IND vs ENG: બીજા દિવસની રમત પૂરી, મેચ પર ઈંગ્લેન્ડની પકડ મજબૂત
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ચેન્નઈમાં રમાઈ રહેલી ટેસ્ટ મેચનો આજે બીજો દિવસ હતો. ચાર ટેસ્ટ મેચોની સિરીઝની પ્રથમ મેચ ચેન્નઈના ચેપોક સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ઈંગ્લેન્ડે બીજા દિવસની રમતના અંતે 8 વિકેટે 555 રન બનાવી લીધા છે. કેપ્ટન જો રૂટે બેવડી સદી ફટકારી છે.
ચેન્નઈઃ Ind vs Eng 1st Test Day 2 : યજમાન ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ચાર ટેસ્ટ મેચોની સિરીઝનો પ્રથમ મુકાબલો ચેન્નઈમાં રમાઈ રહ્યો છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ઈંગ્લેન્ડે બીજા દિવસે મેચ પર પોતાની પકડ મજબૂત બનાવી લીધી છે. બીજા દિવસની રમત પૂરી થઈ ત્યારે ઈંગ્લેન્ડે 8 વિકેટે 555 રન બનાવી લીધા છે. ઈંગ્લેન્ડ તરફથી કેપ્ટન જો રૂટે બેવડી સદી ફટકારી હતી.
ઈંગ્લેન્ડની ઈનિંગ, રૂટની બેવડી સદી
પ્રથમ દિવસે સ્કોર 263/3થી આગળ રમવાનું શરૂ કરતા ઈંગ્લેન્ડ ટીમે બીજા દિવસે જલદી 300 રન પૂરા કર્યા હતા. જો રૂટે 260 બોલમાં 150 રન પૂરા કર્યા હતા. તો બેન સ્ટોક્સે માત્ર 73 બોલમાં પોતાની 23મી અડધી સદી ફટકારી હતી. ઈંગ્લેન્ડને ચોથો ઝટકો બેન સ્ટોક્સના રૂપમાં લાગ્યો, જે 82 રન બનાવી નદીમની ઓવરમાં આઉટ થયો હતો.
આ પણ વાંચોઃ IND vs ENG: જો રૂટે 100મી ટેસ્ટમાં રચ્યો ઈતિહાસ, બેવડી સદી ફટકારનાર વિશ્વનો પ્રથમ બેટ્સમેન
ત્યારબાદ ટીમના કેપ્ટન જો રૂટે 341 બોલ પર પોતાના ટેસ્ટ કરિયરની 5મી બેવડી સદી પૂરી કરી હતી. તેણે આ ઈનિંગમાં 19 ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા હતા. રૂટ 218 રન બનાવી આઉટ થયો હતો. ઓલી પોપ 34 રન બનાવી અશ્વિનનો શિકાર બન્યો હતો. ત્યારબાદ ઇશાંત શર્માએ સતત બે બોલમાં જોસ બટલર અને જોફ્રા આર્ચરને બોલ્ડ કર્યા હતા.
ભારત તરફતી ચાર બોલરોને બે-બે વિકેટ મળી હતી. જસપ્રીત બુમરાહ, આર અશ્વિન, શાહબાઝ નદીમ અને ઈશાંત શર્માએ બે-બે વિકેટ ઝડપી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube