ENG vs IND 5th Test: પ્રથમ દિવસે ઈંગ્લેન્ડ 198/7, ઈશાંતની 3, બુમરાહ, જાડેજાની 2-2 વિકેટ
હનુમા વિહારીને ટેસ્ટ કેપ મળી, ભારતનો 292મો ટેસ્ટ ખેલાડી બન્યો, 5 ટેસ્ટની આ શ્રેણીમાં ઈંગ્લેન્ડે ત્રણ ટેસ્ટ જીતી છે, એકમાં ભારતનો વિજય થયો છે, ઈંગ્લેન્ટ 3-1થી ટેસ્ટ શ્રેણી જીતી ચૂક્યું છે, ઈંગ્લેન્ડના કેપ્ટન એલિસ્ટર કૂકની કારકિર્દીની આ અંતિમ ટેસ્ટ છે
ઓવલ(લંડન) : ભારતના ઈંગ્લેન્ડના પ્રવાસની ટેસ્ટ શ્રેણીની અંતિમ ટેસ્ટમાં ઈંગ્લેન્ડની શરૂઆત સારી રહી હતી. ઈંગ્લેન્ડે દિવસ પુરો થયો ત્યારે 7 વિકેટના ભોગે 198 રન બનાવ્યા છે. ત્રીજા સેશન એટલે કે ટી બ્રેક સુધી ઈંગ્લેન્ડની પકડ સારી રહી હતી. ઈંગ્લેન્ડનો સ્કોર 1 વિકેટે 133 રન પર હતો.
વિરાટ કોહલીને હનુમા વિહારીને ટીમમાં સામેલ કરીને તેનો આંતરરાષ્ટ્રીય ટેસ્ટમાં ડેબ્યુ કરાવ્યો હતો. હનુમા વિહારી ભારત તરફથી આંતરરાષ્ટ્રીય ટેસ્ટ રમનારો 292મો ખેલાડી બન્યો છે.
જોકે, ત્યાર બાદ ભારતીય બોલરો પ્રભાવી થયા અને ઈંગ્લેન્ડના એક પછી એક બેટ્સમેન આઉટ થતા ગયા. જેના કારણે ઈંગ્લેન્ડ એકદમ જ બેકફૂટ પર આવી ગયું અને ભારતનું પલડું ભારે થઈ ગયું હતું. ઈંગ્લેન્ડ તરફથી સૌથી વધુ રન કેપ્ટન એલિસ્ટર કૂકે (71) બનાવ્યા હતા. ત્યાર બાદ મોઈન અલીએ 50 રન બનાવ્યા હતા. બાકીના ખેલાડી સારું પ્રદર્શન કરી શક્યા નહીં. ઈંગ્લેન્ડના ત્રણ બેટ્સમેન જો રૂટ, જોની બેરસ્ટો અને કેમ કુરન તો શૂન્ય રને આઉટ થઈ ગયા હતા. રમત પુરી થઈ ત્યારે જોસ બટલર 11 અને આદિલ રશીદ 4 રને બેટિંગમાં હતા.
ભારત તરફથી ઈશાંત શર્માએ સૌથી વધુ ત્રણ વિકેટ લીધી હતી. રવિન્દ્ર જાડેજા અને જસપ્રીત બુમરાહે 2-2 વિકેટ લીધી હતી. આ અગાઉ ઈંગ્લન્ડે ટોસ જીતીને પ્રથમ બેટિંગ પસંદ કરી હતી. ઈંગ્લેન્ડનો નિર્ણય સારો રહ્યો હોય તેમ તેના બેટ્સમેનોએ ટીમને સારી શરૂઆત આપી હતી. ટીમ ઈન્ડિયાને પ્રથમ સફળતા રવિન્દ્ર જાડેજાએ 24મી ઓવરમાં જેનિંગ્સને આઉટ કરીને અપાવી હતી.
પાંચ ટેસ્ટની શ્રેણી 1-3થી હારી ચુકેલી ટીમ ઈન્ડિયા ઓવલમાં અંતિમ ટેસ્ટ જીતીને સન્માનજનક વિદાય લેવાના ઈરાદા સાથે ઉતરી છે. જ્યારે ઈંગ્લેન્ડની ટીમ તેમના પૂર્વ કેપ્ટન એલિસ્ટર કૂકે આ શ્રેણી બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હોવાના કારણે તેને વિજય સાથે વિદાય આપવા માગે છે. કૂકની ભારત સામે આ 30મી ટેસ્ટ છે. તે ભારત સામે સૌથી વધુ ટેસ્ટ રમનારો ખેલાડી બની ગયો છે. તેના પછી ઓસ્ટ્રેલિયાના રિકી પોન્ટિંગનો નંબર આવે છે, જેણે ભારત સામે 29 ટેસ્ટ રમી છે.
હવામાન વિભાગે લંડનમાં આગામી પાંચ દિવસ દરમિયાન વરસાદ ન પડવાની આગાહી કરી છે. એટલે આ મેચનું એક ચોક્કકસ પરિણામ આવે તેવી સંભાવના છે.
ટીમ
ભારત - વિરાટ કોહલી (કેપ્ટન), શિખર ધવન, લોકેશ રાહુલ, ચેતેશ્વર પૂજારા, અજિંક્ય રહાણે, ઋષભ પંત, રવિન્દ્ર જાડેજા, હનુમા વિહારી, ઈશાંત શર્મા, મોહમ્મદ શમી, જસપ્રીત બુમરાહ.
ઈંગ્લેન્ડ - જો રૂટ (કેપ્ટન), એલિસ્ટર કૂક, કીટન જેનિંગ્સ, જોની બેરસ્ટો, જોસ બટલર, મોઈન અલી, આદિલ રશિદ, સેમ કુરન, જેમ્સ એન્ડરસન, સ્ટૂઅર્ટ બ્રોડ, બેન સ્ટોક્સ.