ક્રિસ ગેલે પોતાની અંતિમ મેચમાં ફટકારી સદી, 8 છગ્ગા લગાવીને યાદગાર બનાવી વિદાય
વેસ્ટ ઈન્ડિઝના તોફાની બેટ્સમેન ક્રિસ ગેલે પોતાની અંતિમ મર્યાદિત ઓવરની ઘરેલુ મેચમાં સદી ફટકારીને વિદાય લીધી હતી
જમૈકાઃ વેસ્ટ ઈન્ડિઝનો ઓપનિંગ બેટ્સમેન ક્રિસ ગેલ પોતાની તોફાની બેટિંગ અને છગ્ગા માટે જાણીતો છે. જોકે, ટી20માં સૌથી વધુ છગ્ગા મારતા આ ખેલાડીને લોકો છગ્ગો મારતા જોઈ નહીં શકે. 39 વર્ષનો ક્રિસ ગેલ આજકાલ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પણ ક્યાંય જોવા મળતો નથી. હવે ગેલે વિસ્ફોટક સેન્ચુરી સાથે ઘરેલુ મર્યાદિત ઓવરોની લિસ્ટ-એ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે.
ગેલે અહીં રિજનલ સુપર-50 ઓવરની મેચમાં જમૈકા સ્કોર્પિયન્સ તરફથી રમતા બારબાડોસ પ્રાઈડ સામે 114 બોલમાં 122 રન બનાવ્યા. તેણે પોતાની આ સદીમાં 10 ચોગ્ગા અને 8 છગ્ગા પણ ફટકાર્યા હતા. લિસ્ટ-એની 356 મેચમાં ગેલની આ 27મી સદી છે.
ગેલે નિવૃત્તીની અગાઉ જાહેરાત કરી હતી
આઈસીસીની વેબસાઈટ અનુસાર ગેલે મેચ પહેલાં જ જાહેરાત કરી દીધી હતી કે બારબાડોસ સામે જમૈકાની તરફની મેચ તેની અંતિમ મેચ હશે. જમૈકા તરફથી ઈનિંગ્સની શરૂઆત કરવા ઉતરેલા ગેલને બંને ટીમના ખેલાડીઓએ ગાર્ડ ઓફ ઓનર આપ્યું હતું.
ગેલની સદીની મદદથી જમૈકાએ 47.4 ઓવરમાં 226 રનનો સ્કોર બનાવ્યો હતો અને પછી બારબાડોસને 193 રને ઓલઆઉટ કરી દીધું. ગેલે બેટિંગમાં સદી ફટકાર્યા બાદ બોલિંગમાં પણ 31 રન આપીને એક વિકેટ લીધી હતી. ગેલે મેચ બાદ જણાવ્યું કે, જમૈકા માટે અંતિમ 50 ઓવરની મેચમાં સદી ફટકરવી સુખત રહ્યું. હું હમેશાં જ આવું કંઈક કરવા માગતો હતો. ટીમને વિજય અપાવવો વધુ ખાસ બાબત છે.
ગેલના છગ્ગાનો અનોખો રેકોર્ડ
ગેલ અત્યાર સુધી ટી20માં 864 છગ્ગા ફટકારી ચૂક્યો છે. આ રેકોર્ડમાં તેની આજુ-બાજુમાં કોઈ જ નથી. તેના પછી તેના જ દેશનો કિરોન પોલાર્ડ છે, જેણે 528 છગ્ગા લગાવ્યા છે. ખાસ વાત એ છે કે, ગેલના નામે અત્યાર સુધી ઈન્ટરનેશનલ ટી20માં 103 છગ્ગા જ છે અને તેના ઉપરાંત ન્યુઝિલેન્ડના માર્ટિન ગુપ્ટિલના પણ 103 છગ્ગા છે. એટલે કે, અહીં પણ ગેલ ટોચ પર એકલો નથી.
ગેલના નામે પાકિસ્તાનના શાહિદ આફ્રિદીની સાથે ઈન્ટરનેશનલ મેચમાં 476 છગ્ગા છે. ચાલુ વર્ષે જુલાઈમાં બાંગ્લાદેશ સામેની વન-ડે મેચમાં ગેલે 73 રનની ઈનિંગ્સમાં 6 ચોગ્ગા અને 5 છગ્ગા લગાવ્યા હતા.