રાંચીઃ ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રણ મેચોની ટેસ્ટ સિરીઝની અંતિમ મેચ રાંચીના જેએસસીએ સ્ટેડિયમમાં રમાઇ રહી છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયાએ પ્રથમ ઈનિંગમાં 9 વિકેટ પર 497 રન બનાવીને દાવ ડિકલેર કર્યો હતો. જવાબમાં આફ્રિકાની ટીમ 162 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. પ્રથમ ઈનિંગના આધારે ભારતને 335 રનની લીડ મળી હતી. આફ્રિકાની ટીમ ફોલોઓન ન બચાવી શકી અને તેણે ફરી બેટિંગ કરવા ઉતરવું પડ્યું હતું. ફોલોઓન મળ્યા બાદ બીજી ઈનિંગમાં ત્રીજા દિવસે સ્ટંમ્પ સુધી આફ્રિકાએ 8 વિકેટ ગુમાવી 132 રન બનાવ્યા છે. ભારતને ચોથા દિવસે જીત માટે માત્ર 2 વિકેટની જરૂર છે. દિવસના અંતે થ્યૂનિસ ડિ બ્રુઇન (30) અને એનરિક નોર્ત્જ (5) ક્રીઝ પર છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આફ્રિકાની બીજી ઈનિંગ
બીજી ઈનિંગમાં પણ આફ્રિકાની સ્થિતિ ખરાબ રહી હતી. પહેલા ડિ કોક (5)ને ઉમેશ યાદવે શાનદાર બોલ દ્વારા બોલ્ડ કર્યો હતો. ત્યારબાદ મોહમ્મદ શમીએ પ્રથમ ઈનિંગમાં અડધી સદી ફટકારનાર જુબૈર હમઝાને શૂન્ય પર આઉટ કરીને મહેમાન ટીમને 10 રન પર બીજો ઝટકો આપ્યો હતો. કેપ્ટન ફાફ ડુ પ્લેસિસ (4) પણ શમીનો શિકાર બન્યો હતો. શમીએ ટેમ્બા બવૂમાને પણ શૂન્ય પર આઉટ કર્યો હતો. ડીન એલ્ગર ઉમેશનો બોલ હેલમેટ પર વાગ્યા બાદ રિટાયર્ડ હર્ટ થયો હતો. 


વિકેટકીપર હેનરિક ક્લાસેન (5)ને ઉમેશ યાદવે LBW આઉટ કર્યો હતો. ત્યારબાદ ડીન પીટને રવિન્દ્ર જાડેજાએ બોલ્ડ કરીને મહેમાન ટીમને સાતમો ઝટકો આપ્યો હતો. જ્યોર્જ લિન્ડે (27) રન પર રન આઉટ થયો હતો. અશ્વિને કગિસો રબાડા (12)ને પેવેલિયન પરત મોકલી આપ્યો હતો. 


પ્રથમ ઈનિંગમાં આફ્રિકા 162 રન પર ઓલઆઉટ
ભારતે આફ્રિકાને પ્રથમ ઈનિંગમાં 56.2 ઓવરમાં 162 રન પર ઓલઆઉટ કરી દીધું હતું. ભારતે પોતાની પ્રથમ ઈનિંગમાં 497 રન પર ડિકલેર કરી હતી. આ પ્રમાણે ભારતને 335 રનની લીડ મળી હતી. ભારતે ત્યારબાદ આફ્રિકાને ફોલોઓન આપ્યું હતું. 


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર