સ્મિથને રાજસ્થાનનો કેપ્ટન બનાવવાથી આશ્ચર્યમાં છે બીસીસીઆઈ, ઉઠ્યા સવાલ
સાઉથ આફ્રિકામાં ગત વર્ષે થયેલા સેન્ડપેપર વિવાદ બાદ ક્રિકેટ ઓસ્ટ્રેલિયા (સીએ)એ કહ્યું હતું કે, સ્મિથ આગામી બે વર્ષો સુધી તમામ આંતરરાષ્ટ્રીય અને ડોમેસ્ટિક ટૂર્નામેન્ટમાં કેપ્ટન પદ સંભાળી શકશે નહીં.
નવી દિલ્હી/જયપુરઃ ઈન્ડિયન પ્રીમિયર લીગની ફ્રેન્ચાઇઝી રાજસ્થાન રોયલ્સે અંજ્કિય રહાણેને સુકાની પદેથી હટાવીને સ્ટીવ સ્મિથને આ સિઝનના બાકીના મેચો માટે ટીમની કમાન સોંપી અને તેના આ નિર્ણયથી ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ) આઘાતમાં છે.
સાઉથ આફ્રિકામાં ગત વર્ષે થયેલા સેન્ડપેપર વિવાદ બાદ ક્રિકેટ ઓસ્ટ્રેલિયા (સીએ)એ કહ્યું હતું કે, સ્મિથ આગામી બે વર્ષો સુધી તમામ આંતરરાષ્ટ્રીય અને ડોમેસ્ટિક ટૂર્નામેન્ટમાં કેપ્ટન પદ સંભાળી શકશે નહીં. સ્મિથ પર ક્રિકેટ રમવા પર પણ એક વર્ષનો પ્રતિબંધ લગાવ્યો હતો જે હવે સમાપ્ત થઈ ગયો છે. બીસીસીઆઈના અધિકારીએ માન્યું કે, બોર્ડે સીએના નિર્ણયને ધ્યાનમાં રાખીને ડેવિડ વોર્નર અને સ્મિથને આઈપીએલની ગત સિઝનમાં રમવાની મંજૂરી ન આપી હતી. તેથી સ્મિથને કેપ્ટન બનાવતા પહેલા રાજસ્થાને પોતાના નિર્ણય પર વિચાર કરવાની જરૂર હતી.
બીસીસીઆઈના એક અધિકારીએ કહ્યું, 'પ્રશાસકો'ની સમિતિ (સીઓએ)એ ખેલાડીઓ પર પ્રતિબંધ લગાવવાના નિર્ણયને ધ્યાનમાં રાખીને તેને આઈપીએલની ગત સિઝનમાં બહાર રાખ્યા હતા. તો તેના સુકાની પદ પર લગાવેલા પ્રતિબંધનું શું થયું? શું તે આ નિર્ણયનો ભાગ નથી? કે સીએના નિર્ણય પર માત્ર પોતાની સુવિધા અનુસાર અમલ કરવામાં આવશે. સીઓએએ આ મામલા પર હસ્તક્ષેપ કરવો જોઈએ અને ફ્રેન્ચાઈઝીએ પણ જવાબ આપવો પડશે.
આઈપીએલની ગત સિઝનમાં સ્મિથ અને વોર્નર પર પ્રતિબંધ લગાવતા સીઓએએ કહ્યું હતું, બીસીસીઆઈના કાર્યવાહક અધ્યક્ષ સી.કે. ખન્ના, આઈપીએલના ચેરમેન રાજીવ શુક્લા અને કાર્યવાહક સચિવ અમિતાભ ચૌધરીની સાથે ચર્ચા કર્યા બાદ સીઓએએ સ્મિથ અને વોર્નરના આઈપીએલ 2018માં ભાગ લેવા પર તત્કાલ પ્રભાવથી પ્રતિબંધ લગાવવાનો નિર્ણય કર્યો હતો.
IPL 2019: રાજસ્થાન રોયલ્સનું શાનદાર પ્રદર્શન, મુંબઈને 5 વિકેટે હરાવ્યું
બીસીસીઆઈને આશા છે કે આઈપીએલમાં ભાગ લેતા ખેલાડીઓના મનમાં ક્રિકેટની ભાવના અને ખેલાડીઓ તથા મેચ અધિકારીઓ માટે બનાવવામાં આવેલી આચાર સંહિતા પ્રત્યે સર્વોચ્ચ સન્માન છે.
બીસીસીઆઈ અધિકારીએ કહ્યું, આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (આઈસીસી)નું બંધારણ કહે છે કે જો એક પૂર્ણ સભ્ય કોઈ નિર્ણય કરે તો, અન્ય સભ્યોએ પણ તેનું પાલન કરવું જોઈએ અને તેથી વિભિન્ન દેશોએ પોતાના ખેલાડીઓને આઈપીએલમાં રમવાની મંજૂરી ન આપી કારણ કે બીસીસીઆઈ તેનું સમર્થન કરે છે.
મુંબઈ ઈન્ડિયન્સ વિરુદ્ધ મુકાબલો શરૂ થતાં પહેલા રાજસ્થાન રોયલ્સ ક્રિકેટના પ્રમુખ જુબિન ભરૂચાએ કહ્યું, રહાણે ટીમમાં છે અને તે હંમેશા રોયલ્સની સાથે રહેશે. તેણે 2018માં પડકારજનક માહોલમાં ટીમને પ્લેઓફમાં પહોંચાડી હતી. તે અમારી ટીમ અને નેતૃત્વનો એક મહત્વપૂર્ણ ભાગ બની ગયો છે અને સ્મિથને જ્યારે જરૂર હશે તે તેની મદદ કરશે.
રાજસ્થાનના ખરાબ પ્રદર્શન બાદ ફ્રેન્ચાઇઝીએ બદલ્યો કેપ્ટન, રહાણેની જગ્યાએ સ્મિથ સંભાળશે કમાન
તેમણે કહ્યું, સ્ટીવ તમામ ફોર્મેટોમાં વિશ્વના સૌથી સફળ કેપ્ટનોમાંથી એક છે. અમને વિશ્વાસ છે કે તે રોયલ્સની સફળતા આગળ લઈ જઈ શકે છે.