KKRvsCSK: જાડેજાએ CSKને 6 વિકેટે અપાવી જીત, ચેન્નઈએ કરી કોલકત્તાની પાર્ટી ખરાબ
ચેન્નઈ સુપર કિંગ્સની જીત સાથે મુંબઈ ઈન્ડિયન્સ આઈપીએલ 2020મા પ્લેઓફમાં પહોંચનારી પ્રથમ ટીમ બની ગઈ છે. તો કોલકત્તાનો પ્લેઓફનો માર્ગ વધુ મુશ્કેલ બની ગયો છે.
દુબઈઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2020)ની 49મી મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સે રવિન્દ્ર જાડેજાની અંતિમ ઓવરોમાં શાનદાર બેટિંગની મદદથી કોલકત્તા નાઇટ રાઇડર્સને 6 વિકેટે હરાવી તેની પાર્ટી ખરાબ કરી દીધી છે. આ હાર સાથે કોલકત્તા માટે પ્લેઓફનો માર્ગ ખુબ મુશ્કેલ બની ગયો છે. ચેન્નઈની જીત સાથે મુંબઈ ઈન્ડિયન્સની ટીમ આઈપીએલ 2020મા પ્લેઓફમાં પહોંચનારી પ્રથમ ટીમ બની ગઈ છે. તો પંજાબ અને હૈદરાબાદ માટે કોલકત્તાની હાર વરદાન રૂપ સાબિત થઈ શકે છે. પ્રથમ બેટિંગ કરતા કોલકત્તાએ 20 ઓવરમાં 5 વિકેટે 172 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ચેન્નઈએ છેલ્લા બોલ પર 4 વિકેટના નુકસાને લક્ષ્ય હાસિલ કરી લીધો હતો.
ચેન્નઈની સારી શરૂઆત
કોલકત્તાએ આપેલા 173 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ચેન્નઈને બંન્ને ઓપનર શેન વોટનસ અને રુતુરાજ ગાયકવાડે સારી શરૂઆત અપાવી હતી. બંન્નેએ પાવરપ્લેમાં 44 અને પ્રથમ વિકેટ માટે 50 રનની ભાગીદારી કરી હતી. ટીમને પ્રથમ ઝટકો શેન વોટસન (14)ના રૂપમાં લાગ્યો હતો. તેને વરૂણ ચક્રવર્તીએ આઉટ કર્યો હતો.
રાયડૂ-ગાયકવાડ વચ્ચે 68 રનની ભાગીદારી
પ્રથમ વિકેટ પડ્યા બાદ અંબાતી રાયડૂ ક્રિઝ પર આવ્યો હતો. તેણે ગાયકવાડ સાથે મળીને ટીમનો સ્કોર 100ને પાર પહોંચાડ્યો હતો. રાયડૂ અને ગાયકવાડે ત્રીજી વિકેટ માટે 68 રનની ભાગીદારી કરી હતી. ટીમનો સ્કોર 118 હતો ત્યારે રાયડૂ (38)ને કમિન્સે આઉટ કર્યો હતો. રાયડૂએ 20 બોલમાં પાંચ ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યો હતો. રુતુરાજ ગાયકવાડે સતત બીજી મેચમાં અડધી સદી ફટકારી હતી. તેણે 53 બોલમાં 6 ચોગ્ગા અને બે છગ્ગા સાથે 72 રનનું યોગદાન આપ્યું હતું. તે કમિન્સની ઓવરમાં બોલ્ડ થયો હતો.
કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની ફરી એકવાર સ્પિનરનો શિકાર બન્યો હતો. તેને વરૂણ ચક્રવર્તીએ માત્ર 1 રનના સ્કોર પર બોલ્ડ કરીને કોલકત્તાને ત્રીજી સફળતા અપાવી હતી. અંતિમ ઓવરોમાં રવિન્દ્ર જાડેજાએ દમદાર બેટિંગ કરીને ચેન્નઈને જીત અપાવી હતી. જાડેજા 11 બોલમાં 3 છગ્ગા અને 2 ચોગ્ગા સાથે 31 રન બનાવી અમનમ રહ્યો હતો. સેમ કરન 14 બોલમાં 13 રન બનાવી અણનમ રહ્યો હતો.
રાણાની શાનદાર બેટિંગ
કોલકત્તા તરફથી નીતીશ રાણા અને શુભમન ગિલે ઈનિંગની શરૂઆત કરી હતી. બંન્નેએ પાવરપ્લેમાં 48 રન જોડ્યા હતા. ટીમને પ્રથમ ઝટકો 53 રનના સ્કોર પર શુભમન ગિલ (26)ના રૂપમાં લાગ્યો હતો. તેને કરણ શર્માએ બોલ્ડ કર્યો હતો. ગિલે 17 બોલમાં ચાર ચોગ્ગા ફટકાર્યા હતા. નીતીશ રાણાએ શાનદાર બેટિંગ કરતા અડધી સદી ફટકારી હતી. રાણા 61 બોલમાં 10 ચોગ્ગા અને 4 છગ્ગા સાથે 87 રન બનાવી આઉટ થયો હતો. તે લુંગી એન્ગિડીનો શિકાર બન્યો હતો. રાણા આઉટ થયો ત્યારે ટીમનો સ્કોર 137 રન હતો.
પ્રથમ વિકેટ પડ્યા બાદ ત્રીજા સ્થાને આવેલ સુનીલ નરેન (7) રન બનાવી આઉટ થયો હતો. તેને સેન્ટનરે પેવેલિયન પરત મોકલી આપ્યો હતો. રિંકુ સિંહ 11 રન બનાવી જાડેજાનો શિકાર બન્યો હતો. અંતમાં દિનેશ કાર્તિકે 10 બોલમાં 3 ચોગ્ગા સાથે અણનમ 21 રન બનાવી ટીમનો સ્કોર 170ને પાર પહોંચાડ્યો હતો. કેપ્ટન મોર્ગન 15 રન બનાવી આઉટ થયો હતો.
ચેન્નઈ તરફથી લુંગી એન્ગિડીએ 34 રન આપીને બે વિકેટ ઝડપી હતી. આ સિવાય સેન્ટરન, જાડેજા અને કરણ શર્માને એક-એક સફળતા મળી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube