બર્મિંઘમઃ ભારત અને ઈંગ્લેન્ડ એજબેસ્ટનના મેદાનમાં ચાલી રહેલી પ્રથમ ટેસ્ટના ઈંગ્લેન્ડે આપેલા 194 રનના લક્ષ્ય સામે ત્રીજા દિવસની રમત બંધ રહી ત્યારે ભારતે 5 વિકેટે 110 રન બનાવી લીધા છે. ભારતીય ટીમને હવે જીત માટે 84 રનની જરૂર છે અને પાંચ વિકેટ હાથમાં છે. ત્રીજા દિવસની રમત પૂર્ણ થઈ ત્યારે કેપ્ટન વિરાટ કોહલી (43) અને દિનેશ કાર્તિક (18) રન બનાવી મેદાનમાં હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઈંગ્લેન્ડે આપેલા 194 રનના લક્ષ્યાનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત ખરાબ રહી હતી. ભારતે 19 રને પોતાની પ્રથમ વિકેટ ગુમાવી હતી. મુરલી વિજય (6), શિખર ધવન (13), રાહુલ (13), રહાણે (2) અને અશ્વિન (13) રન બનાવી આઉટ થયા હતા. ઈંગ્લેન્ડ તરફથી બ્રોડને 2 તથા એન્ડરસન, સ્ટોક્સ અને કરનને એક-એક સફળતા મળી હતી. 


ઈંગ્લેન્ડે ટીમ ઈન્ડિયાને આપ્યો 194 રનનો ટાર્ગેટ
બીજી ઈનિંગમાં ઈંગ્લેન્ડે 180 રન બનાવ્યા ત્યારબાદ ટીમ ઈન્ડિયાને જીત માટે 194 રનનો ટાર્ગેટ મળ્યો. ઈંગ્લેન્ડે 135 રનમાં જ આઠ વિકેટ ગુમાવી દીધી હતી પરંતુ અહીંથી સેમ કરન (63) ઝડપી રન બનાવતા ઈંગ્લેન્ડને અહીં સુધી પહોંચાડ્યું. તે બીજી ઈનિંગમાં ઈંગ્લેન્ડનો ટોપ સ્કોરર રહ્યો. 


ઈંગ્લેન્ડનો સ્કોર 7 વિકેટ પર 87 રન હતો પરંતુ 20 વર્ષીય ઓલરાઉન્ડર કરનને 65 બોલમાં 63 રન ફટકાર્યા જેનાથી તેની ટીમ ભારત સામે પડકારજનક લક્ષ્ય રાખવામાં સફળ રહી. 


પોતાની અર્ધસદીની ઈનિગંમાં તેણે 65 બોલનો સામનો કર્યો અને 9 ફોર સિવાય બે સિક્સ ફટકારી. જોની બેયરસ્ટોએ 28 અને ડેવિડ મલાને 20 રન બનાવ્યા હતા. 


ટીમ ઈન્ડિયા માટે ઈશાંતે 51 રન આપીને પાંચ વિકેટ લીધી. તેણે પોતાના કેરિયરમાં આઠમી વખત પાંચ વિકેટ લેવાની સિદ્ધિ મેળવી હતી. અશ્વિને 59 રન આપીને ત્રણ તથા ઉમેશ યાદવે 20 રન આપીને બે વિકેટ ઝડપી હતી. 


આવી રહી ઈંગ્લેન્ડની બીજી ઈનિંગ
એલિસ્ટેયર કુકને આઉટ કર્યા બાદ ભારતના દિગ્ગજ સ્પિનર અશ્વિને ઈંગ્લેન્ડના બીજા ઓપનર કેટન જેનિંગ્સને પેવેલિયન પરત મોકલ્યો. અશ્વિનના બોલ પર રાહુલે જેનિંગ્સનો કેચ ઝડપ્યો. તેણે 8 રન બનાવ્યા હતા. 


ત્યારબાદ અશ્વિને ઈંગ્લેન્ડના કેપ્ટન જો રૂટને પણ સસ્તામાં આઉટ કરીને ઈંગ્લેન્ડને ત્રીજો ઝટકો આપ્યો. રૂટ 14 રન બનાવી આઉટ થય હતો. ત્યારબાદ ઈશાંતનો જલવો જોવા મળ્યો. તેણે 16 રનની અંદર ઈંગ્લેન્ડના ત્રણ બેટ્સમેનોને આઉટ કર્યા. ડેવિડ મલાન (20) અને જોની બેયરસ્ટો (28) બંન્નેને ઈશાંતે પેવેલિયન પરત મોકલી આપ્યા. ત્યારબાદ સ્ટોક્સ (6) પણ ઈશાંતનો શિકાર બન્યો હતો. 


ત્યારબાદ કરન અને આદિલ રાશિદ (16) આઠમી વિકેટ માટે 48 રનની ભાગીદારી કરી. કરને પરિપક્વ ઈનિંગ રમી. આ વચ્ચે શિખર ધવને રાશિદનો કેચ છોડ્યો હતો. ત્યારબાદ ખરાબ હવામાનને કારણે રમત થોડી વાર રોકવી પડી હતી. 


ત્યારબાદ ઉમેશ યાદવે રાશિદને બોલ્ડ કર્યો. ઈનિંગનો અંત નજીક દેખાતા કરને આક્રમક રમત રમી અને પોતાના ટેસ્ટ કેરિયરની પ્રથમ અર્ધસદી પુરી કરી. બ્રોડ (11) રન બનાવી આઉટ થયો હતો.