મોસ્કો: એક ગોલથી પાછળ રહ્યાં બાદ વધારાના સમયમાં 109મી મિનિટમાં મારિયા માંડ્ઝુકિકના ગોલની મદદથી ક્રોએશિયાએ બુધવારે મોડી રાતે રમાયેલી બીજી સેમીફાઈનલમાં ઈંગ્લેન્ડને 2-1થી હરાવીને ફિફા વર્લ્ડ કપની ફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે. ક્રોએશિયા પહેલીવાર વિશ્વકપની ફાઈનલમાં પહોંચ્યું છે. રવિવારે ફાઈનલમાં તેનો સામનો 1998ની વિજેતા ફ્રાન્સની ટીમ સાથે થશે. જ્યારે ત્રીજા સ્થાન માટે ઈંગ્લેન્ડનો સામનો શનિવારે બેલ્જિયમ સાથે થશે. ક્રોએશિયા પહેલા હાફમાં એક ગોલથી પાછળ હતું પરંતુ બીજા હાફમાં તેણે પાસું પલટી નાખ્યું અને બરાબરીનો ગોલ કર્યો. નિર્ધારિત સમયમાં મેચ 11-ની બરાબરી પર પૂરી થઈ અને વધારાના સમયમાં ગઈ જ્યાં માંડ્ઝૂકિકે ગોલ કરીને ટીમ માટે ઈતિહાસ રચી નાખ્યો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

માંડ્ઝુકિકે આ ગોલ ઈવાન પેરીસિકે પાસ કરતા માર્યો હતો. પેરીસિકે બોક્સની અંદર માંડ્ઝૂકિકને ગોલ કરવા માટે બોલ આપ્યો અને તેણે ખુબ સરળતાથી ગોલને નીચેના ખૂણામાં નાખીને ટીમ માટે નિર્ણાયક ગોલ કરી નાખ્યો. ઈંગ્લેન્ડને આ મેચમાં પોતાની ભૂલો માટે ખુબ પસ્તાવો થશે. પાંચમી મિનિટમાં જ 1-0થી આગળ થયા બાદ તેની પાસે ગોલ કરવા માટે 3 થી 4 ખુબ સરળ તકો આવી પરંતુ ઈંગ્લેન્ડના કેપ્ટન અને આ વર્લ્ડકપમાં અત્યાર સુધી સૌથી વધુ 6 ગોલ કરનારા હેરી કેન, જેસે લિંગાર્ડ અને રહીમ સ્ટર્લિંગ આટલી મહત્વની મેચમાં પણ આ તકોને ગોલમાં ફેરવી શક્યા નહીં. જો આ ખેલાડીઓ મળેલી તકોનો ઉપયોગ કરત તો ઈંગ્લેન્ડ નિર્ધારીત સમયમાં જ ક્રોએશિયાને માત આપી દેત.


ક્રોએશિયા પણ શરૂઆતમાં ગોલ થઈ ગયા બાદ જરાય ડગ્યુ નહીં અને શાનદાર વાપસી કરીને ઐતિહાસિક જીત મેળવી. ઈંગ્લેન્ડને શરૂઆત એકદમ ભવ્ય મળી હતી પરંતુ ત્યારબાદ ગોલ કરવા માટે મળેલી તકોને તે ગોલમાં ફેરવી શક્યું નહીં. એકમાત્ર ગોલ કીરાન ટ્રિપરે ફ્રી કિકમાં કર્યો.


પરંતુ ઈવાન પેરિસિચે (68મી મિનિટ) ક્રોએશિયાને બીજા હાફમાં ગોલ કરીને બરાબરીમાં મૂકી દીધી. વિશ્વ કપની સેમી ફાઈનલમાં 18 ટકોમાં આ ફક્ત બીજીવાર બન્યું છે કે જ્યારે હાફ ટાઈમ સુધી લીડ મેળવનારી ટીમે હારનો સામનો કરવો પડ્યો. આ અગાઉ 1990માં ઈટાલીની ટીમ આર્જેન્ટિના સામે લીડ મેળવવા છતાં પેનલ્ટી શૂટઆઉટમાં હારી હતી.


આ સાથે જ ઈંગ્લેન્ડની ટીમનું 52 વર્ષ બાદ બીજીવાર ફાઈનલમાં જગ્યા મેળવવાનું સપનું પણ તૂટ્યું. ઈંગ્લેન્ડે પહેલીવાર એકમાત્રવાર 1966માં ફાઈનલમાં જગ્યા બનાવી હતી અને ત્યારે તે પોતાની ધરતી ઉપર જ ખિતાબ જીતવામાં સફળ નીવડ્યું હતું. વિશ્વ કપ ઈતિહાસમાં ફક્ત બીજીવાર સેમીફાઈનલમાં રમી રહેલી ક્રોએશિયાની ટીમ આ અગાઉ ફ્રાન્સમાં 1998માં સેમી ફાઈનલમાં પહોંચી હતી. ત્યારે તેણે મેજબાન ટીમ સામે હારનો સામનો કરવો પડ્યો હતો.