ઓવલ (લંડન): ટીમ ઈન્ડિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચોની ટેસ્ટ શ્રેણીનો પાંચમો અને અંતિમ મેચ લંડનના ધ ઓવલ મેદાન પર રમાઈ રહ્યો છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ઈંગ્લેન્ડની ટીમે પોતાની પ્રથમ ઈનિંગમાં 332 રન બનાવ્યા હતા. ત્યારબાદ ભારત પોતાની પ્રથમ ઈનિંગમાં 292 રન બનાવી ઓલઆઉટ થઈ ગયું હતું. ઈંગ્લેન્ડને પ્રથમ ઈનિંગના આધારે 40 રનની લીડ મળી હતી. બીજી ઈનિંગમાં ત્રીજા દિવસની રમત પૂર્ણ થઈ ત્યારે ઈંગ્લેન્ડનો સ્કોર 2 વિકેટે 114 રન છે. એલિસ્ટેયર કુક (46) અને જો રૂટ (29) રને મેદાનમાં છે. આ ઈંગ્લેન્ડે કુલ 154 રનની લીડ મેળવી લીધી છે તેની આઠ વિકેટ જમા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારતનો પ્રથમ દાવ 292 રને સમેટાયો
176 રન પર છ વિકેટ બાદ ભારતને મેચના ત્રીજા દિવસે રવિન્દ્ર જાડેજાએ શાનદાર બેટિંગ કરીને ભારતને 292 સુધી પહોંચાડ્યું હતું. પ્રથમ ઈનિંગમાં 332નો સ્કોર બનાવનાર ઈંગ્લેન્ડને પ્રથમ દાવને આધારે 40 રનની લીડ મળી હતી. 


ભારત તરફથી રવિન્દ્ર જાડેજાએ સૌથી વધુ 86 રન બનાવ્યા હતા, જ્યારે પ્રથમ ટેસ્ટ મેચ રમી રહેલા હનુમા વિહારીએ 56 રનનું યોગદાન આપ્યું હતું. 


જાડેજાએ 156 બોલની ઈનિંગમાં 11 ફોર અને એક સિક્સ ફટકારી હતી. તેણે બુમરાહ (0) સાથે અંતિમ વિકેટ માટે 32 રનની ભાગીદારી કરી હતી. 


બીજી ઓવરમાં ભારતની પ્રથમ વિકેટ પડી
ઈંગ્લેન્ડના 332 રનના પડકારનો સામનો કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયાને બીજી ઓવરમાં જ પ્રથમ ઝટકો લાગ્યો હતો. ટીમના 6 રનના સ્કોરે શિખર ધવનને સ્ટૂઅર્ટ બ્રોડે એલબી આઉટ કર્યો. આ સાથે જ બ્રોડે તેની ક્રિકેટ કારકિર્દીની 432મી વિકેટ ઝડપી અને ન્યૂઝિલેન્ડના રિચર્ડ હેડલીનો રેકોર્ડ પણ તેણે તોડી નાખ્યો. 


ટી બ્રેક સુધી કે.એલ. રાહુલ અને પુજારાએ ટીમના સ્કોરને 50 સુધી પહોંચાડી દીધો હતો. ટી બ્રેક બાદ સેમ કુરને રાહુલને 37ના અંગત સ્કોર પર આઉટ કર્યો. ત્યાર બાદ રમવા આવેલા કોહલીએ ચેતેશ્વર પૂજારા સાથે મળીને ટીમના સ્કોરને 100નો પાર પહોંચાડ્યો. જોકે, એન્ડરસને પુજારાને 37ના અંગત સ્કોર પર આઉટ કરીને ભારતની ત્રીજી વિકેટ પાડી દીધી. ત્યાર બાદ રમવા આવેલા રહાણે શૂન્ય રને આઉટ થયો. 


વિરાટ કોહલીએ ટીમના સ્કોરને આગળ લઈ જવાનો પ્રયાસ કર્યો અને તે 49 રને સ્ટેક્સના બોલ પર કેપ્ટન જો રૂટના હાથે કેચ આઉટ થઈ ગયો. વિરાટ આઉટ થયો ત્યારે ટીમનો સ્કોર 150ને પાર થઈ ગયો હતો. ઋષભ પંત પણ વધુ રમી શક્યો નહીં.