સાઉધમ્પ્ટનઃ ઈંગ્લેન્ટ સામેની ચોથી ટેસ્ટમાં ભારતે સારી શરૂઆત કરી છે. ઈંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટિંગ પસંદ કરી હતી. જોકે, ઈંગ્લેન્ડનો ઈરાદો ભારતીય બોલરોએ સફળ થવા દીધો ન હતો. ભારતે ઈંગ્લન્ડની સમગ્ર ટીમને પ્રથમ દિવસે 246 રને ઓલઆઉટ કરી દીધી. ભારત તરફથી જસપ્રીત બુમરાહે સૌથી વધુ 3 વિકેટ લીધી હતી. મોહમ્મદ શમીએ, ઈશાંત શર્મા અને રવિચંદ્ર અશ્વિને 2-2 વિકેટ લીધી હતી, જ્યારે હાર્દિક પંડ્યાએ 1 વિકેટ લીધી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ અગાઉ ઈંગ્લેન્ડની શરૂઆત ખરાબ રહી હતી. ઈંગ્લેન્ડનો ઓપનર જેનિંગ્સ ખાતું ખોલ્યા વગર જ ત્રીજી ઓવરના પ્રથમ બોલે બુમરાહના બોલ પર એલબીડબલ્યુ આઉટ થઈ ગયો. ઈંગ્લેન્ડે 1 રનમાં પ્રથમ વિકેટ ગુમાવી દીધી હતી. કેપ્ટન જો રૂટ આવીને બાજી સંભાળે એ પહેલાં જ ઈશાંત શર્માએ તેને 4 રનના અંગત સ્કોરે એલબી આઉટ કરીને પેવેલિયનમાં મોકલી દીધો. જો રૂટ આઉટ થયો ત્યારે ઈંગ્લેન્ડના 15 રન બન્યા હતા. 


ઈંગ્લેન્ડની ત્રીજી વિકેટ જોની બેરસ્ટોની પડી. ટીમના 28ના સ્કોર પર બેરસ્ટો બુમરાહના બોલ પર ઋષભ પંતને કોચ આપી બેઠો. તેણે માત્ર 6 રન બનાવ્યા હતા. ઓપનર એલિસ્ટર કૂકે સામો છેડો સાચવી રાખવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે હાર્દિક પંડ્યાનો શિકાર બન્યો. ભારતીય કેપ્ટન કોહલીએ જરા પણ ભૂલ ક્ર્યા વગર તેનો કેચ પકડી લીધો. કૂકે 17 રન બનાવ્યા હતા. આમ ઈંગ્લેન્ડની 36 રનમાં 4 વિકેટ પડી ગઈ હતી. 


જોકે બીજું સેશન ઈંગ્લેન્ડને નામે રહ્યું હતું. ઈંગ્લેન્ડે લંચ બ્રેક અને ટી બ્રેક વચ્ચે 27 ઓવરમાં 82 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે બેન સ્ટોક્સ અને જોસ બટલરની મહત્ત્વપૂર્ણ વિકેટ પણ ગુમાવી હતી. ટી બ્રેક સુધીમાં મોઈન અલી અને સેમ કરેને 53 રનની ભાગીદારી કરી હતી. 


મોઈન અલી સેમ કરેન સાથે 81 રનની ભાગીદારી કરીને 40 રનના અંગત સ્કોર પર મોઈલ અલીએ કેચઆઉટ કરાવ્યો હતો. ત્યાર બાદ ઈશાંત શર્માએ આદિલ રાશિદને એલબીડબલ્યુ આઉટ કરી દીધો. 


જોકે, સેમ કરેને એક છોડો પકડી રાખીને ઈંગ્લેન્ડનું સ્કોરકાર્ડ આગળ ધપાવાનું ચાલુ રાખ્યું હતું. સેમ કરેને પોતાની કારકિર્દીની અડધી સદી ફટકારી. તેણે આ ઈનિંગ્સમાં 78 રન બનાવ્યા હતા, જે તેનો સર્વોચ્ચ સ્કોર હતો. તેણે ભારત સામેની પ્રથમ ટેસ્ટમાં 63 રન બનાવ્યા હતા. જસપ્રીત બુમરાહે સ્ટૂઅર્ટ બ્રોડને આઉટ કરીને ભારતને 9મી સફળતા અપાવી હતી. ત્યાર બાદ રવિચંદ્ર અશ્વિને સેમ કરેનને 78 રને બોલ્ડ કર્યો હતો. આ સાથે જ ઈંગ્લેન્ડની ટીમ 246 રને ઓલઆઉટ થઈ ગઈ હતી. 


મેચ પુરી થયાના 10 મિનિટ બાદ જ ભારતીય ટીમ બેટિંગ કરવા માટે મેદાનમાં ઉતરી ગઈ હતી. સ્ટમ્પ્સ સમયે ભારતના ઓપનિંગ બેટ્સમેન શિખર ધવન 3 અને લોકેશ રાહુલ 11 રને રમતમાં હતા. ભારતો સ્કોર વિના વિકેટે 19 રનનો થયો છે.