ડીડીસીએએ કોહલીને સન્માનિત કરવાનો સમારોહ કર્યો રદ્દ
ડીડીસીએનો આ નિર્ણય બીસીસીઆઈના તે નિર્ણય બાદ આવ્યો જેમાં આઈપીએલનો ઉદ્ઘાટન સમારોહ રદ્દ કરીને તેનું બજેટ શહીદોના પરિવારના કલ્યાણ માટે દાનમાં આપવામાંનો નિર્ણય કરવામાં આવ્યો હતો.
નવી દિલ્હીઃ દિલ્હી તથા જિલ્લા ક્રિકેટ સંઘ (ડીડીસીએ)એ પુલવામા આતંકી હુમલામાં સીઆરપીએફના 40 જવાનોના શહીદ થવાની ઘટનાને ધ્યાનમાં રાખતા કેપ્ટન વિરાટ કોહલી સિવાય વિરેન્દ્ર સહેવાગ અને ગૌતમ ગંભીરને સન્માનિત કરવાનો નિર્ણય રદ્દ કરી દીધો છે. ડીડીસીએએ આ પહેલા ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ બુધવારે રમાનારા પાંચમાં વનડે દરમિયાન દિલ્હીના દિગ્ગજ ક્રિકેટરોને સન્માનિત કરવાનો નિર્ણય લીધો હતો.
ડીડીસીએનો આ નિર્ણય બીસીસીઆઈના તે નિર્ણય બાદ આવ્યો જેમાં આઈપીએલનો ઉદ્ઘાટન સમારોહ રદ્દ કરીને તેનું બજેટ શહીદોના પરિવારના કલ્યાણ માટે દાનમાં આપવામાંનો નિર્ણય કરવામાં આવ્યો હતો. ડીડીસીએના અધ્યક્ષ રજન શર્માએ સોમવારે કહ્યું, કોહલી, વીરૂ અને ગંભીરને સન્માનિત કરવાની અમારી યોજના હતી પરંતુ બીસીસીઆઈ દ્વારા આઈપીએલના ઉદ્ઘાટન સમારોહ રદ્દ કરવાના નિર્ણય બાદ અમે તેને રદ્દ કરવાનો નિર્ણય કર્યો છે.
તેમણે કહ્યું, અમે દિલ્હી પોલીસ શહીદ કોષમાં 10 લાખ રૂપિયા દાન કરવાનો નિર્ણય લીધો છે. 90 ટકા ટિકિટો વેચાણ માટે રાખવામાં આવી હતી અને તમામ ટિકિટ વેંચાઈ ગઈ છે. ડીડીસીએએ પ્રથમવાર રાજ્યના તમામ આંતરરાષ્ટ્રીય ખેલાડીઓને 2-2 વીઆઈપી પાસ આપવાનો નિર્ણય કર્યો હતો.
શર્માએ કહ્યું, દેશનું પ્રતિનિધિત્વ કરનાર દિલ્હીના તમામ પૂર્વ ખેલાડી સન્માનના હકદાર છે. આંતરરાષ્ટ્રીય મેચનું આયોજન સમયે અમે આટલું તો કરી શકીએ છીએ. ગત મેચોની જેમ મામલો કોર્ટમાં વિચારણા હેઠળ હોવાને કારણે આર.પી.મેહરા બ્લોક સામાન્ય જનતા માટે બંધ રહેશે.