Fifa World Cup: વિજય સાથે લુકા મોડ્રિચની વિદાય, ત્રીજા સ્થાન માટે ક્રોએશિયાએ મોરક્કોને 2-1થી હરાવ્યું
Croatia vs Morocco Fifa World Cup: ફીફા વિશ્વકપ 2022માં ક્રોએશિયાએ ત્રીજા સ્થાન માટે રમાયેલા મુકાબલાને તેણે પોતાના નામે કરી લીધો છે. ત્રીજા સ્થાન માટે રમાયેલા મુકાબલામાં ક્રોએશિયાને મોરક્કોને હરાવ્યું છે. આ મુકાબલો સેમીફાઇનલ હારનારી ટીમો વચ્ચે રમાઈ છે.
અલ રેયાનઃ ફીફા વિશ્વકપ 2022 (Fifa World Cup) માં ત્રીજા સ્થાનના મુકાબલાને ક્રોએશિયાએ 2-1થી પોતાના નામે કરી લીધો છે. ખલીફા ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાયેલા મુકાબલામાં ક્રોએશિયાએ મોરક્કોને 2-1થી હરાવ્યું છે. આ જીત સાથે ક્રોએશિયા ટૂર્નામેન્ટમાં ત્રીજા અને મોરક્કો ચોથા સ્થાન પર રહ્યું છે. ક્રોએશિયાની ટીમ 2018માં રમાયેલા વિશ્વકપમાં રનર્સઅપ રહી હતી. આ પહેલા 1998માં પણ ટીમ ટૂર્નામેન્ટમાં ત્રીજા સ્થાને રહી હતી.
9 મિનિટમાં થયા બે ગોલ
મેચની શરૂઆતી મિનિટમાં જ બે ગોલ થઈ ગયા હતા. સાતમી મિનિટમાં ક્રોએશિયાના ગવાર્દિયોલે હેડરથી ગોલ કર્યો. તેના આ શાનદાર ગોલથી ટીમે મેચમાં 1-0ની લીડ મેળવી લીધી હતી. આ ગોલને ઇવાન પેરિસિચે અસિસ્ટ કર્યો હતો. પરંતુ આ લીડ વધુ સમય રહી નથી. મોરક્કોના અશરફ દારીએ 9મી મિનિટમાં ગોલ કરી મુકાબલો 1-1થી બરોબર કરી લીધો હતો. તેણે પણ આ ગોલ હેડરથી કર્યો હતો.
આ પણ વાંચોઃ Blind T20 World Cup: ભારતે બાંગ્લાદેશને હરાવી રચ્યો ઇતિહાસ, ત્રીજીવાર ટ્રોફી પર કબજો
ઓરસિચે કર્યો નિર્ણાયક ગોલ
મુકાબલાનો નિર્ણાયક ગોલ ક્રોએશિયાના મિસ્વાલ ઓવસિચે કર્યો. તેણે 42મી મિનિટમાં ગોલ કરી પોતાની ટીમને મેચમાં 2-1થી આગળ કરી દીધી હતી. તેણે લિવાજાના અસિસ્ટ પર આ ગોલ કર્યો હતો. ત્યારબાદ મેચમાં કોઈ ગોલ થઈ શક્યા નહીં. મોરક્કોએ મુકાબલામાં 9 શોટ અટેમ્પ્ટ કર્યાં જેમાં બે ટાર્ગેટ પર હતા. આ ફુટબોલમાં ક્રોએશિયાની મોરક્કો પર પહેલી જીત છે. આ પહેલા બંને મુકાબલા ડ્રો રહ્યાં હતા.
લુકા મોડ્રિચની છેલ્લી વિશ્વકપ મેચ
ક્રોએશિયાના દિગ્ગજ ખેલાડી લુકા મોડ્રિચનો આ ફીફા વિશ્વકપમાં અંતિમ મુકાબલો હતો. 37 વર્ષના મોડ્રિચની આગેવાનીમાં ટીમે સતત બીજી વખત સેમીફાઇનલ સુધીની સફર કરી હતી. 40 લાખની વસ્તીવાળો ક્રોએશિયા 2014માં ગ્રુપ સ્ટેજમાં બહાર થઈ ગયો હતો. તો 2010માં ટૂર્નામેન્ટ માટે ટીમ ક્વોલીફાઈ કરી શકી નહોતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube