હોવ: ભારતીય ટેસ્ટ ટીમના સ્ટાર પ્લેયર ચેતેશ્વર પૂજારાએ હવે વન-ડે ફોર્મેટમાં પોતાનો પરચો બતાવ્યો છે. તે સતત ઈંગ્લેન્ડના રોયલ લંડન વન-ડે કપ ટુર્નામેન્ટમાં તોફાની ઈનિંગ્સ રમી રહ્યો છે. પૂજારા આ ટુર્નામેન્ટમાં સસેક્સ ટીમની કેપ્ટનશીપ સંભાળી રહ્યો છે. અને તેણે 8 મેચમાં ત્રીજી સદી ફટકારી છે. મંગળવારે રમાયેલી મેચમાં સસેક્સે 157 રનથી મિડલસેક્સની ટીમને પરાજય આપ્યો. આ મેચમાં ઈંગ્લીશ ઓપનર ટોમ અલસોપે 155 બોલમાં 189 રનની ઈનિંગ્સ રમી. જ્યારે પૂજારાએ 90 બોલમાં 132 રન ફટકારી દીધા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 


પૂજારાએ 146.66ના સ્ટ્રાઈક રેટથી બનાવ્યા રન:
ચેતેશ્વર પૂજારા લગભગ 125 મિનિટ સુધી ક્રીઝ પર રહ્યો અને 20 ચોક્કાની સાથે 2 સિક્સ પણ ફટકારી. આ દરમિયાન તેનો સ્ટ્રાઈક રેટ 146.66નો રહ્યો. પૂજારાએ 70 બોલમાં તો સદી ફટકારી દીધી હતી. પૂજારાએ પોતાની ઈનિંગ્સની શરૂઆત ધીમી કરી હતી અને 64 બોલમાં 70 રન બનાવ્યા હતા. તેના પછી તેણે સ્પીડ પકડી અને બીજા 26 બોલમાં 62 રન બનાવ્યા. પૂજારા અને ટોમની ઈનિંગ્સની મદદથી બેટિંગ કરતાં સસેક્સ ટીમે 4 વિકેટે 400 રનનો મોટો સ્કોર બનાવ્યો હતો. તેના જવાબમાં મિડલસેક્સની આખી ટીમ 38.1 ઓવરમાં 243 રનમાં ઓલ આઉટ થઈ ગઈ હતી.


પૂજારાએ રમી હતી 174 રનની ઈનિંગ્સ:
આ સદીની સાથે પૂજારા ટુર્નામેન્ટમાં બીજા સૌથી વધારે રન બનાવનાર ખેલાડી બની ગયો છે. તેમણે અત્યાર સુધી આ ટુર્નામેન્ટ રોયલ લંડન વન-ડે કપમાં 8 મેચ રમી. જેમાં 102.33ની શાનદાર એવરેજથી 614 રન બનાવ્યા. પૂજારાની આ ટુર્નામેન્ટમાં આ ત્રીજી સદી છે. આ દરમિયાન તેનો બેસ્ટ સ્કોર 174 રનનો રહ્યો. જે તેણે સરે સામે ગયા અઠવાડિયે બનાવ્યા હતા. તેની એક મેચ પહેલાં પૂજારાએ વોર્કવિકશાયર સામે 107 રનની ઈનિંગ્સ રમી હતી. ઉલ્લેખનીય છે કે આ ટુર્નામેન્ટને લિસ્ટ-એની માન્યતા છે. પૂજારાએ અત્યાર સુધી આ ટુર્નામેન્ટમાં પાંચ વખત 50 કે તેનાથી વધારે રન બનાવ્યા છે. તે અત્યાર સુધી આ ટુર્નામેન્ટમાં 60 ચોક્કા અને 11 સિક્સ ફટકારી ચૂક્યો છે.