IND Vs AUS: બર્થડેના દિવસે જસપ્રીત બુમરાહે કર્યો કમાલ, ખ્વાજાને આઉટ કરતાની સાથે જ ઈતિહાસ રચ્યો
આજથી ઓસ્ટ્રેલિયામાં બોર્ડર ગાવસ્કર ટ્રોફી ટેસ્ટ સિરીઝની બીજી મેચ એડિલેડ ખાતે શરૂ થઈ. આ મેચ દરમિયાન જસપ્રીત બુમરાહે જેવી એક વિકેટ લીધી કે તેણે એક ખાસ રેકોર્ડ પોતાના નામે કર્યો.
હાલ ઓસ્ટ્રેલિયામાં બોર્ડર ગાવસ્કર ટ્રોફી ટેસ્ટ સિરીઝ રમાઈ રહી છે. જેની બીજી મેચ આજથી એડિલેડ ખાતે શરૂ થઈ. આ મેચ દરમિયાન જસપ્રીત બુમરાહે જેવી એક વિકેટ લીધી કે તેણે એક ખાસ રેકોર્ડ પોતાના નામે કર્યો. બુમરાહ ટેસ્ટ ક્રિકેટમાં આ વર્ષે એટલે કે 2024માં 50 વિકેટ લેનાર પહેલો ભારતીય બોલર બન્યો છે. બુમરાહે ઉસ્માન ખ્વાજાને આઉટ કરીને આ સફળતા મેળવી. ખ્વાજા માત્ર 13 રન કરી શક્યો. બુમરાહ આ વર્ષે સૌથી વધુ વિકેટ લેનારો બોલર બન્યો છે. આ મામલે બીજા નંબરે અશ્વિન છે. જેના નામે 46 વિકેટ છે. ત્રીજા નંબરે શોએબ બશીર છે. બશીરે 45 વિકેટ અત્યાર સુધીમાં આ વર્ષમાં લીધી છે. રવિન્દ્ર જાડેજાના નામે 44 વિકેટ છે. (Most wickets in 2024 in Tests) બુમરાહે આ વર્ષે 11મી ટેસ્ટમાં 50મી વિકેટ લીધી. 22 વર્ષ બાદ કોઈ ભારતીય બોલરે આ કારનામું કર્યું.
જસપ્રીત બુમરાહ પહેલા ફક્ત 2 ભારતીય બોલરોએ આવું કારનામું કર્યું છે. કુલ 4 વખત ભારતીય ફાસ્ટ બોલરોએ 1 વર્ષમાં 50થી વધુ વિકેટ લીધી છે. દિગ્ગજ કપિલ દેવે 2 અને ઝહીર ખાને 1 વખત આવું કર્યું છે. કપિલ દેવે 1983માં 75 અને 1979માં 74 વિકેટ લીધી હતી. ઝહીર ખાને 2002માં 51 વિકેટ લીધી હતી. બુમરાહની વર્તમાન સરેરાશ 15.1 અને એ 17 ભારતીય બોલરોમાં સર્વશ્રેષ્ઠ છે, જેમણે એક કેલેન્ડર વર્ષમાં 50થી વધુ વિકેટ લીધી.
31 વર્ષનો થયો બુમરાહ
ખાસ વાત એ છે કે બુમરાહની આ ઉપલબ્ધિ આજે તેને તેના જન્મદિવસ ઉપર મળી. 6 ડિસેમ્બર 1993ના રોજ જન્મેલા જસપ્રીત બુમરાહ 31 વર્ષનો થયો. બુમરાહે બોર્ડર ગાવસ્કર ટ્રોફીની પહેલી મેચ જે પર્થમાં રમાઈ હતી તેમાં જીત મેળવી હતી. ત્યાં 72 રન આપીને 8 વિકેટ લીધી હતી. જે કોઈ પણ મહેમાન ફાસ્ટ બોલર કેપ્ટનના સર્વશ્રેષ્ઠ આંકડા છે.
મેચમાં ખરાબ રહી શરૂઆત
આ મેચ પિંક બોલથી રમાઈ રહી છે. ટોસ જીતીને રોહિત શર્માએ બેટિંગ કરવાનું પસંદ કર્યું પરંતુ ભારતની શરૂઆત ખુબ ખરાબ રહી. 180 રનમાં ભારતીય ટીમ ઓલઆઉટ થઈ ગઈ. ઓસ્ટ્રેલિયા તરફથી સ્ટાર પેસર મિચેલ સ્ટાર્કે 6 વિકેટ પોતાના નામે કરી. જ્યારે ભારત તરફથી સૌથી વધુ રન નીતિશ રેડ્ડીએ 42 રન કર્યા.