ENGvAUS: સતત ચોથી વનડેમાં ઓસ્ટ્રેલિયાનો પરાજય, ઈંગ્લેન્ડની નજર વ્હાઇટવોશ પર
આ વર્ષે ઈંગ્લેન્ડ ઓસ્ટ્રેલિયાને વનડેમાં આઠમી વખત હરાવી ચૂક્યું છે.
નવી દિલ્હીઃ એરોન ફિન્સ અને શોન માર્શની શાનદાર સદી પણ ઈંગ્લેન્ડ વિરુદ્ધ ચોથી વનડેમાં ટીમને હારથી ન બચાવી શકી. જેસન રોયની શાનદાર ઈનિંગ અને તેની સદીની મદદથી ઈંગ્લેન્ડે ચોથી વનડેમાં ઓસ્ટ્રેલિયાને 6 વિકેટથી હરાવીને શ્રેણીમાં 4-0ની લીડ મેળવી લીધી છે.
ઓસ્ટ્રેલિયાની ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો. કેપ્ટન ટિમ પેને આ વખતે પોતાના સૌથી અનુભવી બેટ્સમેન એરોન ફિન્સને ઓપનિંગની જવાબદારી આપી. કેપ્ટનનો નિર્ણય યોગ્ય સાબિત થયો. ફિન્ચ અને ટ્રેવિસ હેડની ઓપનિંગ જોડીએ પ્રથમ વિકેટ માટે સદીની ભાગીદારી કરી.
ત્યારબાદ હેડ 63 રન બનાવીને રાશિદનો શિકાર બન્યો. પરંતુ ગત ભૂલમાંથી શિખ મેળવતા ઓસ્ટ્રેલિયાએ મોટો સ્કોરનો પાયો નાખ્યો. વન-ડાઉન બેટ્સમેન શોન માર્ષે ફિન્ચનો સાથ આપ્યો અને ટીમનો સ્કોર 200 રનની પાર લઈ ગયા. આ દરમિયાન બંન્ને બેટ્સમેનોએ પોતાની સદી પુરી કરી. એરોન ફિન્સે 106 બોલમાં 6 ફોર અને 3 સિક્સની મદદથી 100 રન બનાવ્યા. જ્યારે માર્શે 92 બોલમાં 101 રનનું યોગદાન આપ્યું.
પરંતુ 225 રનના સ્કોર પર બીજી વિકેટ ગુમાવ્યા બાદ ઓસ્ટ્રેલિયાની ટીમનો ધબડકો શરૂ થયો અને નિર્ધારિત 50 ઓવરમાં 310 રન બનાવી શકી હતી.
તેના જવાબમાં બેટિંગ માટે આવેલી ઈંગ્લેન્ડની ટીમે જણાવી દીધું કે, તેની ધરતી પર તેની વિરુદ્ધ રમવું સરળ નથી. ઈનફોર્મ બેટ્સમેન જેસન રોય અને જોની બેયરસ્ટોની સાથે મળીને ટીમને 23.4 ઓવરમાં 174 રનની ઓપનિંગ ભાગીદારી કરી મજબૂત શરૂઆત અપાવી.
ત્યારબાદ જેસન રોય 83 બોલમાં 101 રન બનાવી નાથન લાયનની બોલિંગમાં આઉટ થયો. 174 રને પ્રથમ વિકેટ ગુમાવ્યા બાદ ઈંગ્લેન્ડને વધુ એક ઝટકો લાગ્યો. સેટ બેટ્સમેન બેયરસ્ટો સ્ટેનલેકની બોલિંગમાં 79 રન બનાવી આઉટ થયો. ત્યારે ઈંગ્લેન્ડનો સ્કોર 2 વિકેટે 183 રન હતો.
પરંતુ ત્યારબાદ એલેક્સ હેલ્સ (34 રન અણનમ) રૂટ (27) અને કેપ્ટન મોર્ગન (15)ની સાથે ટીમનો સ્કોર 244 રન સુધી પહોંચાડ્યો. પરંતુ ટીમે અહીં સુધી ચાર વિકેટ ગુમાવી દીધી હતી.
ત્યારબાદ મેદાન પર આવ્યો શાનદાર ફોર્મમાં ચાલી રહેલો વિકેટકીપર જોસ બટલર. બટલરે માત્ર 29 બોલમાં 54 રનની તોફાની ઈનિંગ રમીને ટીમને 44.4 ઓવરમાં જીત અપાવી દીધી હતી. ઈંગ્લેન્ડ આ વર્ષે ઓસ્ટ્રેલિયાને વનડેમાં આઠ વખત હરાવી ચૂક્યું છે.