બર્મિંઘમઃ વિરાટ કોહલીની આગેવાનીમાં ટીમ ઈન્ડિયા 1 ઓગસ્ટથી બર્મિંઘમના એજબેસ્ટન મેદાન પર ઈંગ્લેન્ડમાં પોતાનું ટેસ્ટ અભિયાન શરૂ કરશે. ભારતીય ટીમ ઈંગ્લેન્ડ વિરુદ્ધ આ શ્રેણીમાં પાંચ ટેસ્ટ મેચ રમશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટીમ ઈન્ડિયાનો છેલ્લી બે ટેસ્ટ શ્રેણીમાં ઈંગ્લેન્ડ વિરુદ્ધ તેની જમીન પર કરારી હારનો સામનો કરવો પડ્યો છે. વર્ષ 2014ના ઈંગ્લેન્ડના પ્રવાસમાં ભારતનો ટેસ્ટ શ્રેણીમાં 1-3થી પરાજય થયો હતો. જ્યારે 2011ના પ્રવાસમાં ઈંગ્લિશ ટીમે ટીમ ઈન્ડિયાનો 4-0થી સફાયો થયો હતો. 


અંતિમ વાર ભારતને વર્ષ 2007માં ઈંગ્લેન્ડના પ્રવાસ પર રાહુલ દ્રવિડની આગેવાનીમાં ટેસ્ટ શ્રેણીમાં જીત મળી હતી. હાલની ટીમ ઈન્ડિયા પાસે 5 એવા ખેલાડી છે, જે તેની જીતમાં મહત્વની ભૂમિકા નિભાવશે અને સાથે પોતાના વ્યક્તિગત રેકોર્ડમાં નવી સિદ્ધિઓ જોડશે. 


કોહલી 6000 ટેસ્ટ રનથી 446 રન દૂર
ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી ઈંગ્લેન્ડ વિરુદ્ધ પાંચ ટેસ્ટ મેચોની આ શ્રેણીમાં પોતાને સાબિત કરવા ઈચ્છશે અને ગત ઈંગ્લેન્ડના પ્રવાસની નિષ્ફળતાને ભૂલીને ટેસ્ટ ક્રિકેટમાં પોતાના 6000 રન પૂરા કરવા ઈચ્છશે. 


કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાં અત્યાર સુધી 66 મેચની 112 ઈનિંગમાં 53.40ની એવરેજથી 5554 રન બનાવ્યા અને તેનો શ્રેષ્ઠ સ્કોર 243 રન રહ્યો છે. પરંતુ આ પાંચ મેચની ટેસ્ટ શ્રેણીમાં કોહલી પાસે 6000 રન સુધી પહોંચવાની તક છે. આ શ્રેણીમાં જો કોહલી 446 રન બનાવી લેશે તો તે ટેસ્ટ ક્રિકેટમાં 6000 રન બનાવનાર 10મો ભારતીય ખેલાડી બની જશે. 


પૂજારાની નજર 5000 ટેસ્ટ રન પર
ટીમ ઈન્ડિયાના મિડલ ઓર્ડર બેટ્સમેન ચેતેશ્વર પૂજારા આ ટેસ્ટ શ્રેણીમાં પોતાના 5000 રન પૂરા કરી શકે છે. નંબર-3 પર ભારતીય ટીમ માટે મહત્વની ભૂમિકા ભજવનાર પૂજારાએ ટેસ્ટ ક્રિકેટમાં અત્યાર સુધી 58 મેચોની 97 ઈનિંગમાં 50.34ની એવરેજથી 4531 રન બનાવ્યા અને તેનો સર્વોચ્ચ સ્કોર 206 રન રહ્યો છે. આ શ્રેણીમાં પૂજારા 469 રન બનાવી લે તો તે ટેસ્ટ ક્રિકેટમાં 5000 રન બનાવનાર 12મો ભારતીય બની જશે. 


મુરલી વિજયના નિશાને 4000 ટેસ્ટ રન
ટેકનિકનો મહારથી અને ટીમ ઈન્ડિયાનો મજબૂત ઓપનિંગ બેટ્સમેન મુરલી વિજયનું નિશાન 4000 ટેસ્ટ રન પર હશે. વિદેશમાં ટીમ ઈન્ડિયાને મજબૂત શરૂઆત અપાવનાર વિજયે ટેસ્ટ ક્રિકેટમાં અત્યાર સુધી 57 મેચોની 97 ઈનિંગમાં 40.70ની એવરેજથી 3907 રન બનાવ્યા છે. આ શ્રેણીમાં વિજય 93 રન બનાવશે તો તે ટેસ્ટ ક્રિકેટમાં 4000 રન પૂરા કરનાર 16મો ભારતીય બની જશે. 


રહાણે 3000 ટેસ્ટ રનોની નજીક
વિદેશની ધરતી પર ટીમ ઈન્ડિયાનો સૌથી વિશ્વવાસપાત્ર મિડલ ઓર્ડર બેટ્સમેન અંજ્કિય રહાણેની પાસે ઈંગ્લેન્ડ વિરુદ્ધ 5 મેચોની ટેસ્ટ શ્રેણીમાં 3000 રન પૂરા કરવાની તક છે. રહાણેએ ટેસ્ટ ક્રિકેટમાં અત્યાર સુધી 45 મેચોની 76 ઈનિંગમાં 43.18ની એવરેજથી 2893 રન બનાવ્યા છે. જો તે 3000 રન પૂરા કરી લેશે તો તે 22મો ભારતીય બની જશે. 


ઈશાંત શર્માની પાસે 250 ટેસ્ટ વિકેટ પૂરી કરવાની તક
ટીમ ઈન્ડિયાના અનુભવી ફાસ્ટ બોલર ઈશાંત શર્માની પાસે આ ટેસ્ટ શ્રેણીમાં 250 ટેસ્ટ વિકેટ સુધી પહોંચવાની તક છે. ઈશાંતે અત્યાર સુધી 82 ટેસ્ટ મેચોની 146 ઈનિંગમાં 238 વિકેટ ઝડપી છે. 140થી વધુની ઝડપે બોલિંગ કરનાર ઈશાંત શર્મા આ શ્રેણીમાં 12 વિકેટ લેશે તો તે આ સિદ્ધિ મેળવી લેશે.