કાઉન ડાઉનઃ આજથી એક મહિના બાદ ઈંગ્લેન્ડમાં શરૂ થશે આઈસીસી વર્લ્ડ કપ-2019
હાલમાં ક્રિકેટમાં આઈપીએલની મોસમ ચાલી રહી છે. પરંતુ દરેક ક્રિકેટ ચાહકોનું ધ્યાન વિશ્વ કપ પર પણ છે. આગામી 30 મે એટલે એક મહિના પછી ઈંગ્લેન્ડમાં આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપનો પ્રારંભ થવાનો છે. આ માટે તમામ ટીમોએ પોતાની ટીમ પણ જાહેર કરી દીધી છે.
મુંબઈઃ આજથી બરાબર એક મહિના બાદ એટલે કે 30 મેના ઈંગ્લેન્ડ ખાતે આઈસીસી વનડે વિશ્વ કપનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. આગામી 30 મેથી 14 જુલાઈ સુધી 10 ટીમો વચ્ચે કુલ 48 મેચ રમાશે. આઈસીસી વિશ્વ કપનો પ્રથમ મુકાબલો યજમાન ઈંગ્લેન્ડ અને સાઉથ આફ્રિકા વચ્ચે 30 મેએ રમાશે. જ્યારે ભારતીય ટીમ 5 જૂને દક્ષિણ આફ્રિકા સામે રમીને પોતાના અભિયાનનો પ્રારંભ કરશે.
2015ના વનડે વિશ્વકપની 29 માર્ચના સમાપ્તી થઈ હતી. આ પછી વિશ્વકપમાં ભાગ લઈ રહેલી તમામ 10 ટીમોના પ્રદર્શન પર નજર કરવામાં આવે તો ભારત મોખરે છે. 29 માર્ચ 2015થી અત્યાર સુધી ભારત કુલ 86 વનડે રમ્યું છે, જેમાંથી તેનો 56માં વિજય અને 27માં પરાજય થયો છે. આ સમયગાળામાં સૌથી વધુ વનડે વિજય મેળવવામાં ભારત મોખરે છે. આ ઉપરાંત ભારતે આ સમયગાળામાં સૌથી વધુ 14 વનડે શ્રેણીમાં વિજય મેળવ્યો છે.
2015ના વનડે વિશ્વકપ બાદ વનડે ક્રિકેટમાં તમામ ટીમોનું પ્રદર્શન
ટીમ | વનડે | જીત | હાર | ટાઇ/રદ | શ્રેણી વિજય |
ભારત | 86 | 56 | 27 | 2/1 | 14 |
ઈંગ્લેન્ડ | 85 | 53 | 23 | 1/5 | 14 |
દક્ષિણ આફ્રિકા | 74 | 47 | 26 | 0/1 | 13 |
ન્યૂઝીલેન્ડ | 76 | 43 | 30 | 0/3 | 11 |
ઓસ્ટ્રેલિયા | 76 | 37 | 36 | 0/1 | 10 |
પાકિસ્તાન | 73 | 35 | 38 | 0/2 | 9 |
અફગાનિસ્તાન | 60 | 32 | 24 | 1/3 | 8 |
બાંગ્લાદેશ | 58 | 30 | 25 | 0/3 | 8 |
શ્રીલંકા | 84 | 23 | 55 | 1/5 | 4 |
વેસ્ટ ઈન્ડીઝ | 62 | 17 | 39 | 2/4 | 0 |
ભારત બાદ આ યાદીમાં ઈંગ્લેન્ડનો ક્રમ આવે છે. ઈંગ્લેન્ડે 29 માર્ચ 2015થી અત્યાર સુધી 85માંથી 53 વનડેમાં વિજય મેળવ્યો છે. જ્યારે 23માં પરાજય થયો છે. વર્લ્ડ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા 76માંથી 37 મેચમાં વિજય મેળવી શકી છે. આ સમયગાળામાં શ્રીલંકા, વેસ્ટઈન્ડિઝનો દેખાવ સૌથી નબળો રહ્યો છે. શ્રીલંકાએ 83માંથી 23 જ્યારે વેસ્ટ ઈન્ડીઝે 62માંથી 17 મેચમાં વિજય મેળવ્યો છે. વેસ્ટ ઈન્ડીઝની ટીમે આ સમયગાળામાં એકપણ શ્રેણી જીતી નથી.