ધોનીની નિવૃતી પર બોલ્યો ગાંગુલી- ચેમ્પિયન પોતાની રમત ઝડપથી છોડતા નથી
બીસીસીઆઈના અધ્યક્ષનો કાર્યભાર સંભાળ્યા બાદ સૌરવ ગાંગુલીએ પત્રકાર પરિષદ યોજી હતી. આ દરમિયાન તેમને એમએસ ધોનીની નિવૃતી અને ટીમમાં રોલ પર સવાલ કરવામાં આવ્યા હતા.
મુંબઈઃ બીસીસીઆઈના નવા અધ્યક્ષ સૌરવ ગાંગુલી બુધવારે જ્યારે પદભાર સંભાળ્યા બાદ પ્રથમવાર મીડિયાની સામે આવ્યા તો તેમને એમએસ ધોનીની નિવૃતી પર પણ સવાલ પૂછવામાં આવ્યો હતો. ગાંગુલીએ તેનો પોતાના અંદાજમાં જવાબ આપ્યો છે. ધોનીને ચેમ્પિયન ગણાવતા ગાંગુલીએ કહ્યું કે, ચેમ્પિયન ખેલાડી ક્યારેય ઝડપથી પોતાની રમત છોડતા નથી. ધોનીની વાત કરતા દાદાએ પોતાના સમયનું પણ ઉદાહરણ આપ્યું, જ્યારે તેમણે આશરે દોઢ વર્ષ આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી બહાર રહ્યાં બાદ ક્રિકેટમાં જોરદાર વાપસી કરી અને ફરી આગામી બે વર્ષ સુધી સતત ક્રિકેટ રમ્યા હતા.
પ્રેસ કોન્ફરન્સ દરમિયાન સૌરવ ગાંગુલીએ પોતાની તે યોજનાઓ પર પણ ખુલીને ચર્ચા કરી, જેને તેઓ પોતાના કાર્યકાળમાં અંજામ આપશે. તેણે કેપ્ટન વિરાટ કોહલીની રમત પર પણ પોતાની વાત રાખી હતી. તેમણે ભારતીય ક્રિકેટરોનની રમતની ખૂબ પ્રશંસા કરી હતી.
ધોનીની રમત પર શું બોલ્યા દાદા
રોયલ બંગાલ ટાઇગરના નામથી જાણીતા ગાંગુલીએ કહ્યું કે, તે ધોની સાથે જરૂર વાત કરશે. ગાંગુલીએ પત્રકાર પરિષદ પહેલા બુધવારે બીસીસીઆઈના નવા અધ્યક્ષ તરીકે પદભાર સંભાળ્યો હતો. 47 વર્ષીય ગાંગુલીએ કહ્યું, 'હજુ મારી (ધોની સાથે) વાત થઈ નથી, પરંતુ અમે તેના ભવિષ્ય વિશે જરૂર ચર્ચા કરીશું. તે એક ચેમ્પિયન છે અને ચેમ્પિયન પોતાની રમતની ઝડપથી પૂરી કરતા નથી.'
તમને જણાવી દઈએ કે વિશ્વકપ-2019ની સેમિફાઇનલ મેચ બાદ ધોનીએ ટીમ ઈન્ડિયાનું પ્રતિનિધિત્વ કર્યું નથી. તે હાલમાં રાંચીમાં આફ્રિકા વિરુદ્ધ સિરીઝની ત્રીજી ટેસ્ટ મેચમાં મળેલી જીત બાદ ટીમ ઈન્ડિયાના ડ્રેસિંગ રૂમમાં જોવા મળ્યો હતો.
વિરાટ પર બોલ્યો ગાંગુલી, ક્રિકેટને ખુબ આગળ લઈ જશે
ટીમ ઈન્ડિયાના વર્તમાન કેપ્ટન વિરાટ કોહલી વિશે તેમણે કહ્યું, 'તે એવો ખેલાડી છે જે ભારતીય ક્રિકેટને ખુબ આગળ લઈને જઈ શકે છે. હું પણ કેપ્ટન રહ્યો છું અને તેવામા એક કેપ્ટનની જવાબદારી યોગ્ય રીતે સમજુ છું. વિરાટ એક એવો ખેલાડી છે જે ભારતીય ક્રિકેટને ખુબ આગળ લઈ જઈ શકે છે. તમે છેલ્લા 4-5 વર્ષમાં તેની રમતને જુઓ, તે કમાલનો ક્રિકેટર છે.'
તેમણે કહ્યું, હું વિરાટ સાથે કાલે (ગુરૂવાર) મુલાકાત કરીશ. તે ભારતીય ટીમનો કેપ્ટન છે અને ભારતીય ક્રિકેટ માટે સૌથી મહત્વનો વ્યક્તિ છે. અમે તેની સંભવિત તમામ મદદ કરીશું.