નવી દિલ્હીઃ હવે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં પણ ડિસીઝન ટૂ રિવ્યૂ સિસ્ટમ (DRS) લાગુ થવા માટે તૈયાર છે. બીસીસીઆઈએ આઈપીએલ 2018માં ડીઆરએસ લાગુ કરવાને લીલી ઝંડી આપી દીધી છે. આ પહેલા બીસીસીઆઈ ડીઆરએસ માટે તૈયાર ન હતું. બોર્ડનું માનવું હતું કે રિવ્યૂ સિસ્ટમ સંપૂર્ણ રીતે ફૂલપ્રુફ નથી. વિશ્વના ક્રિકેટ રમતા દેશોમાં ડીઆરએસ લાગુ થયા બાદ પણ ભારતમાં આ સિસ્ટમ લાગુ ન હતી, પરંતુ 2016માં જ્યારે ઈંગ્લેન્ડે ભારતનો પ્રવાસ કર્યો ત્યારે આ સિસ્ટમને મંજુરી આપવામાં આવી હતી. હવે આ સિસ્ટમ આઈપીએલ 2018માં પણ લાગુ થશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઈન્ડિયન એક્સપ્રેસમાં છપાયેલા સમાચાર અનુસાર,  બીસીસીઆઈના એક સત્તાવાર સૂત્ર અનુસાર અમે ઘણા સમયથી ડીઆરએસ લાગુ કરવા ઈચ્છતા હતા. પરંતુ અમે આ વર્ષે નિર્ણય લીધો છે. અમારી પાસે બીજી તમામ ટેક્નોલોજી ઉપલબ્ધ છે, તો ડીઆરએસ કેમ ન હોય. અમે આંતરરાષ્ટ્રીય મેચમાં ડીઆરએસનો ઉપયોગ કરીએ તો આઈપીએલમાં પણ તેનો ઉપગોય કરવો જોઈએ. 



તમને જણાવી દઈએ કે બોર્ડે ડિસેમ્બરમાં 10 સ્થાનિક અમ્પાયરને પસંદગી કરી હતી જે દેશમાં રમાતી સ્પર્ધામાં ડીઆરએસ પર નજર રાખી શકે. આ અમ્પાયરની પસંદગી આઈપીએલને ધ્યાનમાં રાખીને કરવામાં આવી હતી. આ દસ અમ્પાયર આઈપીએલમાં અમ્પાયરિંગ કરતા જોવા મળશે. 


ભારતમાં સ્થાનિક મેચમાં ડીઆરએસનો ઉપયોગ કરવામાં આવતો નથી. એક ડોમેસ્ટિક અમ્પાયરે જણાવ્યું કે, આઈપીએલમાં લોકલ અમ્પાયર હોય છે, તેથી બોર્ડે અમને ડીઆરએસ સિસ્ટમને યોગ્ય રીતે સમજવા માટે આમંત્રિત કર્યા હતા. અમને જણાવાયું કે બોર્ડે આ વર્ષે આઈપીએલમાં ડીઆરએસ લાગુ કરશે. પાકિસ્તાન સુપર લીગ બાદ આઈપીએલ બીજી મોટી ટી20 લીગ બનશે જેમાં ડીઆરએસ લાગુ છે. 


તમને જણાવી દઈએ કે, આઈપીએલની આગામી સીઝનનો પ્રારંભ 7 એપ્રિલથી થવાનો છે.  ટૂર્નામેન્ટની ફાઇનલ 27 મેએ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે.