નવી દિલ્હીઃ એશિયા કપની ફાઈનલમાં ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન અને વિકેટકીપર મહેન્દ્ર સિંહ ધોનીએ પોતાને નામ એક નવો રેકોર્ડ કરી નાખ્યો છે. ફાઈનલમાં ધોનીએ બાંગ્લાદેશ સામે ચિત્તા જેવી ચપળતા દેખાડીને ત્રણ શિકાર કર્યા હતા. જેમાં બે ખેલાડીને સ્ટમ્પ આઉટ કર્યા અને એક રન આઉટ. આ રીતે ધોનીએ ટેસ્ટ, વન ડે અને ટી20માં વિકેટની પાછળ અત્યાર સુધી કુલ 800 શિકાર પૂરા કરી લીધા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આવી સિદ્ધિ મેળવનારો તે ભારતનો પ્રથમ વિકેટ કિપર છે, જ્યારે વિશ્વનો ત્રીજો ક્રિકેટર બન્યો છે. ધોનીથી આગળ દ.આફ્રિકાનો વિકેટ કીપર માર્ક બાઉચર છે અને બીજા નંબર એડમ ગિલક્રિસ્ટ છે. બાઉચરે વિકેટની પાછળ કુલ 998 શિકાર કર્યા છે, જ્યારે એડમ ગિલક્રિસ્ટે 905 ખેલાડીને વિકેટ પાછળથી આઉટ કર્યા છે. મહેન્દ્ર સિંહ ધોની હવે 800 વિકેટ સાથે ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં વિકેટની પાછળથી આઉટ કરનારાની યાદીમાં ત્રીજા ક્રમે આવી ગયો છે. 


એશિયા કપમાં ફાઈનલ મેચની 43મી ઓવર ચાલતી હતી ત્યારે બાંગ્લાદેશનો કેપ્ટન મશરફે મુર્તઝાને સ્ટમ્પ આઉટ કરીને ધોનીએ પોતાનો 800મો શિકાર બનાવ્યો હતો. આ સ્ટમ્પિંગ ધોનીએ કુલદીપ યાદવના બોલ પર કર્યું હતું. 


સ્ટમ્પિંગની બાબતે મહેન્દ્ર સિંહ ધોની સૌથી આગળ છે. તેણે કુલ 184 સ્ટમ્પિંગ કર્યા છે. બીજા નંબરે કુમાર સંગાકારા 139 અને તેના જ દેશનો રોમેશ કાલુવિતારણા 101 સ્ટમ્પિંગ સાથે ત્રીજા ક્રમે છે. 


વન ડેમાં પણ ધોનીએ સૌથી વધુ 113 સ્ટમ્પિંગ કર્યા છે. ત્યાર બાદ સંગાકાર 99 સ્ટમ્પિંગ સાથે બીજા ક્રમે છે.