CWG 2022: હોકીમાં દિલ તૂટ્યું, ઓસ્ટ્રેલિયા સામે 7-0થી હાર, ભારતને સિલ્વર
Commonwealth Games 2022 Day 11 Updates: વિશ્વની દિગ્ગજ હોકી ટીમ ઓસ્ટ્રેલિયાએ કોમનવેલ્થ ગેમ્સની ગોલ્ડ મેડલ મેચમાં ભારતને 7-0થી કારમો પરાજય આપ્યો છે.
બર્મિંઘમઃ કોમનવેલ્થ ગેમ્સ-2022માં ભારતીય પુરૂષ હોકી ટીમના હાથમાં નિરાશા હાથ આવી છે. ગોલ્ડ મેડલ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 7-0થી કારમો પરાજય આપ્યો છે. વિશ્વની દિગ્ગજ હોકી ટીમ ઓસ્ટ્રેલિયાએ એક બાદ એક ગોલ કરી ભારતને મેચમાંથી બહાર કરી દીધુ હતું. ઓસ્ટ્રેલિયાએ રેકોર્ડ સાતમી વખત કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ કબજે કર્યો છે. તો ભારતીય ટીમે સિલ્વરથી સંતોષ કરવો પડ્યો છે. ભારતીય પુરૂષ હોકી ટીમે કોમનવેલ્થ ગેમ્સમાં ત્રીજીવાર સિલ્વર મેડલ જીત્યો છે.
પ્રથમ ક્વાર્ટરથી ઓસ્ટ્રેલિયાનો દબદબો
ઓસ્ટ્રેલિયાએ મેચની શરૂઆતથી જ આક્રમણ શરૂ કર્યું હતું. જ્યારે ભારતીય ટીમ પાસે કાંગારૂ આક્રમણનો કોઈ જવાબ નહોતો. ઓસ્ટ્રેલિયાએ પ્રથમ ક્વાર્ટરમાં જ બે ગોલ કરી દીધા હતા.
આ પણ વાંચોઃ ટેબલ ટેનિસમાં શરથ કમલ અને બેડમિન્ટનમાં સાત્વિક અને ચિરાગની જોડીએ જીત્યો ગોલ્ડ
હાફ ટાઈમમાં ઓસ્ટ્રેલિયા 5-0થી આગળ
બીજા હાફમાં ઓસ્ટ્રેલિયાએ ત્રણ ગોલ કર્યા હતા. ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓ સતત પ્રહાર કરી રહ્યાં હતા. જ્યારે ભારતીય ખેલાડીઓને ગોલ કરવાની એકપણ તક આપી નહીં. હાફ ટાઈમ સુધી ઓસ્ટ્રેલિયાએ 5 ગોલ કરી ભારતને બેકફૂટ પર ધકેલી દીધુ હતું.
બીજા હાફમાં કાંગારૂ ટીમે કર્યા બે ગોલ
ઓસ્ટ્રેલિયાની ટીમે ત્રીજા અને ચોથા ક્વાર્ટરમાં પણ એક-એક ગોલ કરી લીડ 7-0 કરી દીધી હતી. આ સાથે કાંગારૂ ટીમ સાતમી વખત ગોલ્ડ મેડલ જીતી છે. 1998માં જ્યારથી કોમનવેલ્થ ગેમ્સમાં હોકીની એન્ટ્રી થઈ છે, ત્યારથી લઈને અત્યાર સુધી ઓસ્ટ્રેલિયાની પુરૂષ હોકી ટીમે ગોલ્ડ મેડલ કબજે કર્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube