ENG vs IND: ત્રીજી ટેસ્ટ માટે ઈંગ્લેન્ડની ટીમ જાહેર, આ ઓલરાઉન્ડર બહાર, બેયરસ્ટોની વાપસી
ભારત સામે આગામી 24 ફેબ્રુઆરીથી શરૂ થનારી પિંક બોલ ટેસ્ટ માટે ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે 17 સભ્યોની ટીમની જાહેરાત કરી છે.
નવી દિલ્હીઃ Ind vs Eng: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) હેઠળ ચાર મેચોની ટેસ્ટ સિરીઝના પ્રથમ બે મુકાબલે ચેન્નઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં સંપન્ન થયા. આ બે મુકાબલા બાદ સિરીઝ 1-1થી બરોબર છે, કારણ કે પ્રથમ મેચમાં ઈંગ્લેન્ડે વિજય મેળવ્યો તો બીજી ટેસ્ટ ટીમ ઈન્ડિયાના નામે રહી છે. હવે ત્રીજી ટેસ્ટ મેચ 24 ફેબ્રુઆરીથી રમાશે. આ મેચ માટે મહેમાન ટીમની જાહેરાત થઈ ગઈ છે.
ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ (ECB) એ 17 સભ્યોની ટીમની જાહેરાત ત્રીજી ટેસ્ટ મેચ માટે કરી છે. પિંક બોલથી વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં રમાનારા મુકાબલા માટે પસંદ કરવામાં આવેલી ટીમમાં ઓલરાઉન્ડર મોઇન અલીનું નામ સામેલ નથી, જેણે બીજી ટેસ્ટ મેચમાં 8 વિકેટ ઝડપી અને અંતમાં કેટલાક મોટા શોટ્સ ફટકારી 43 રન બનાવ્યા હતા. તો વિકેટકીપર બેટ્સમેન જોસ બટલર પણ રોટેશન સિસ્ટમને કારણે બહાર થઈ ગયો છે.
આ પણ વાંચોઃ IND vs ENG: બીજી ટેસ્ટમાં ભારતની શાનદર જીતમાં ગુજરાતી ક્રિકેટરનો દબદબો
ઈંગ્લેન્ડની ટીમમાં જોની બેયરસ્ટોની વાપસી થઈ છે, જ્યારે માર્ક વુડ અને જેક ક્રાઉલીની પણ વાપસી થઈ છે. મોઇન અલી ત્રીજી ટેસ્ટ જ નહીં, ચોથી ટેસ્ટમાંથી પણ બહાર થઈ ગયો છે. આ વાતની પુષ્ટિ ઈંગ્લેન્ડ ટીમના કેપ્ટન જો રૂટ (joe root) એ કરી દીધી છે. મોઇન અલી એક નાના બ્રેક માટે ઈંગ્લેન્ડ પરત જશે. ઈંગ્લેન્ડ બોર્ડે તે ખેલાડીઓને પણ પસંદ કર્યા છે, જે પ્રથમ અને બીજી ટેસ્ટમાં ફ્લોપ રહ્યા છે, જેમાં રોરી બર્ન્સ, ડોમ સિબલી અને ડેનિયલ લોરેન્સનું નામ સામેલ છે.
ભારત વિરુદ્ધ ત્રીજી ટેસ્ટ મેચ માટે ઈંગ્લેન્ડની ટીમ આ પ્રકારે છે
જો રૂટ (કેપ્ટન), જેમ્સ એન્ડરસન, જોફ્રા આર્ચર, જોની બેયરસ્ટો, ડોમિનિક બેસ, સ્ટુઅર્ટ બ્રોડ, રોરી બર્ન્સ, જેક ક્રાઉલી, બેન ફોકસ, ડેન લોરેન્સ, જેક લીચ, ઓલી પોપ, ડોમ સિબલી, બેન સ્ટોક્સ, ઓલી સ્ટોન, ક્રિસ વોક્સ અને માર્ક વુડ.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube