દુબઈઃ CSK vs RCB IPL 2020 44th match: 11માંઠી 8 મેચ ગુમાવી આઈપીએલ પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ચુકેલી ચેન્નઈ સુપર કિંગ્સ (CSK)નો પ્રયાસ આજે રોયલ ચેલેન્જર્સ બેંગલોર (RCB) વિરુદ્ધ જીત મેળવી સન્માન હાસિલ કરવાનો હશે. સીએસકેના નામે 11 મેચોમાં છ પોઈન્ટ છે. આ મેચ ભારતીય સમયાનુસાર બપોરે 3.30 કલાકે શરૂ થશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આઈપીએલની ત્રણ વખતની ચેમ્પિયન હાલના સત્રમાં દરેક વિભાગોમાં સંઘર્ષ કરી રહી છે. યુવા ખેલાડીઓ પર વિશ્વાસ વ્યક્ત ન કરવા માટે ટીમના કેપ્ટન એમએસ ધોનીની ટીકા પણ થઈ હતી. સીએસકેએ મુંબઈ ઈન્ડિયન્સ વિરુદ્ધ રૂતુરાજ ગાયકવાડ અને નારાયણ જગદીસનને અંતિમ ઇલેવનમાં સામેલ કર્યા, પરંતુ બંન્ને બેટ્સમેન ખાતુ ખોલાવ્યા વગર આઉટ થયા હતા. શુક્રવારે મુંબઈ સામે સેમ કરનને બાદ કરતા તમામ બેટ્સમેનો નિષ્ફળ રહ્યાં હતા. 


ટ્રેન્ટ બોલ્ટ અને જસપ્રીત બુમરાહની શાનદાર બોલિંગની આગળ સીએસકેએ પાવરપ્લેમાં પાંચ વિકેટ ગુમાવી દીધી હતી. ટીમની બોલિંગ પણ પ્રભાવ છોડવામાં નિષ્ફળ રહી અને ચેન્નઈએ પ્રથમવાર 10 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. સેમ કરને ટૂર્નામેન્ટની 11 મેચોમાં 173 રન અને 10 વિકેટ ઝડપી છે. આ સિવાય કોઈ ખેલાડી સાતત્યપૂર્ણ પ્રદર્શન કરી શક્યો નથી. પોઈન્ટ ટેબલમાં છેલ્લા સ્થાને રહેલી સીએસકેને વિરાટ કોહલીની ટીમ મજબૂત પડકાર આપશે. 


આરસીબી 14 પોઈન્ટ સાથે ટેબલમાં ત્રીજા સ્થાને છે. પ્રથમ અને બીજા સ્થાને રહેલી દિલ્હી કેપિટલ્સ અને મુંબઈ ઈન્ડિયન્સના નામે પણ એટલા પોઈન્ટ છે. આરસીબીનો પ્રયાસ આ મેચમાં બે પોઈન્ટ હાસિલ કરવા સિવાય નેટ રનરેટ સુધારવા પર હશે, જેથી ટીમને પ્લેઓફમાં ફાયદો થઈ શકે. કોહલી એન્ડ કંપની રાજસ્થાન રોયલ્સ અને કોલકત્તા નાઇટ રાઇડર્સ વિરુદ્ધ સતત બે જીત નોંધાવી શાનદાર લયમાં છે. 


રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ એબી ડિવિલિયર્સે પોતાના દમ પર ટીમને જીત અપાવી હતી તો કેકેઆર વિરુદ્ધ મોહમ્મદ સિરાજે દમદાર બોલિંગ કરી હતી. તેણે બે મેડન ઓવરમાં બે વિકેટ ઝડપી જેથી ટીમે બે વખતની ચેમ્પિયનને 8 વિકેટે પરાજય આપ્યો હતો. ક્રિસ મોરિસ, ઇસુરૂ ઉડાના અને નવદીપ સૈનીની ફાસ્ટ બોલિંગની ત્રિપુટી સિવાય વોશિંગટન સુંદર અને યુજવેન્દ્ર ચહલની સ્પિન જોડીએ ટૂર્નામેન્ટમાં અસરકારક પ્રદર્શન કર્યુ છે. ડિવિલિયર્સ સિવાય કોહલી અને યુવા ઓપનિંગ બેટ્સમેન દેવદત્ત પડીક્કલ પણ શાનદાર લયમાં છે. આ સીઝનમાં બંન્ને વચ્ચે રમાયેલી પ્રથમ મેચમાં આરસીબીએ સીએસકેને 37 રને પરાજય આપ્યો હતો. 


વાંચો આઈપીએલના તમામ સમાચાર


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર