CWG મેડલ ટેલીઃ જાણો શું છે ભારતની સ્થિતિ, પાંચમાં દિવસે કોણે રચ્યો ઈતિહાસ
10 મીટર એયર પિસ્તોલ ઈવેન્ટમાં જીતૂ રાયે આપ્યો ગોલ્ડ. વેઇટ લિફ્ટિંગમાં મેન્સ 105 કિલોમાં પ્રદીપ સિંહે ભારતને સિલ્વર મેડલ અપાવ્યો છે.
ગોલ્ડ કોસ્ટઃ કોમનવેલ્થ ગેમ્સમાં પાંચમાં દિવસે મેડલ ટેલીમાં ટોંચના 10 દેશોની સ્થિતિ આ પ્રકારે છે. ઓસ્ટ્રેલિયા 39 ગોલ્ડ મેડલ અને કુલ 106 મેડલ સાથે પ્રથમ ક્રમે છે. જ્યારે ઈંગ્લેન્ડ 22 ગોલ્ડ અને કુલ 63 મેડલ સાથે બીજા સ્થાને છે. ભારત 10 ગોલ્ડ મેડલ સહિત કુલ 19 મેડલ સાથે આ યાદીમાં ત્રીજા ક્રમે પહોંચી ગયું છે. ભારતને અત્યાર સુધી 10 ગોલ્ડ, 4 સિલ્વર અને 5 બ્રોન્ઝ મેડલ મળ્યા છે. 21મી કોમવેલ્થ ગેમ્સના પાંચમાં દિવસે ભારતને કુલ 7 મેડલ મળ્યા હતા, જેમાં 3 ગોલ્ડ, 2 સિલ્વર અને બે બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે.
સોમવારે દિવસની શરૂઆત વેઇટ લિફ્ટિંગમાં સિલ્વર મેડલ સાથે થઈ હતી. ત્યારબાદ પિસ્ટોલ શૂટિંગ, ટેબલ ટેનિસ અને બેન્ડમિન્ટન મિક્સ્ડ ટીમ ઈવેન્ટમાં ભારતને ગોલ્ડ મેડલ મળ્યા હતા. વેઇટ લિફ્ટિંગમાં મેન્સ 205 કિલો વર્ગમાં પ્રદીપ સિંહે સિલ્વર મેડલ પોતાના નામે કર્યો હતો.
10 મીટર એયર પિસ્ટોલ ઈવેન્ટમાં જીતૂ રાયે ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યો હતો. જીતૂએ આ સ્પર્ધામાં કોમનવેલ્થ રેકોર્ડ પણ પોતાના નામે કર્યો. જીતૂએ ફાઇનલમાં કુલ 235.1 જ્યારે ઓમ મિથરવાલે બ્રોન્ઝ પર નિશાન તાક્યું હતું. મિથરવાલને કુલ 214.3 અંક મળ્યા હતા. મહિલાઓ માટે 10 મીટર એયર રાઇફલ સ્પર્ધામાં મેહુલી ઘોષે સિલ્વર અને અપૂર્વી ચંદેલાને બ્રોન્ઝ મેડલ મળ્યો હતો. મેહુલીને શૂટ ઓફમાં સિંગાપુરની માર્ટિના લિંડસે વેસોલાના હાથે હાર મળી હતી.
ફાઇનલમાં બંન્નેનો સ્કોર 247.2 હતો, પરંતુ શૂટ ઓફમાં મેહુલીને 9.9 અને માર્ટિનાને 10.3 અંક મળ્યા. મેહુલી અને માર્ટિના બંન્નેએ આ સ્પર્ધામાં રાષ્ટ્રમંડલ ગેમ્સનો રેકોર્ડ તોડ્યો છે. અપૂર્વીએ કુલ 225.3 અંક મેળવીને બ્રોન્ઝ મેડલ કબજે કર્યો હતો. ટેબલ ટેનિસ મેન્સ ટીમ ઈવેન્ટ અને બેન્ડમિન્ટન મિક્સ્ડ ટીમ ઈવેન્ટમાં ભારતને ગોલ્ડ મેડલ મળ્યો હતો.