ઋષિ કપૂરના નિધનથી ખેલજગત પણ શોકાતુર, સચિન-કોહલી સહિતની હસ્તીઓએ આ રીતે કર્યા યાદ
બોલિવૂડના દિગ્ગજ અભિનેતા ઋષિ કપૂરનું નિધન થયું છે. તેમણે સવારે 8:45 કલાકે હોસ્પિટલમાં છેલ્લા શ્વાસ લીધા. ઋષિ કપૂરના નિધનથી બોલિવૂડમાં શોકની લહેર વ્યાપી ગઈ છે. રાજકીય હસ્તીઓની સાથે સાથે ખેલજગતની દિગ્ગજ હસ્તીઓએ પણ તેમને ઋદ્ધાંજલિ આપી છે.
નવી દિલ્હી: બોલિવૂડના દિગ્ગજ અભિનેતા ઋષિ કપૂરનું નિધન થયું છે. તેમણે સવારે 8:45 કલાકે હોસ્પિટલમાં છેલ્લા શ્વાસ લીધા. ઋષિ કપૂરના નિધનથી બોલિવૂડમાં શોકની લહેર વ્યાપી ગઈ છે. તબિયત લથડતા તેમને મુંબઈની Sir H. N. Reliance Foundation Hospital માં દાખલ કરવામાં આવ્યાં હતાં. મહાનાયક અમિતાભ બચ્ચને ઋષિ કપૂરના નિધનની ટ્વીટ કરીને જાણકારી આપી છે. તેમણે ટ્વીટ કરીને લખ્યું કે ઋષિ કપૂર જતા રહ્યાં, હમણા તેમનું નિધન થયું. હું તૂટી ગયો છું. તેમના મોટાભાઈ રણધીર કપૂરે કહ્યું હતું કે તેમને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી. તેમને મુંબઈની સર એચ એન રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. તેમના નિધનથી સિનેપ્રેમીઓમાં શોકની લહેર વ્યાપી ગઈ છે. રાજકીય હસ્તીઓની સાથે સાથે ખેલજગતની દિગ્ગજ હસ્તીઓએ પણ તેમને ઋદ્ધાંજલિ આપી છે.
ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ કહ્યું કે વિશ્વાસ કરવું મુશ્કેલ છે. ગઈ કાલે ઈરફાન ખાન અને આજે ઋષિ કપૂર. તેમના પરિવાર પ્રત્યે મારી સંવેદનાઓ અને તેમના આત્માને શાંતિ મળે.
માસ્ટર બ્લાસ્ટર સચિન તેન્દુલકરે કહ્યું કે ઋષિજીના નિધનની ખબર જાણીને ખુબ દુખી છું. હું તેમની ફિલ્મો જોઈને મોટો થયો છું, જ્યારે પણ તેમને મળ્યો છું ત્યારે હંમેશા ઉદાર રહ્યાં છે. તેમના આત્માને શાંતિ મળે.
બીસીસીઆઈમાં હાલના અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ ઋષિ કપૂર અને ઈરફાન ખાનની તસવીરો શેર કરતા લખ્યું કે એક જિંદગી છે. તેને પૂરી અને ખુશીથી જીવો. બીજી કોઈ ચીજથી ફરક પડતો નથી. બસ યાદ અપાવી રહ્યો હતો. તમે હંમેશા યાદ આવશો.
ટીમ ઈન્ડિયાના પૂર્વ ઓપનર વીરેન્દ્ર સેહવાગ પણ આ સમાચાર જાણીને દુખી છે. તેમણે લખ્યું કે ઋષિ કપૂરજીના નિધન અંગે જાણીને દિલ તૂટી ગયું છે. તેમના પરિવાર પ્રત્યે ઊંડી સંવેદનાઓ, ઓમ શાંતિ.
ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન અનિલ કુંબલે પણ ઋષિ કપૂરને યાદ કરતા લખ્યું કે ઋષિ કપૂર મારા બાળપણના હીરો હતાં. તેઓ હવે જતા રહ્યાં. તેમના પરિવાર અને મિત્રો પ્રત્યે ઊંડી સંવેદનાઓ.
બેડમિન્ટન સ્ટાર સાઈના નેહવાલે લખ્યું કે આજે સવારે ઊઠી તો ખરાબ સમાચાર જાણવા મળ્યાં. તેમના આત્માને શાંતિ મળે. તમે હંમેશા યાદ આવશો સર.
જાણિતા બોક્સર અને ઓલિમ્પિક ગોલ્ડ મેડલ વિનર વિજેન્દ્ર સિંહે લખ્યું કે એક વધુ બહુમુખી પ્રતિભાવાળા એક્ટર આપણને છોડીને જતા રહ્યાં. ઋષિ કપૂરજી. તેમના પરિવાર પ્રત્યે મારી ઊંડી સંવેદનાઓ.