અમદાવાદઃ જોસ બટલર (83*) ની શાનદાર બેટિંગ અને માર્ક વુડ (31/3) ની દમદાર બોલિંગની મદદથી ઈંગ્લેન્ડે અહીં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Narendra Modi Stadium) માં રમાયેલી પાંચ મેચોની ટી20 સિરીઝના ત્રીજા મુકાબલામાં ભારતને 8 વિકેટે પરાજય આપી સિરીઝમાં 2-1ની લીડ મેળવી લીધી છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ભારતે વિરાટ કોહલી (77*)ની મદદથી 20 ઓવરમાં 6 વિકેટે 156 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ઈંગ્લેન્ડે ઓવરમાં 2 વિકેટ ગુમાવી લક્ષ્ય હાસિલ કરી લીધો હતો.  સિરીઝની ચોથી ટી20 મેચ આજ મેદાનમાં 18 માર્ચે રમાશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જેસન રોય ફેલ, બટલરની અડધી સદી
ઈંગ્લેન્ડ તરફથી જોસ બટલર અને જેસન રોયે ઈનિંગની શરૂઆત કરી હતી. ટીમનો સ્કોર 23 રન હતો ત્યારે જેસન રોય (9)ને યુજવેન્દ્ર ચહલે રોહિત શર્માના હાથે કેચઆઉટ કરી ટીમને પ્રથમ સફળતા અપાવી હતી. તો પાવરપ્લેમાં જોસ બટલરે આક્રમક બેટિંગ કરી હતી. 6 ઓવરમાં ઈંગ્લેન્ડે 1 વિકેટે 57 રન બનાવી લીધા હતા. બટલરે 26 બોલનો સામનો કરતા પોતાની અડધી સદી પૂરી કરી હતી. આ તેના કરિયરની 11મી અડધી સદી છે. 


બટલર અને બેયરસ્ટો વચ્ચે વિજયી ભાગીદારી
ભારતીય ટીમને બીજી સફળતા વોશિંગટન સુંદરે ડેવિડ મલાનના રૂપમાં અપાવી હતી. મલાન (18) રન બનાવી સ્ટમ્પ આઉટ થયો હતો. ત્યારબાદ જોની બેયરસ્ટો મેદાનમાં આવ્યો હતો. આ બન્ને વિકેટકીપર બેટ્સમેનોએ શાનદાર બેટિંગ કરી ઈંગ્લેન્ડની જીત નક્કી કરી હતી. જોસ બટલર 52 બોલમાં 5 ચોગ્ગા અને 4 છગ્ગા સાથે 83 રન બનાવી અણનમ રહ્યો હતો. જોની બેયરસ્ટો 28 બોલમાં 5 ચોગ્ગા સાથે 40 રન બનાવી અણનમ રહ્યો હતો. 
ભારતની ખરાબ શરૂઆત
ભારતીય ટીમ આજે ફરી ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલરોનો સામનો કરવામાં નિષ્ફળ રહી હતી. ખાસ કરીને માર્ક વુડે એક બાદ એક ભારતીય ટીમને ત્રણ ઝટકા આપ્યા હતા. ટીમ ઈન્ડિયાએ ઈનિંગની ત્રીજી ઓવરમાં કેએલ રાહુલ (0)ના રૂપમાં પ્રથમ વિકેટ ગુમાવી હતી. રાહુલ આ સિરીઝમાં ત્રણ ઈનિંગમાં માત્ર 1 રન બનાવી શક્યો છે. તે સતત બીજી મેચમાં ખાતુ ખોલાવ્યા વિના આઉટ થયો હતો. ત્યારબાદ ઈનિંગની પાંચમી ઓવરમાં માર્ક વુડે રોહિત શર્મા (15)ને આઉટ કરી ભારતને મોટો ઝટકો આપ્યો હતો. પાછલી મેચમાં શાનદાર પ્રદર્શન કરનાર ઇશાન કિશન (4) રન બનાવી ક્રિસ જોર્ડનનો શિકાર બન્યો હતો. 


વિરાટ કોહલીએ સંભાળી બાજી
ભારતીય ટીમે પાવરપ્લેમાં ત્રણ વિકેટે 24 રન બનાવ્યા હતા. ત્યારબાદ કેપ્ટન વિરાટ કોહલીએ ટીમને સંભાળી હતી. ભારતીય ટીમે રિષભ પંત (25)ના રૂપમાં ચોથી વિકેટ ગુમાવી હતી. શ્રેયસ અય્યર (9) પણ ટીમનો સ્કોર 86 હતો ત્યારે આઉટ થયો હતો. ત્યારબાદ વિરાટ કોહલી શાનદાર બેટિંગ કરતા સતત બીજી મેચમાં અડધી સદી ફટકારી હતી. કોહલીએ 37 બોલમાં પોતાના 50 રન પૂરા કર્યા હતા. અંતિમ ઓવરોમાં કેપ્ટને આક્રમક બેટિંગ કરી ટીમનો સ્કોર 150ને પાર પહોંચાડ્યો હતો. કોહલી 46 બોલમાં 8 ચોગ્ગા અને 4 છગ્ગા સાથે 77 રન બનાવી અણનમ રહ્યો હતો. તો હાર્દિક પંડ્યાએ 15 બોલમાં 2 છગ્ગા સાથે 17 રન બનાવ્યા હતા.


આ પણ વાંચોઃ IND vs ENG: આ રીતે દર્શકોને પરત મળશે ટિકિટના પૈસા, જાણો શું છે પ્રક્રિયા


માર્ક વુડની શાનદાર બોલિંગ
ઈંગ્લેન્ડ તરફથી માર્ક વુડ સૌથી સફળ બોલર રહ્યો હતો. તેણે 4 ઓવરમાં 31 રન આપી ત્રણ વિકેટ ઝડપી હતી. આ સિવાય ક્રિસ જોર્ડને 4 ઓવરમાં એક મેડન સાથે 35 રન આપી બે સફળતા મેળવી હતી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube