FIFA World Cup 2022 Final: લિયોનેલ મેસ્સીએ દેખાડ્યું કેમ છે તે GOAT, રોનાલ્ડો, નેમારને છોડ્યા પાછળ
Argentina vs France: આખરે 21મી સદીના સર્વશ્રેષ્ઠ ફુટબોલર લિયોનેલ મેસ્સીનું સપનું પૂરુ થઈ ગયું છે. કત્તારના દોહામાં રમાયેલી ફાઇનલમાં આર્જેન્ટીનાએ ફ્રાન્સને પેનલ્ટી શૂટઆઉટમાં પરાજય આપી ઈતિહાસ રચી દીધો છે.
Fifa World Cup 2022: કત્તારમાં જ્યારે ફીફા વિશ્વકપ શરૂ થયો હતો તો તમામ પ્રકારની આશાઓ અપેક્ષાઓ હતી. વિજેતાને લઈને અનેક સવાલ હતા, પરંતુ આજે જ્યારે ફાઇનલ મેચ સમાપ્ત થઈ ગઈ છે તો ઘણા સવાલોનો જવાબ મળી ગયો છે. તેમાંથી એક સૌથી મોટો સવાલ 'ગોટ' એટલે કે ગ્રેટેસ્ટ ઓફ ઓલ ટાઇમ કોણ? તેનો જવાબ પણ મળી ચુક્યો છે. સ્પષ્ટ વાત છે મેસ્સી. ફાઇનલની શરૂઆતી ક્ષણોમાં જે રીતે મેસ્સીએ શરૂઆત કરી, તેણે પોતાના તમામ પૂર્વ ખેલાડીઓને પાછળ છોડી દીધા. આ વિશ્વકપમાં મેસ્સીના પ્રદર્શનની આગળ પોર્ટુગોલનો ક્રિસ્ટિયાનો રોનાલ્ડો અને બ્રાઝીલનો નેમાર પણ પાછળ છુટી ચુક્યો છે. આ વિશ્વકપના ટાઇટલ સાથે મેસ્સીએ પોતાના દેશના મહાન ખેલાડી મેરાડોનાની બરોબરી પણ કરી લીધી છે. પેનલ્ટી શૂટઆઉટ સુધી ચાલેલા રોમાંચક મુકાબલામાં આર્જેન્ટીનાએ ફ્રાન્સને હરાવી ફીફા વિશ્વકપનું ટાઇટલ જીતી લીધુ છે.
મેસ્સીનું સપનું થયું પૂરુ
આ વિશ્વકપમાં જે રીતે આર્જેન્ટીનાની સફર શરૂ થઈ હતી, તેણે ઘણી આશંકાઓને જન્મ આપી દીધો હતો. તે વાત તો નક્કી હતી કે આ મેસ્સીનો છેલ્લો વિશ્વકપ છે. તેવામાં ડર લાગતો હતો કે મેસ્સીનું આ સપનું અધૂરુ ન રહી જાય. ક્યારેક ફુટબોલના આ સિતારાએ વિશ્વકપ વગર નિવૃત્તિ ન લેવી પડે. પહેલી મેચમાં આર્જેન્ટીનાએ સાઉદી અરબ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ જેમ-જેમ વિશ્વકપ આગળ વધ્યો આર્જેન્ટીનાની ટીમ પોતાના રંગમાં આવવા લાગી હતી. બીજી મેચમાં મેક્સિકો, પછી પોલેન્ડ અને ઓસ્ટ્રેલિયાને હરાવ્યું. ક્વાર્ટરફાઇનલમાં નેધરલેન્ડને પેનલ્ટી શૂટઆઉટમાં માત આપી હતી. પછી સેમીફાઇનલમાં ક્રોએશિયા સામે દમદાર પ્રદર્શન કરતા 3-0થી જીત મેળવી હતી.
આ પણ વાંચોઃ ચેમ્પિયન આર્જેન્ટિના ટીમને કેટલી ઈનામી રકમ મળી? જાણો કઈ ટીમોને કેટલી રકમ મળી?
પહેલી મિનિટથી શાનદાર
ફાઇનલમાં આર્જેન્ટીનાનો મુકાબલો ફ્રાન્સ સામે હતો, જેના એમ્બાપ્પે ખુબ ચર્ચામાં રહ્યો હતો. પરંતુ મેસ્સીએ પહેલી મિનિટમાં નક્કી કરી લીધુ હતું કે આ સપનાને પૂરુ કરવું છે. પહેલા મેસ્સીએ પેનલ્ટીથી ગોલ કર્યો હતો અને ત્યારબાદ અસિસ્ટ કર્યો, જેનાથી ડિ મારિયાએ ગોલ કર્યો હતો. મેચમાં બોલ પઝેશનથી લઈને એટેકમાં આર્જેન્ટીનાનો દબદબો જોવા મળ્યો હતો.
મેસ્સીએ આગળ આવી ટીમની કમાન સંભાળી
આ વિશ્વકપમાં મેસ્સીએ હંમેશા પોતાની ટીમને આગળ આવીને લીડ કરી હતી. પહેલી મેચથી લઈને છેલ્લી મેચ સુધી ન માત્ર ગોલ કર્યાં, પરંતુ સાથી ખેલાડીઓને ગોલ કરવામાં મદદ કરી હતી. કેપ્ટન હોવાને કારણે મેસ્સીએ ખેલાડીઓનું મનોબળ વધારી રાખ્યું હતું. ટીમના કેટલાક ખેલાડીઓ ઈજાગ્રસ્ત પણ થયા પરંતુ મેસ્સીએ હાર માની નહીં. મેસ્સીને તે અનુભવ થઈ ગયો હતો કે લગભગ તે જે હાસિલ કરવા મેદાનમાં ઉતર્યો છે, જે 2014માં હાથમાં આવતા-આવતા રહી ગયું હતું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube