IPL 2020, MIvsCSK: ફાફ-રાયડૂની અડધી સદી, ચેન્નઈએ મુંબઈને પાંચ વિકેટ હરાવ્યું
અંબાતી યારડૂ અને ફાફ ડુ પ્લેસિસની શાનદાર અડધી સદીની મદદથી ચેન્નઈ સુપર કિંગ્સે મુંબઈ ઈન્ડિયન્સને પાંચ વિકેટે હરાવી જીત સાથે પોતાના અભિયાનની શરૂઆત કરી છે.
અબુધાબીઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2020)ની 13મી સીઝનનો પ્રારંભ યૂએઈમાં થઈ ગયો છે. પ્રથમ મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સ ડિફેન્ડિંગ ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સને 5 વિકેટે પરાજય આપીને ટૂર્નામેન્ટમાં વિજયી શરૂઆત કરી છે. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા મુંબઈ ઈન્ડિયન્સે 20 ઓવરમાં 9 વિકેટે 162 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ચેન્નઈ સુપર કિંગ્સે ફાફ ડુ પ્લેસિસ (58*) અને અંબાતી રાયડૂ (71)ની શાનદાર બેટિંગની મદદથી 19.2 ઓવરમાં 5 વિકેટ ગુમાવી લક્ષ્ય હાસિલ કરી લીધો હતો. મેચમાં શાનદાર પ્રદર્શન કરનાર અંબાતી રાયડૂને મેન ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો.
મુંબઈ વિરુદ્ધ 163 રનનો પીછો કરવા ઉતરેલી સીએસકીની ટીમના બંન્ને ઓપનર ફેલ થયા હતા. શેન વોટસન 4 રન બનાવી ટ્રેન્ટ બોલ્ટની ઓવરમાં આઉટ થયો તો મુરલી વિજયને પેટિન્સને પેવેલિયન પરત મોકલી આપ્યો હતો. ચેન્નઈ માટે 4 નંબર પર બેટિંગ કરવા આવેલા રાયડૂએ 33 બોલમાં 6 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી અડધી સદી પૂરી કરી અને ટીમને સંકટમાંથી બહાર કાઢી હતી. રાયડૂ 48 બોલમાં 71 રન બનાવી આઉટ થયો હતો. તેણે ફાફ સાથે ત્રીજી વિકેટ માટે 100 કરતા વધુ રનની ભાગીદારી કરી હતી.
ફાફ ડુ પ્લેસિસ 44 બોલમાં 6 ચોગ્ગા સાથે 58 રન બનાવી અણનમ રહ્યો હતો. તો સેમ કરને 6 બોલમાં 2 છગ્ગા અને 1 ચોગ્ગા સાથે 18 રનનું યોગદાન આપ્યું હતું.
મુંબઈ ઈન્ડિયન્સની ઈનિંગ, રોહિત શર્મા ફેલ
આઈપીએલની નવી સીઝનની ઓપનિંગ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રોહિત શર્મા અને ક્વિન્ટન ડિ કોકે ઈનિંગની શરૂઆત કરી હતી. કેપ્ટન રોહિતનું બેટ આ મેચમાં ચાલી શક્યુ નથી. તેને પીયૂષ ચાવલાએ 12 રન પર સેમ કરનના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. મુંબઈને બીજો ઝટકો ડિકોકના રૂપમાં લાગ્યો હતો. શાનદાર બેટિંગ કરી રહેલા ડિકોકને સેમ કરને વોટસનના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. દીપક ચહરે સૂર્યકુમાર યાદવ (17)ને દીપક ચાહરે આઉટ કર્યો હતો.
ફાફના બે શાનદાર કેચ
ત્રણ વિકેટ ગુમાવ્યા બાદ હાર્દિક પંડ્યા અને સૌરભ તિવારીએ ટીમને સંભાળી હતી. પંડ્યાએ ક્રિઝ પર આવવાની સાથે જાડેજાની ઓવરમાં બે છગ્ગા ફટકાર્યા હતા. ત્યારબાદ ઈનિંગની 15મી ઓવરમાં જાડેજાએ પહેલા સૌરભ તિવારી (42) અને હાર્દિક પંડ્યા (15)ને આઉટ કરીને ચેન્નઈની વાપસી કરાવી હતી. સૌરભ તિવારીએ 31 બોલમાં 3 ચોગ્ગા અને એક છગ્ગો ફટાકાર્યો હતો. બંન્ને બેટ્સમેનના બાઉન્ડ્રી પર ફાફ ડુ પ્લેસિસે શાનદાર કેચ ઝડપ્યા હતા.
ક્રુણાલ પંડ્યા પણ માત્ર 3 રન બનાવી લુંગી એન્ગિડીનો શિકાર બન્યો હતો. પોલાર્ડે 1 બોલમાં 1 છગ્ગો અને 1 ચોગ્ગા સાથે 18 રનનું યોગદાન આપ્યું હતું. તેને પણ એન્ગિડીએ પેવેલિયન પરત મોકલી આપ્યો હતો. જેમ્સ પેટિન્સને 11 રન બનાવ્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube