IPL 2019: વિજય યાત્રા જાળવી રાખવા ઉતરશે દિલ્હી કેપિટલ્સ અને સુપર કિંગ્સ
ચેન્નઈ સુપર કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે મેચ આજે દિલ્હીના ફિરોઝશાહ કોટલા મેદાન પર રમાશે. બંન્ને ટીમો પોતાનો પ્રથમ મેચ જીતી ચુકી છે.
નવી દિલ્હીઃ ચેન્નઈ સુપર કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ આજે ઈન્ડિયન પ્રીમિયર લીગમાં જ્યારે અહીં આમને-સામને હશે તો બંન્ને ટીમ જીતની લય યથાવત રાખવાનો પ્રયત્ન કરશે. સુપર કિંગ્સના ચતુર કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની સામે દિલ્હીના યુવા આક્રમક બેટ્સમેન રિષભ પંતને રોકવાનો પડકાર રહેશે, જેણે મુંબઈ ઈન્ડિયન્સ વિરુદ્ધ ટીમની 37 રનની જીત દરમિયાન 27 બોલમાં 78 રનની શાનદાર ઈનિંગ રમી હતી.
ફિરોઝ શાહ કોટલા પર સુપર કિંગ્સની ટીમ પોતાના અનુભવી ખેલાડીઓને કારણે જીતની દાવેદાર છે પરંતુ યજમાન ટીમ યુવા ખેલાડીઓની હાજરીમાં જોશથી ભરેલી છે. ધોનીની વિરુદ્ધ પોતાના ઘરેલૂ મેદાન પર દિલ્હીનો રેકોર્ડ સારો રહ્યો નથી. કોટલાની પિચ પણ ધોનીની ટીમને જીતનું દાવેદાર માને છે.
હરભજન સિંહ, રવિન્દ્ર જાડેજા અને ઇમરાન તાહિરની સુપર કિંગ્સની સ્પિન ત્રિપુટી રોયલ ચેલેન્જર્સ બેંગલોર વિરુદ્ધ ઓછા સ્કોરવાળા મેચમાં પોતાની ઉપયોગીતા સાબિત કરી ચુક્યા છે. પંતને સ્પિનરો વિરુદ્ધ મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે અને આ યુવાની સાથે ઘણું રમી ચુકેલા ધોની તેની આ નબળાઈથી પરિચિત હશે અને તેનો ફાયદો ઉઠાવવાનો પ્રયત્ન કરશે.
કોટલાની પિચ મેચ આગળ વધવાની સાથે ધીમા હોવાની સંભાવના છે અને તેવામાં ધોની ફાસ્ટ બોલરોની સાથે બોલિંગની શરૂઆત કરીને હરભજન અને તાહિરને બાદની ઓવરો માટે બચાવી શકે છે, જ્યારે સંભવતઃ પંતના ક્રિઝ પર ઉતરવાની આશા છે.
આરસીબી વિરુદ્ધ મેન ઓફ ધ મેચ બનેલા હરભજન આ ડાબા હાથના બેટ્સમેનને બોલિંગ કરવાનો પડકાર માટે તૈયાર હશે જેને શોટ રમવાનું પસંદ છે. પ્રથમ મેચમાં વિરાટ કોહલી અને એબી ડિ વિલિયર્સ જેવા ખેલાડીઓને પરત મોકલ્યા બાદ હરભજન પંતને પણ ઝડપથી આઉટ કરવાનો પ્રયાસ કરશે.
સીએસકેને આશા હશે કે તેના બેટ્સમેન કોટલામાં વધુ ખુલીને બેટિંગ કરી શકશે જ્યારે દિલ્હીની ટીમ ઈચ્છશે કે ટ્રેન્ટ બોલ્ટ અને ઇશાંત શર્મા જેવા તેના અનુભવી બોલર સારી બોલિંગ કરે. સમયઃ મેચ રાત્રે 8 કલાકે શરૂ થશે.