IND vs BAN: ઈન્દોરમાં મયંકનું તોફાન, બીજા દિવસે સ્ટંમ્પ સમયે ભારતનો સ્કોર 493/6
મયંક અગ્રવાલની શાનદાર બેવડી સદીની મદદથી ભારતીય ટીમે ઈન્દોર ટેસ્ટમાં પોતાની પકડ મજબૂત બનાવી લીધી છે.
ઈન્દોરઃ બાંગ્લાદેશ (IND vs BAN) સામે બે મેચોની ટેસ્ટ સિરીઝની પ્રથમ મેચના બીજા દિવસે ભારતીય ટીમે મયંક અગ્રવાલની (mayank agarwal) બેવડી સદી (243 રન)ની મદદથી પોતાની સ્થિતિ મજબૂત કરી લીધી છે. બીજા દિવસના અંતે ભારતીય ટીમે 6 વિકેટે 493 રન બનાવી લીધા છે. રવિન્દ્ર જાડેજા (60) અને ઉમેશ યાદવ (25) રન બનાવી ક્રીઝ પર છે. બાંગ્લાદેશની ટીમ પ્રથમ ઈનિંગમાં 150 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. આમ ભારતીય ટીમે બીજા દિવસે 343 રનની લીડ મેળવી લીધી છે.
ભારતની પ્રથમ ઈનિંગ
બાંગ્લાદેશની ટીમને 150 રનમાં ઓલઆઉટ કર્યા બાદ ભારત તરફથી મયંક અગ્રવાલ અને રોહિત શર્મા ઓપનિંગ કરવા માટે ઉતર્યા હતા. બંન્નેએ કુલ 14 રન જોડ્યા હતા. આ વચ્ચે રોહિત શર્મા અબુ જાએદના બોલ પર વિકેટકીપરના હાથે 6 રન બનાવી કેચ આઉટ થયો હતો. ત્યારબાદ ચેતેશ્વર પૂજારા ક્રીઝ પર આવ્યો હતો. તેણે 68 બોલનો સામનો કરતો પોતાના ટેસ્ટ કરિયરની 23મી અડધી સદી ફટકારી હતી. પૂજારાએ 54 રન બનાવ્યા હતા. પૂજારા અને મયંક વચ્ચે 89 રનની ભાગીદારી થઈ હતી. ત્યારબાદ ભારતીય કેપ્ટન વિરાટ કોહલી શૂન્ય રન પર LBW આઉટ થયો હતો.
ભારતે રહાણેના રૂપમાં ચોથી વિકેટ ગુમાવી હતી, જે સદી ચુકી ગયો હતો. રહાણે 86 રન બનાવી અબુ જાએદના બોલ પર આઉટ થયો હતો. ભારતને પાંચમો ઝટકો મયંક અગ્રવાલના રૂપમાં લાગ્યો હતો. મયંક 330 બોલનો સામનો કરીને 28 ચોગ્ગા અને 8 છગ્ગા સાથે 243 રન બનાવી આઉટ થયો હતો. ત્યારબાદ રિદ્ધિમાન સાહા 12 રન બનાવી આઉટ થયો હતો.
મયંકે ફટકારી કરિયરની બીજી બેવડી સદી
મયંક અગ્રવાલે ટેસ્ટ કરિયરની બીજી બેવડી સદી ફટકારી હતી. આ પહેલા આફ્રિકા વિરુદ્ધ તેણે બેવડી સદી ફટકારી હતી, જે તેના ટેસ્ટ કરિયરની પ્રથમ બેવડી સદી હતી.
સૌથી ઓછી ટેસ્ટ ઈનિંગમાં બે બેવડી સદી ફટકારવાના મામલામાં મયંક અગ્રવાલે સર ડોન બ્રેડમેનને પાછળ છોડી દીધા છે. સર ડોન બ્રેડમેને 13 ઈનિંગમાં બે બેવડી સદી ફટકારી, જ્યારે મયંક અગ્રવાલે 12 ઈનિંગમાં આ કમાલ કર્યો છે. પરંતુ વિશ્વ રેકોર્ડ હજુ પણ વિનોદ કાંબલીના નામે છે, જેણે 5 ઈનિંગમાં બે બેવડી સદી ફટકારી હતી.
સૌથી ઓછી ઈનિંગમાં બે બેવડી સદી
5 ઈનિંગ- વિનોદ કાંબલી
12 ઈનિંગ- મયંક અગ્રવાલ
13 ઈનિંગ- ડોન બ્રેડમેન
બાંગ્લાદેશ 150મા ઓલઆઉટ
ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી બાંગ્લાદેશની ટીમ તરફથી ઇમરૂલ કાયસ અને શાદમાન ઇસ્લામે ઈનિંગની શરૂઆત કરી હતી. ઇમરૂલ કાયસ 6 રન બનાવી છઠ્ઠી ઓવરમાં રહાણેના હાથે કેચઆઉટ થયો હતો. ઉમેશ યાદવે ભારતને પ્રથમ સફળતા અપાવી હતી. ત્યારબાદની ઓવરના અંતિમ બોલ પર ઇશાંત શર્માએ બીજા ઓપનિંગ બેટ્સમેન શાદમાન ઇસ્લામને 6 રન પર સાહાના હાથે કેચ આઉટ કરાવ્યો હતો.
બાંગ્લાદેશની ટીમને ત્રીજો ઝડકો મોહમ્મદ મિથુનના રૂપમાં લાગ્યો જે 13 રન બનાવી શમીનો શિકાર બન્યો હતો. પ્રથમ દિવસે લંચ પહેલા ભારતને ત્રણ સફળતા મળી હતી. લંચ બાદ અશ્વિને બોલિંગનો છેડો સંભાળ્યો અને પ્રથમ વિકેટ હાસિલ કરી હતી. અશ્વિને વિપક્ષી ટીમના કેપ્ટન મોમિનુલ હકને 37 રનના વ્યક્તિગત સ્કોર પર આઉટ કરીને પોતાના કરિયરમાં ઘર પર 250 ટેસ્ટ વિકેટ પૂરી કરી હતી.
અશ્વિને ભારતને પાંચમી સફળતા પણ અપાવી હતી. અશ્વિને મહમુદૂલ્લાહને 10 રનના વ્યક્તિગત સ્કોર પર બોલ્ડ કર્યો હતો. શમીએ ટી-બ્રેક પહેલા બે બોલ પર બે વિકેટ ઝડપી હતી. શમીએ પહેલા રહીમને 43 રન પર બોલ્ડ કર્યો અને ત્યારબાદ મેહદી હસનને એલબી આઉટ કર્યો હતો. ટી-બ્રેક બાદ પ્રથમ બોલ પર ઇશાંતે લિટન દાસ (21)ને વિરાટને હાથે કેચ આઉટ કરાવ્યો હતો.
બાંગ્લાદેશની ટીમને 9મો ઝટકો તઇજુલ ઇસ્લામના રૂપમાં લાગ્યો જે 1 રન બનાવી રનઆઉટ થયો હતો. બાંગ્લાદેશની અંતિમ વિકેટ ઇબાદત હુસૈનના રૂપમાં પડી જેને ઉમેશ યાદવે બોલ્ડ કર્યો હતો. ભારત તરફથી શમીને 3સ ઇશાંત, અશ્વિન અને ઉમેશ યાદવને 2-2 સફળતા મળી હતી.
લેટેસ્ટ ન્યૂઝ જાણો, જુઓ LIVE TV
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube