IPL 2020 DCvsKKR: હાઈસ્કોરિંગ મેચમાં હાર્યું કોલકત્તા, દિલ્હીનો 18 રને વિજય
શારજાહમાં રમાયેલી આઈપીએલની 16મી મેચમાં દિલ્હી કેપિટલ્સે કોલકત્તા નાઇટ રાઇડર્સને 18 રને હરાવ્યું છે. ટૂર્નામેન્ટમાં આ દિલ્હીની ત્રીજી જીત છે.
શારજાહઃ કેપ્ટન શ્રેયસ અય્યર (88*), પૃથ્વી શો (66)ની શાનદાર અડધી સદી બાદ એનરિચ નોર્ત્જે (3 વિકેટ)ની મદદથી દિલ્હી કેપિટલ્સે અહીં રમાયેલી ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2020)ની 16મી મેચમાં દિલ્હી કેપિટલ્સે કોલકત્તા નાઇટ રાઇડર્સને 18 રને પરાજય આપી ટૂર્નામેન્ટમાં ત્રીજી જીત મેળવી છે. પ્રથમ બેટિંગ કરતા દિલ્હી કેપિટલ્સે 20 ઓવરમાં 4 વિકેટે 228 રન બનાવ્યા હતા. જેના જવાબમાં કોલકત્તાની ટીમ 20 ઓવરમાં 8 વિકેટે 210 રન બનાવી શકી હતી. આ જીત સાથે દિલ્હીના 6 પોઈન્ટ થઈ ગયા છે.
કેકેઆરને પ્રથમ ઝટકો ઓપનર સુનીલ નરેનના રૂપમાં લાગ્યો જે ત્રણ રન બનાવી આઉટ થયો હતો. શુભમન ગિલે 22 બોલમાં 28 રન બનાવ્યા, પરંતુ મિશ્રાએ તેને આઉટ કર્યો હતો. કેકેઆરનો તોફાની બેટ્સમેન આંદ્રે રસેલ પણ માત્ર 13 રન બનાવી રબાડાનો શિકાર બન્યો હતો.
નીતીશ રાણાને હર્ષલ પટેલે અક્ષર પટેલના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. રાણાએ 35 બોલમાં 58 રન બનાવ્યા જેમાં ચાર છગ્ગા અને ચાર ચોગ્ગા સામેલ છે. કેપ્ટન દિનેશ કાર્તિક ફરી ફ્લોપ રહ્યો અને માત્ર 6 રન બનાવી આઉટ થયો હતો. પેટ કમિન્સને નોર્ત્જેએ 5 રન પર આઉટ કર્યો હતો. કોલકત્તા માટે આક્રમક બેટિંગ કરીને ટીમને લક્ષ્યની નજીક લઈ જનાર ઇયોન મોર્ગનને 44 રન પર નોર્ત્જેએ આઉટ કર્યો હતો. રાહુલ ત્રિપાઠી 16 બોલમાં 36 રન બનાવી આઉટ થયો હતો.
દિલ્હીની ઈનિંગ, પૃથ્વી તથા અય્યરની અડધી સદી
દિલ્હી તરફથી ઈનિંગની શરૂઆત શિખર ધવન અને પૃથ્વી શોએ કરી હતી. બંન્નેએ મળીને 5 ઓવરમાં 51 રન જોડ્યા હતા. ધવને 14 બોલમાં 26 જ્યારે પૃથ્વીએ 16 બોલમાં 25 રન બનાવ્યા હતા. 26 રનના સ્કોર પર ધવનને વરૂણ ચક્રવર્તીએ આઉટ કર્યો હતો.
દિલ્હી માટે પૃથ્વી શોએ આઈપીએલ કરિયરની છઠ્ઠી અડધીસદી ફટકારી હતી. તેણે 35 બોલમાં ત્રણ ચોગ્ગા અને ત્રણ છગ્ગા સાથે 50 રન પૂરા કર્યાં હતા. તે 66ના સ્કોર પર કમલેશ નાગરકોટીના હાથે આઉટ થયો હતો. દિલ્હીને ચોથો ઝટકો પંતના રૂપમાં લાગ્યો જે 17 બોલમાં 38 રન બનાવી આઉટ થયો હતો. માર્કસ સ્ટોઇનિસ માત્ર 1 રન બનાવી રસેલનો શિકાર બન્યો હતો.
દિલ્હી કેપિટલ્સના કેપ્ટન અય્યરે માત્ર 26 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. અય્યર 38 બોલમાં 88 રન બનાવી અણનમ રહ્યો હતો. આ દરમિયાન તેણે 7 ચોગ્ગા અને 6 છગ્ગા ફટકાર્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube