INDvsENG: ભારતના ટોપ ઓર્ડરનો ફ્લોપ શો, ઈંગ્લેન્ડને જીત માટે સાત વિકેટની જરૂર
ભારત જીતથી હજુ 406 રન દૂર છે. જ્યારે ઈંગ્લેન્ડને જીત માટે સાત વિકેટની જરૂર છે.
લંડનઃ ટીમ ઈન્ડિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચોની ટેસ્ટ શ્રેણીની પાંચમી અને અંતિમ ટેસ્ટ મેચ લંડનના ધ ઓવલ મેદાન પર રમાઇ રહ્યો છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ઈંગ્લેન્ડની ટીમે પોતાની પ્રથમ ઈનિંગમાં 332 રન બનાવ્યા હતા. ત્યારબાદ ભારત પ્રથમ ઈનિંગમાં 292 રન બનાવીને ઓલઆઉટ થઈ ગયું હતું. ઈંગ્લેન્ડને પ્રથમ ઈનિંગના આધારે 40 રનની લીડ મળી હતી. બીજી ઈનિંગમાં ઈંગ્લેન્ડે 8 વિકેટે 423 રન બનાવીને દાવ ડિકલેર કર્યો અને ભારતને જીતવા માટે 464 રનનો લક્ષ્ય આપ્યો હતો. ચોથા દિવસની રમત પૂર્ણ થઈ ત્યારે ભારતે 3 વિકેટ ગુમાવીને 58 રન બનાવી લીધા છે. કેએલ રાહુલ (46) અને રહાણે (10) રન બનાવીને અણનમ રહ્યાં હતા. ભારત જીતથી હજુ 406 રન દૂર છે. જ્યારે ઈંગ્લેન્ડને જીત માટે સાત વિકેટની જરૂર છે.
464 રનના પહાડી લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત ખરાબ રહી હતી. ઈનિંગની ત્રીજી ઓવરમાં જેમ્સ એન્ડરસને શિખર ધવન (1) અને ચેતેશ્વર પૂજારા (0) રન પર એલબીડબલ્યૂ આઉટ કરીને ભારતને બે ઝટકા આપ્યા હતા. ત્યારબાદ મેચની ચોથી ઓવરના પ્રથમ બોલે સ્ટુઅર્ડ બ્રોડે ભારતીય કેપ્ટન વિરાટ કોહલી (0) પર બેયિરસ્ટોના હાથે કેચઆઉટ કરાવીને ઈંગ્લેન્ડને ત્રીજી સફળતા અપાવી હતી. આમ ભારતે 2 રનના કુલ સ્કોરે 3 વિકેટ ગુમાવી દીધી હતી.
કુક અને રૂટની સદીની મદદથી ઈંગ્લેન્ડે ભારતને આપ્યો 464નો ટાર્ગેટ
બીજી ઈનિંગમાં ઈંગ્લેન્ડે 8 વિકેટ પર 423 રન બનાવીને ઈનિંગ ડિકલેર કરી અને ભારતને જીતવા માટે 464 રનનો લક્ષ્ય આપ્યો હતો. ઈંગ્લેન્ડ તરપથી સૌથી વધુ રન પોતાની અંતિમ ઈનિંગ રમી રહેલા એલિસ્ટેયર કુકે બનાવ્યા હતા. કુકે પોતાના ટેસ્ટ કેરિયરની 33મી સદી ફટકારતા 147 રન ફટકાર્યા હતા. આ સિવાય કેપ્ટન જો રૂટે 125 રન બનાવ્યા તો બેન સ્ટોક્સે આક્રમક બેટિંગ કરતા 37 રન બનાવ્યા હતા.
ભારત તરફથી પર્દાપણ કરનાર હનુમા વિહારી અને લાંબા સમય બાદ ટેસ્ટમાં વાપસી કરનાર રવીન્દ્ર જાડેજાએ 3-3 વિકેટ ઝડપી હતી. તો મોહમ્મદ શમીને 2 સફળતા મળી હતી.
કુકે સદી ફટકારીને વિદાય ટેસ્ટને બનાવી યાદગાર
એલિસ્ટેયર કુક પોતાના પ્રથમ અને અંતિમ ટેસ્ટ મેચમાં સદી ફટકારનાર પાંચમો બેટ્સમેન છે. 147 રન બનાવીને આઉટ થનારા કુકની આ 33મી ટેસ્ટ સદી હતી.
કુક પહેલા ઓસ્ટ્રેલિયાના રેગી ડફ, બિલ પોન્સફોર્ડ અને ગ્રેગ ચેપલ તથા ભારતના મોહમ્મદ અજહરૂદ્દીને પોતાના પ્રથમ અને અંતિમ ટેસ્ટ મેચમાં સદી ફટકારવાની વિશિષ્ટ સિદ્ધિ મેળવી હતી. કુકે જ્યારે 76 રન બનાવ્યા તો તેણે કુમાર સાંગાકારાને પાછળ છોડ્યો હતો.
તે હવે સર્વાધિક ટેસ્ટ રન બનાવનાર ડાબોડી બેટ્સમેન બની ગયો છે. ઓવરઓલ તેનાથી વધુ રન બનાવવામાં સચિન તેંડુલકર, રિકી પોન્ટિંગ, જેક કાલિસ અને રાહુલ દ્રવિડના નામ પર નોંધાયેલ છે. ઈનિંગની 70મી ઓવરમાં કુકે જસપ્રીત બુમરાહના ઓવરથ્રોથી પોતાની 33મી સદી પૂરી કરી હતી.
કુકે સ્ટીવ વો (32 સદી)ને પાછળ છોડ્યા. કુકની સદીનો દર્શકોએ પણ ઉભા થઈને જશ્ન મનાવ્યો અને આ બેટ્સમેને પણ તેનું અભિવાનદ સ્વીકાર કર્યું હતું.
બીજી ઈનિંગમાં ઈંગ્લેન્ડ
બીજી ઈનિંગમાં બેટિંગ કરવા ઉતરેલી ઈંગ્લેન્ડને પ્રથમ ઝટકો કેટન જેનિંગ્સ (10)ના રૂપમાં 27ના સ્કોરે લાગ્યો હતો. તેને શમીએ બોલ્ડ કર્યો હતો. ત્યારબાદ કુકે મોઇન અલી (20)ની સાથે બીજી વિકેટ માટે 35 રન જોડ્યા હતા. અલી ટીમના 62ના સ્કોર પર જાડેજાની બોલિંગમાં બોલ્ડ થયો હતો.
રૂટને વિહારીએ 125ના વ્યક્તિગત સ્કોર પર આઉટ થયો હતો. વિહારીએ પોતાની અંતિમ ઈનિંગ રમી રહેલા કુક (147)ને પણ આઉટ કર્યો હતો. ત્યારબાદ ભારતના બોલરોની શાનદાર બોલિંગ કરી જોની બેયરસ્ટો (18) તથા જોસ બટલર (0)ને આઉટ કર્યો હતો.