IND vs SL: ઈશાન કિશને જન્મદિવસ પર કર્યુ પર્દાપણ, પ્રથમ ઈનિંગમાં અડધી સદી ફટકારી બનાવ્યો રેકોર્ડ
પૂર્વ કેપ્ટન એમએસ ધોનીના ગૃહપ્રદેશથી આવતા ઈશાન કિશને વનડે કરિયરનો પ્રારંભ ધમાકેદાર અંદાજમાં કર્યો. તેણે ડેબ્યૂ મેચમાં પ્રથમ બોલ પર સિક્સ ફટકારી બીજા બોલ પર બાઉન્ડ્રી ફટકારી હતી.
કોલંબોઃ ભારત અને શ્રીલંકા વચ્ચે પ્રેમદાસા સ્ટેડિયમમાં ત્રણ મેચોની વનડે સિરીઝની પ્રથમ મેચ રમાઈ રહી છે. આ મેચમાં ભારતના યુવા વિકેટકીપર બેટ્સમેન ઈશાન કિશને પર્દાપણ કર્યુ છે. ઈશાન કિશન માટે વનડે ડેબ્યૂ ખાસ રહ્યુ કારણ કે આજે તેનો જન્મદિવસ છે. ઝારખંડના યુવા બેટ્સમેને પોતાની પ્રથમ ઈનિંગમાં ધમાકો કરી દીધો છે.
છગ્ગો ફટકારી ઈનિંગની શરૂઆત કરી
જન્મદિવસના ખાસ દિવસે પર્દાપણ કરનાર ઈશાન કિશને ક્રિઝ પર આવતા પ્રથમ બોલ પર સિક્સ ફટકારી. તેણે છઠ્ઠી ઓવરના ચોથા બોલ પર ધનંજયના માથા ઉપરથી હવામાં શોટ રમ્યો હતો. ત્યારબાદ તેણે બીજા બોલ પર ચોગ્ગો ફટકાર્યો હતો. ઇશાન કિશને 32 બોલમાં પોતાની અડધી સદી પણ પૂરી કરી હતી. રસપ્રદ વાત એ પણ છે કે કિશને ટી20 ડેબ્યૂમાં પણ ચોગ્ગો ફટકારી શરૂઆત કરી હતી.
SLvIND: શિખર ધવન બન્યો ભારતનો સૌથી મોટી ઉંમરનો કેપ્ટન, 62 વર્ષનો ઈતિહાસ બદલાયો
વનડે અને ટી20 પર્દાપણમાં અડધી સદી
ઈશાન કિશન પોતાની આક્રમક બેટિંગ માટે જાણીતો છે. ઈશાન કિશને આ વર્ષે ઈંગ્લેન્ડ સામે રમાયેલી ટી20 સિરીઝમાં ક્રિકેટના નાના ફોર્મેટમાં પર્દાપણ કર્યુ હતું. તેણે અમદાવાદમાં પોતાની પ્રથમ ટી20 ઈનિંગમાં પણ અડધી સદી ફટકારી હતી. તો વનડે ક્રિકેટમાં પણ પ્રથમ ઈનિંગમાં અડધી સદી ફટકારી દીધી છે. ઈશાન કિશન 42 બોલમાં 8 ચોગ્ગા અને બે છગ્ગા સાથે 59 રન બનાવી આઉટ થયો હતો. ભારત તરફથી રોબિન ઉથપ્પાએ પોતાના વનડે અને ટી20 પર્દાપણ ઈનિંગમાં અડધી સદી ફટકારી હતી.
ઉલ્લેખનીય છે કે ઈશાન કિશનનો આજે જન્મદિવસ છે. 23 વર્ષીય આ ખેલાડી ભારતનો બીજો અને આંતરરાષ્ટ્રીય સ્તર પર 16મો ખેલાડી છે જેણે જન્મદિવસ પર ડેબ્યૂ કર્યુ છે. ભારત તરફથી ઈશાન પહેલા ગુરૂશરણ સિંહ એકમાત્ર ખેલાડી હતા, જેણે પોતાના જન્મદિવસના દિવસે પર્દાપણ કર્યુ હતું. તેમણે 1990માં હેમિલ્ટનમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ કરિયરની શરૂઆત કરી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube