BCCIએ ભારત-પાક શ્રેણી વિવાદ પર ભારત સરકારને નીતિ સ્પષ્ટ કરવા કહ્યું
બીસીસીઆઈએ સરકારને ભારત-પાક શ્રેણી પર ઔપચારિક રીતે નીતિ સ્પષ્ટ કરવાનું કહ્યું છે. બીસીસીઆઈને પીસીબીના સાત કરોડ ડોલરના વળતરના દાવાની વિરુદ્ધ પોતાનો પક્ષ રાખવો છે.
નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ બોર્ડ (બીસીસીઆઈ)એ કેન્દ્ર સરકારને પત્ર લખીને કહ્યું કે, તે ભારત-પાકિસ્તાન દ્વિપક્ષીય સીરીઝના સંબંધમાં પોતાની સ્થિતિ ઔપચારિક રીતે સ્પષ્ટ કરે. આ બંન્ને પાડોસી દેશો વચ્ચે રાજકીય તણાવને કારણે 2012થી કોઈ દ્વિપક્ષીય શ્રેણી રમાઈ નથી. બીસીસીઆઈ સતત પોતાની સ્થિતિ સ્પષ્ટ કરતું આવ્યું છે કે, સરકાર તરફથી મંજૂરી મળ્યા વિના તે દ્વિપક્ષીય શ્રેણી રમી શકશે નહીં.
જાણવા મળ્યું કે, વિશ્વનું સૌથી ધનિક ક્રિકેટ બોર્ડ આઈસીસી વિવાદ નિવારણ મંચ પર જતા પહેલા સરકાર પાસેથી ઔપચારિક સંદેશ ઈચ્છે છે. બીસીસીઆઈને આઈસીસી વિવાદ નિવારણ મંચમાં પીસીબીના સાત કરોડ ડોલરના વળતરની વિરુદ્ધ પોતાનો પક્ષ રાખવાનો છે. પીસીબીએ 2014માં બંન્ને બોર્ડની વચ્ચે થયેલી સમજૂતીનું સન્માન ન કરવાને કારણે આ દાવો કર્યો છે.
બીસીસીઆઈએ હાલમાં મંત્રાલયને લખ્યું, જો તમે ભારતીય ક્રિકેટ ટીમના પાકિસ્તાન ક્રિકેટ ટીમની સાથે સ્વદેશ અને વિદેશી પ્રવાસમાં રમવા માટે ભારત સરકારની પૂર્વમાં મંજૂરી લેવાની આવશ્યકતાને લઈને ભારત સરકારની નીતિ-સ્થિતિ ઔપચારિક રીતે સ્પષ્ટ કરો તો બીસીસીઆઈ તમારુ આભારી રહેશે.
આ ઈમેલ વિશે પૂછવા પર બીસીસીઆઈના એક વરિષ્ઠ અધિકારીએ પીટીઆઈને કહ્યું, આ બીસીસીઆઈ તરફથી નિયમિત પત્ર વ્યવહાર છે. દ્વિપક્ષીય શ્રેણીને લઈને સરકારની મંજૂરી લેવી તે અમારૂ કર્તવ્ય છે. અમારૂ કામ પૂછવાનું છે અને તે સરકાર પર નિર્ભર છે. અમે સમજીએ છીએ કે વર્તમાન પરિસ્થિતિમાં દ્વિપક્ષીય શ્રેણી ખૂબ મુશ્કેલ છે પરંતુ અમને સરકારનો જવાબ મળશે તો તેમાં અમને મદદ મળશે.
પીસીબીએ આઈસીસી વિવાદ ઉકેલ સમિતિમાં અપીલ કરીને બીસીસીઆઈ પર ભવિષ્યના પ્રવાસ કાર્યક્રમ (એફટીપી)ની પ્રતિબદ્ધતાનું સન્માન ન કરવાનો આરોપ લગાવ્યો છે. તેના અનુસાર ભારતે પાકિસ્તાન વિરુદ્ધ સંયુક્ત અરબ અમીરાત જેવા તટસ્થ સ્થળ પર પણ બે શ્રેણી રમવી જરૂરી છે.
આઈસીસીએ એક જાહેરાતમાં કહ્યું, આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદે પુષ્ટિ કરી છે કે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ અને ભારતીય ક્રિકેટ બોર્ડ વચ્ચે મામલામાં માઇકલ બેલોફ ક્યૂસી વિવાદ પેનલની આગેવાની કરશે. પેનલના બે અન્ય સભ્યો જાન પોલસન અને ડો. અનાબેલ બેનેટ એઓ, એસસી છે. વિશ્વ ક્રિકેટની સર્વોચ્ચ સંસ્થાએ આ સાથે સ્પષ્ટ કર્યું કે વિવાદ પેનલના નિર્ણય વિરુદ્ધ અપીલ કરી શકાશે નહીં.
ઉલ્લેખનીય છે કે, આ વિવાદ પર પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ ભારત વિરુદ્ધ મેચ રમવાના મામલામાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટના વિવાદ સમાધાન સમિતિના નિર્ણયને માનવા તૈયાર છે અને ઈચ્છે છે જો નિર્ણય પોતાના પક્ષમાં રહે તો 2019-2023ના ભવિષ્યના પ્રવાસ કાર્યક્રમમાં બંન્ને દેશોના દ્વિપક્ષીય આયોજનને સામેલ કરવામાં આવે.