શું હેડ કોચ રવિ શાસ્ત્રીની ખુરશી પર છે ખતરો? વિનોદ રાયે આપ્યું આ નિવેદન
શનિવારે બીસીસીઆઈના એથિક્સ ઓફિસર ડીકે જૈને કપિલ દેવ, અંશુમન ગાયકવાડ અને શાંતા રંગાસ્વામી વાળી ત્રણ સભ્યોની સીએસીને હિતોના ટકરાવના આરોપોની નોટિસ મોકલી હતી.
નવી દિલ્હીઃ Team India Head Coach Ravi Shastri: ભારતીય ટીમના મુખ્ય કોચ રવિ શાસ્ત્રીની ખુરશી પર શું કોઈ ખતરો છે? આ વાતને લઈને સીઓએ પ્રમુખ વિનોદ રાયે મોટુ નિવેદન આપ્યું છે. કમિટી ઓફ એડમિનિસ્ટ્રેટર્સ (CoA)ના પ્રમુખ વિનોદ યારે આ પ્રકારના તમામ અહેવાલોને નકારી દીધા છે, જેમાં કહેવામાં આવી રહ્યું હતું કે જો ક્રિકેટ એડવાઇઝરી કમિટી હિતોના ટકરાવમાં દોષી સાબિત થાય તો ભારતીય ટીમના હેડ કોચ માટે ફરી પસંદગી પ્રક્રિયા થશે.
શનિવારે બીસીસીઆઈના એથિક્સ ઓફિસર ડીકે જૈને કપિલ દેવ, અંશુમન ગાયકવાડ અને શાંતા રંગાસ્વામી વાળી ત્રણ સભ્યોની સીએસીને હિતોના ટકરાવના આરોપોની નોટિસ મોકલી હતી. આ ફરિયાદ મધ્ય પ્રદેશ ક્રિકેટ એસોસિએશનના સભ્ય સંજીવ ગુપ્તાએ કરી હતી. ત્યારબાદ સમાચાર આવ્યા કે રવિ શાસ્ત્રીની કોચની ખુરશી જઈ શકે છે. આ વાતને લઈને વિનોદ રાયે એક વેબસાઇટને કહ્યું કે, આ પ્રકારનો કોઈ સવાલ ઉભો થતો નથી.
આફ્રિદીના મહેમાન બન્યા માઇકલ હોલ્ડિંગ, બોલ્યા- પાકમાં સુરક્ષાનો ખતરો નથી
મુખ્ય કોચ પદ માટે નહીં થાય કોઈ ફેરફાર
આ વચ્ચે પૂર્વ મહિલા ક્રિકેટર શાંતા રંગાસ્વામીએ સીએસીમાંથી રાજીનામું આપી દીધું છે. સીઓએના વધુ એક સભ્ય રવીન્દ્ર થોગડેએ કહ્યું હતું, 'સીએસીની જાહેરાત કરતા પહેલા અમે તમામ સભ્યો પાસેથી હિતોના ટકરાવનું ઘોષણાપત્ર માગ્યું હતું. ત્યાં સુધી કે બીસીસીઆઈએ પણ કપિલ દેવ, અંશુમન ગાયકવાડ અને શાંતા રંગાસ્વામીને હિતોના ટકરાવના દોષી ગણાવ્યા નહતા. સીએસી માત્ર એક વિશેષ ઉદ્દેશ માટે નિયુક્ત કરવામાં આવી હતી. જ્યાં સુધી રવિ શાસ્ત્રીની નિમણૂંકની વાત છે તે સંપૂર્ણ રીતે કાયદેસર છે અને અમે પહેલા જ તેનો કોન્ટ્રાક્ટ આપી દીધો છે. તેથી હવે તેમાં કોઈ ફેરફાર થશે નહીં.'