ફીફા વિશ્વકપ 2018માં રેડ કાર્ડ મેળવનાર પ્રથમ ખેલાડી બન્યો કાર્લોસ સાંચેજ
સરાન્સકઃ કોલંબિયાનો મિડફીલ્ડર કાર્લોસ સાંચેજ મંગળવારે ફીફા વિશ્વકપ 2018માં રેડ કાર્ડ મેળવનાર પ્રથમ ખેલાડી બન્યો. સાંચેજે જાપાન વિરુદ્ધ ગ્રુપ-એચના આ મેચમાં ત્રીજી મિનિટે જ શિંજી કગાવાનો શોટ હાથથી રોક્યો અને રેફરીએ તેને રેડ કાર્ડ દેખાડી દીધું. આ રીતે કોલંબિયાને મેચની શરૂઆતમાં જ 10 ખેલાડી સાથે રમવું પડ્યું હતું.
કોલંબિયાને આ રેડ કાર્ડની મોટી કિંમત ચુકવવી પડી. તેના બદલે જાપાનને પેનલ્ટી મળી જેને કગાવાએ ગોલમાં ફેરવવામાં કોઇ ભૂલ ન કરી. કોલંબિયાના 10 હજારથી વધુ દર્શકો ખૂબ નિરાશ હતા પરંતુ જુઆન ક્વિંટેરોએ 39મી મિનિટમાં ફ્રી કિક પર ગોલ કરીને પોતાની ટીમને બરોબરી અપાવી. પરંતુ જાપાનના વાઇ. ઓસાકાએ 73મી મિનિટે ગોલ કરીને ટીમને 2-1ની લીડ અપાવી. આખરે જાપાને આ મેચ 2-1થી જીતી લીધી છે.