IPL ઈતિહાસમાં આ 2 બેટ્સમેનોએ સૌથી વધુ વખત જીતી છે ઓરેન્જ કેપ
આઈપીએલ ટૂર્નામેન્ટમાં ઓરેન્જ કેપ તે ખેલાડીને આપવામાં આવે છે, જેણે એક સીઝનમાં સૌથી વધુ રન બનાવવાની સિદ્ધિ મેળવી હોય.
નવી દિલ્હીઃ આઈપીએલ-2020ને શરૂ થવામાં હવે ગણતરીના દિવસો બાકી છે. આઈપીએલ ટીમોએ પોત-પોતાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. દર વર્ષે ક્રિકેટ ફેન્સ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)મા બનતા રેકોર્ડના સાક્ષી બને છે. પરંતુ ઘણા ખેલાડી દરેક સીઝનમાં દમદાર પ્રદર્શન કરે છે. હકીકતમાં અહીં ચર્ચા કરી રહ્યાં છીએ આઈપીએલમાં સૌથી વધુ ઓરેન્જ કેપ જીતનાર ખેલાડીની. જેણે આઈપીએલમાં એક-બે નહીં ત્રણ-ત્રણ વખત ઓરેન્જ કેપ પોતાના નામે કરી છે. જાણો કોણ છે સૌથી વધુ ઓરેન્જ કેપ જીતનાર ખેલાડી.
ડેવિડ વોર્નર 3 વખત ઓરેન્જ કેપનો વિજેતા
ઉલ્લેખનીય છે કે ઓરેન્જ કેપ એક આઈપીએલ સીઝનમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેનને આપવામાં આવેતો એવોર્ડ છે. આ એવોર્ડ સૌથી વધુ વખત ઓસ્ટ્રેલિયાના વિસ્ફોટક બેટ્સમેન ડેવિડ વોર્નરે કબજે કર્યો છે. વોર્નર આઈપીએલ ઈતિહાસમાં 3 વખત ઓરેન્જ કેપ જીતનાર પ્રથમ ખેલાડી છે. આંકડા પર નજર કરવામાં આવે તો વોર્નરે વર્ષ 2015મા ઓરેન્જ કેપ જીતવાની શરૂઆત કરી હતી અને વર્ષ 2019 એટલે કે આઈપીએલની 5 સીઝનમાં તે ત્રણ વખત આ એવોર્ડ જીતવામાં સફળ રહ્યો છે. વોર્નરે વર્ષ 2015મા 562, 2017મા 641 અને 2019મા 692 રન બનાવ્યા અને ઓરેન્જ કેપ પોતાના નામે કરી હતી.
IPL ઈતિહાસઃ આઈપીએલમાં 6 અલગ-અલગ ટીમ તરફથી રમનાર 3 ભારતીય ખેલાડી
ક્રિસ ગેલ 2 વખત બન્યો ઓરેન્જ કેપનો વિનર
ડેવિડ વોર્નર બાદ વેસ્ટ ઈન્ડિઝના આક્રમક બેટ્સમેન ક્રિસ ગેલનું આ યાદીમાં બીજા સ્થાને આવે છે. ક્રિસ ગેલ આઈપીએલની સતત 2 સીઝનમાં ઓરેન્જ કેપ જીતનાર એકમાત્ર બેટ્સમેન છે. ગેલ વર્ષ 2011 અને 2012મા ઓરેન્જ કેપ વિનર રહ્યો છે. તો ક્રિસ ગેલના આંકડા પર નજર કરવામાં આવે તો તેણે ક્રમશઃ 608 અને 733 રન બનાવીને ઓરેન્જ કેપ પોતાના નામે કરી હતી. આ સિવાય ઓસ્ટ્રેલિયાના શોન માર્શ, મેથ્યૂ હેડન, માઇકલ હસી, ભારતના સચિન તેંડુલકર, રોબિન ઉથપ્પા, વિરાટ કોહલી અને ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમ્સને એક-એક વાર ઓરેન્જ કેપ જીતી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube