વર્લ્ડકપ 2019 માંથી પાકિસ્તાનને દૂર કરવા BCCI મેદાનમાં, ICC ને કરશે રજૂઆત
પુલવામા હુમલા બાદ ભારતે તમામ ક્ષેત્રે પાકિસ્તાન સામે રણશીંગૂ ફૂક્યું છે. જેમાં ક્રિકેટના મેદાનમાં પણ પાકિસ્તાનનો બોયકોટ કરવાની તૈયારી શરૂ કરવામાં આવી છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ આ માટે મેદાનમાં આવ્યું છે અને પાકિસ્તાનને વિશ્વ કપ 2019 માંથી દૂર કરવા માટે આઇસીસીને રજૂઆત કરવાનો તખ્તો તૈયાર કરાયો છે.
નવી દિલ્હી : પુલવામા હુમલા બાદ ભારતે ચારેબાજુથી પાકિસ્તાનને ઘેરવાનું શરૂ કર્યું છે. હવે પાકિસ્તાન ક્રિકેટ ટીમને આગામી વિશ્વ કપમાંથી દૂર કરવાનો તખ્તો તૈયાર કરવામાં આવી રહ્યો છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ દ્વારા આ માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કંટ્રોલ (ICC) ને રજૂઆત કરવામાં આવશે. આઇસીસીને એક પત્ર લખીને બીસીસીઆઇ આ મુદ્દે દબાણ વધારશે.
સુત્રોના અનુસાર, ક્રિકેટ કંટ્રોલ બોર્ડ સમિતિના સીઓએ વિનોદ રાયે બીસીસીઆઇના સીઇઓ રાહુલ જોહરીને સુચના આપી છે કે તે આઇસીસીને એક ઓફિશિયલ મેલ કરે, જેમાં વર્લ્ડ કપ 2019 માંથી પાકિસ્તાનને બાકાત રાખવાનો મુદ્દો ઉઠાવે. પુલવામા હુમલા બાદ બીસીસીઆઇ હવે પાકિસ્તાનને લઇને કડકાઇ પર આવ્યું છે.
અહીં નોંધનિય છે કે, આગામી 27 ફેબ્રુઆરીથી લઇને 2જી માર્ચ સુધી દુબઇમાં આઇસીસીની બેઠક થનાર છે. જેમાં આ મુદ્દાને બીસીસીઆઇ ભાર પૂર્વક ઉઠાવશે.
બીજી તરફ શુક્રવારે આયોજિત સીઓએ બેઠકમાં ખેલ, વિદેશ અને ગૃહ મંત્રાલયની સલાહ લેવામાં આવશે. જે બાદ બીસીસીઆઇ અને સીઓએ સામુહિક રીતે નિર્ણય લેશે કે પાકિસ્તાન સાથે ક્રિકેટ રમવું કે નહીં? જોકે અત્યાર સુધી બીસીસીઆઇ તરફથી આઇસીસીને કોઇ પત્ર લખવામાં આવ્યો નથી.