મુંબઈઃ આજે આઈપીએલ-2024માં ટૂર્નામેન્ટના ઈતિહાસની સૌથી સફળ બે ટીમો વચ્ચે ટક્કર જોવા મળી હતી. વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલા મુકાબલામાં ચેન્નઈ સુપર કિંગ્સે શાનદાર પ્રદર્શન કરતા મુંબઈ ઈન્ડિયન્સને 20 રને પરાજય આપ્યો છે. ચેન્નઈ પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને પહોંચી છે. ચેન્નઈએ પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 4 વિકેટે 206 રન ફટકાર્યા હતા. જેના જવાબમાં મુંબઈ ઈન્ડિયન્સ 20 ઓવરમાં 6 વિકેટે 186 રન બનાવી શક્યું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કિશન અને રોહિત વચ્ચે 70 રનની ભાગીદારી
ચેન્નઈએ આપેલા લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી મુંબઈ ઈન્ડિયન્સની શાનદાર શરૂઆત રહી હતી. ઈશાન કિશન અને રોહિત શર્માએ પાવરપ્લેમાં 63 રન ફટકારી દીધા હતા. મુંબઈ ઈન્ડિયન્સને 70 રને પ્રથમ ઝટકો લાગ્યો હતો. ઈશાન કિશન 15 બોલમાં 23 રન બનાવી આઉટ થયો હતો. ઈશાને 3 ચોગ્ગા અને એક સિક્સ ફટકારી હતી. 


સૂર્યકુમાર યાદવ ખાલું ખોલાવ્યા વગર પેવેલિયન પરત ફર્યો હતો. જ્યારે તિલક વર્માએ 20 બોલમાં 5 ચોગ્ગા સાથે 31 રન ફટકાર્યા હતા. કેપ્ટન હાર્દિક પંડ્યા માત્ર 2 રન બનાવી કેચઆઉટ થયો હતો. ટિમ ડેવિડ 2 બોલમાં 2 સિક્સ સાથે 13 રન બનાવી મુસ્તફીઝુરનો શિકાર બન્યો હતો. રોમારિયો શેફર્ડ 1 રન બનાવી પથિરાનાની ઓવરમાં બોલ્ડ થયો હતો. 


રોહિત શર્માની સદી
મુંબઈ ઈન્ડિયન્સના પૂર્વ કેપ્ટન રોહિત શર્માએ વાનખેડેમાં શાનદાર સદી ફટકારી હતી. રોહિત શર્માએ 61 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. રોહિતે પોતાની ઈનિંગ દરમિયાન ટી20 ક્રિકેટમાં 500 સિક્સ પૂરી કરવાની સિદ્ધિ મેળવી હતી. રોહિત શર્મા 63 બોલમાં 11 ચોગ્ગા અને 5 સિક્સ સાથે 105 રન બનાવી અણનમ રહ્યો હતો.


બેટિંગ અને બોલિંગ બંનેમાં ફ્લોપ હાર્દિક પંડ્યા
મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન હાર્દિક પંડ્યા બેટિંગ અને બોલિંગમાં ખાસ પ્રદર્શન કરી શક્યો નહીં. હાર્દિક પંડ્યાએ 3 ઓવરમાં 43 રન આપી દીધા હતા. હાર્દિકને જરૂર બે વિકેટ મળી હતી પરંતુ ધોનીએ તેની અંતિમ ઓવરમાં ત્રણ સિક્સ ફટકારી હતી. આ ત્રણ સિક્સ હાર-જીત વચ્ચે અંતર રહી હતી. જ્યારે બેટિંગમાં ટીમને જરૂર હતી ત્યારે હાર્દિક 6 બોલમાં 2 રન બનાવી આઉટ થયો હતો.

પથિરાનાનો મેચ વિનિંગ સ્પેલ
પથિરાનાએ ચેન્નઈની જીતમાં મોટો ફાળો આપ્યો હતો. પથિરાનાએ 4 ઓવરમાં 28 રન આપી 4 વિકેટ ઝડપી હતી. પથિરાનાએ સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, શેફર્ડ અને ઈશાન કિશનની વિકેટ ઝડપી હતી. 


ચેન્નઈની નવી ઓપનિંગ જોડી ફ્લોપ
ચેન્નઈ સુપર કિંગ્સે આજે અજિંક્ય રહાણે અને રચિન રવીન્દ્રની સાથે ઈનિંગની શરૂઆત કરી હતી. પરંતુ ચેન્નઈનો આ પ્લાન ફ્લોપ રહ્યો હતો. અજિંક્ય રહાણે માત્ર 5 રન બનાવી આઉટ થયો હતો. ચેન્નઈએ 8 રને પ્રથમ વિકેટ ગુમાવી હતી. રચિન રવીન્દ્ર પણ સંઘર્ષ કરતો જોવા મળ્યો હતો. રવીન્દ્ર 16 બોલમાં 2 ચોગ્ગા અને 1 સિક્સ સાથે 21 રન બનાવી આઉટ થયો હતો. 


શિવમ દુબે અને ગાયકવાડની શાનદાર અડધી સદી
ચેન્નઈ સુપર કિંગ્સ તરફથી રુતુરાજ ગાયકવાડ અને શિવમ દુબેએ કમાલની બેટિંગ કરી હતી. બંનેએ અડધી સદી ફટકારી હતી. બંનેએ ત્રીજી વિકેટ માટે 90 રનની ભાગીદારી પણ કરી હતી. ચેન્નઈ સુપર કિંગ્સનો કેપ્ટન 40 બોલમાં 5 ચોગ્ગા અને 5 સિક્સ સાથે 69 રન બનાવી આઉટ થયો હતો. જ્યારે શિવમ દુબે 38 બોલમાં 10 ચોગ્ગા અને 2 સિક્સ સાથે 66 રન બનાવી અણનમ રહ્યો હતો. 


ધોની બેટિંગમાં આવતા દર્શકો ખુશ
મહેન્દ્ર સિંહ ધોની ચાર બોલ બાકી હતા ત્યારે મેદાનમાં આવ્યો હતો. ધોનીને ક્રિઝ પર આવતો જોઈ દર્શકો ખુશ થઈ ગયા હતા. એમએસ ધોનીએ પણ દર્શકોને ખુશ કરી દીધા હતા. ધોનીએ 20મી ઓવરમાં હાર્દિક પંડ્યા સામે સતત ત્રણ બોલમાં ત્રણ સિક્સ ફટકારી હતી. ધોની 4 બોલમાં 20 રન બનાવી અણનમ રહ્યો હતો. ડેરલ મિચલ 14 બોલમાં 17 રન બનાવી આઉટ થયો હતો.