નવી દિલ્હીઃ વિશ્વ કપમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ઈજાગ્રસ્ત થયેલો ટીમ ઈન્ડિયાનો ઓપનિંગ બેટ્સમેન શિખર ધવન વિશ્વકપમાંથી બહાર થયો નથી. મંગળવારે મોડી સાંજે શિખર ધવનની ઈજાનો ફાઇનલ રિપોર્ટ બહાર આવી ગયો. તેના અંગૂઠામાં હેયરલાઇન ફ્રેક્ચર સામે આવ્યું છે. આ રિપોર્ટ બાદ બીસીસીઆઈ અને ટીમ મેનેજમેન્ટે નિર્ણય લીધો છે કે આગામી એક સપ્તાહ સુધી શિખર ધવન ટીમની સાથે ડોક્ટરોની દેખરેખમાં રહેશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રિષભ પંત સ્ટેન્ડબાય રહેશે
આ પહેલા અટકળો લગાવવામાં આવી રહી હતી કે ધવન વિશ્વકપમાંથી બહાર થઈ શકે છે અને તેની જગ્યાએ રાયડૂ કે પંતમાંથી કોઈ એકને તક મળી શકે છે. જો ધવનની ઈજામાં સુધારો નહીં થાય તો પંત તેનું સ્થાન લેશે. 


ધવનને હેરલાઇન ફ્રેક્ચર
ધવનના અંગૂઠામાં આવેલા ફ્રેક્ચરનો મેડિકલ રિપોર્ટ બાદ ટીમ ઈન્ડિયાને રાહત મળી કારણ કે તેની ઈજા થોડા સમયમાં યોગ્ય થઈ શકે છે અને તે સંપૂર્ણ રીતે ફિટ થયા બાદ ટીમ ઈન્ડિયાની પ્લેઇંગ ઈલેવનનો ભાગ બની શકે છે. પરંતુ તે હાલમાં કેટલાક મેચ રમી શકશે નહીં. 



ટીમ મેનેજમેન્ટ ધવનને આપવા ઇચ્છે છે સમય
જો એક સપ્તાહમાં ધવનની ઈજામાં સુધારો ન થાય તો પછી રિષભ પંતને તેના સ્થાને બોલાવી શકાય છે. હાલમાં ટીમ મેનેજમેન્ટે નક્કી કર્યું કે, શિખરને ટીમની સાથે રહીને ફિટ થવાની પૂરી તક આપવામાં આવે જેથી તે ઈજામાંથી બહાર આવીને ફરી ટીમ ઈન્ડિયાને પોતાની સેવા આપી શકે. 


ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ મેચમાં ધવનને થઈ હતી ઈજા
મહત્વનું છે કે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ બીજી મેચમાં ધવન ફાસ્ટ બોલર પેટ કમિન્સના એક બોલ પર ઈજાગ્રસ્ત થઈ ગયો હતો. ઉછળતો બોલથી તેના ડાબા હાથના અંગૂઠામાં ઈજા થઈ ગઈ હતી. ધવને દુખાવો અને સોજો છતાં પોતાની ઈનિંગ રમી અને આ દરમિયાન તેણે 109 બોલ પર 117 રન બનાવ્યા હતા. ધવનની ઈનિંગની મદદથી ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને 36 રને પરાજય આપ્યો હતો.