીત્યો છે. તે 8 મહિના પહેલા જ્યારે ફ્રેન્ચ ઓપનમાં ઉતરી હતી ત્યારે તેનો રેન્ક 114મો હતો. ત્યારે તે ચોથા રાઉન્ડમાં હારી બહાર થઈ ગઈ હતી.