ઈંગ્લેન્ડને મળી આશ્વાસન જીત, વેસ્ટઈન્ડિઝને ત્રીજી ટેસ્ટમાં 232 રને હરાવ્યું
પ્રથમ બે મેચ હારીને દસ વર્ષમાં પ્રથમવાર વિઝડન ટ્રોફી ગુમાવનાર ઈંગ્લેન્ડની ટીમે એક દિવસ બાકી રહેતા 232 રનથી જીત મેળવી હતી.
સેન્ટ લુસિયાઃ ઈંગ્લેન્ડે સિરીઝ ગુમાવ્યા બાદ ત્રીજી અને અંતિમ ટેસ્ટ મેચના ચોથા દિવસે વેસ્ટઈન્ડિઝ પર આશ્વાસન જીત નોંધાવી હતી. પ્રથમ બે મેચ હારીને દસ વર્ષમાં પ્રથમવાર વિઝડન ટ્રોફી ગુમાવનાર ઈંગ્લેન્ડની ટીમે ચોથા દિવસે 232 રને વિજય મેળવ્યો હતો.
જો રૂટના 122 રનની મદદથી ઈંગ્લેન્ડે 316/5 રન બનાવીને પોતાનો બીજો દાવ ડિકલેર કર્યો હતો અને વેસ્ટઈન્ડિઝને જીતવા માટે 485 રનનો લક્ષ્ય આપ્યો હતો. યજમાન ટીમ છેલ્લા સત્રમાં 252 રન બનાવી આઉટ થઈ ગઈ, જ્યારે બેન સ્ટોક્સે કીમો પોલનો રિટર્ન કેચ ઝડપ્યો હતો.
ઈજાને કારણે બોલિંગ કરવા ન આવેલ પોલ છેલ્લા બેટ્સમેનના રૂપમાં ક્રીઝ પર આવ્યો હતો, જેથી રોસ્ટન ચેઝ પોતાની સદી પૂરી કરી શકે. ચેઝ તે સમયે 97 રન પર હતો, જ્યારે શેનોન ગૈબ્રિયલના રૂપમાં નવમી વિકેટ પડી હતી. ચેઝે જો ડેલનેની બોલિંગમાં બાઉન્ડ્રી ફટકારીને સદી પૂરી કરી હતી. તે 191 બોલમાં 12 ફોર અને એક સિક્સની મદદથી 102 રન બનાવી અણનમ રહ્યો હતો.
વિશ્વની નંબર એક ટીમ બનવા ઈચ્છે છે વિન્ડિઝ ટીમ
ઈંગ્લેન્ડ સામે સિરીઝ જીત્યા બાદ વેસ્ટઈન્ડિઝના કેપ્ટન જેસન હોલ્ડરે કહ્યું કે, તેની ટીમનું મુખ્ય લક્ષ્ય વિશ્વની નંબર-1 ટીમ બનવાનું છે. વેસ્ટ ઈન્ડિઝ ત્રીજી ટેસ્ટ ભલે હારી ગયું પરંતુ પ્રથમ બે ટેસ્ટ જીતીને સિરીઝ પોતાના નામે કરી હતી.
હોલ્ડરે કહ્યું, અમારે રમતના તમામ ફોર્મેટમાં સતત સારૂ પ્રદર્શન કરવું પડશે. અમારા બોલરોએ શાનદાર પ્રદર્શન કર્યું છે, પરંતુ બેટ્સમેનોએ પ્રયત્ન કરવો પડશે. અમારૂ પ્રથમ લક્ષ્ય વિશ્વની નંબર વન ટીમ બનવાનું છે અને તે માટે પ્રદર્શનમાં ખુબ સુધાર કરવો પડશે.
70 અને 80ના દાયકામાં પોતાનું એકચક્રી રાજ કરનાર વેસ્ટઈન્ડિઝ ટીમ આઈસીસી રેન્કિંગમાં આઠમાં સ્થાન પર છે. વેસ્ટઈન્ડિઝ હવે જુલાઈ સુધી કોઈ ટેસ્ટ રમશે નહીં. તે હવે ઈંગ્લેન્ડ સામે 5 મેચોની વનડે સિરીઝ રમશે.