FIFA WC 2022: પોર્ટુગલે ઘાનાને 3-2થી હરાવ્યું, ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ બનાવ્યો વિશ્વ રેકોર્ડ
FIFA World Cup 2022: ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ ફુટબોલ વિશ્વકપમાં એક વર્લ્ડ રેકોર્ડ બનાવી લીધો છે. આ સાથે પોર્ટુગલે પોતાની પ્રથમ મેચમાં ઘાનાને 3-2થી હરાવી જીત સાથે શરૂઆત કરી છે.
કતારઃ FIFA World Cup 2022: ફીફા વિશ્વકપ 2022માં પોર્ટુગલે ધમાકેદાર અંદાજમાં શરૂઆત કરી છે. પહેલી મેચમાં ક્રિસ્ટિયાનો રોનાલ્ડો એન્ડ કંપનીએ ઘાના વિરુદ્ધ 3-2થી જીત મેળવી છે. મેચના પહેલા હાફમાં કોઈ ટીમ ગોલ કરી શકી નહીં, પરંતુ બીજો હાફ રોમાંચક રહ્યો હતો. આ મેચ સાથે રોનાલ્ડોએ એક વિશ્વ રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. તે પાંચ અલગ-અલગ વિશ્વકપમાં ગોલ કરનાર દુનિયાનો પ્રથમ ખેલાડી બની ગયો છે.
પહેલો હાફ ગોલરહીત રહ્યો
પ્રથમ 10 મિનિટમાં પોર્ટુગલે સતત ત્રણ આક્રમણ કરી પોતાનો ઇરાદો સ્પષ્ટ કરી દીધો હતો. તેમાં રોનાલ્ડો દ્વારા કરવામાં આવેલ આક્રમણ સૌથી ખતરનાક હતું જેમાં પોર્ટુગલ પાસે લીડ લેવાની સારી તક હતી. 13મી મિનિટમાં કોર્નર કિક પર રોના લ્ડોએ હેડર દ્વારા ગોલ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેનો શોટ ટાર્ગેટ મિસ કરી ગયો. રોનાલ્ડોએ હાફ સમાપ્ત થતાં પહેલા ગોલ કરવાનો પ્રસાય કર્યો, પરંતુ તેનો શોટ બ્લોક કરી દેવામાં આવ્યો હતો. પહેલા હાફમાં સંપૂર્ણ રીતે પોર્ટુગલનો જલવો રહ્યો અને ઘાના તરફથી એકપણ શોટ આવ્યો નહીં.
બીજા હાફમાં જોવા મળ્યો રોમાંચ
બીજા હાફ પહેલા 15 મિનિટમાં ઘાનાએ ગજબની રમત રમી અને પોર્ટુગલ પર સતત આક્રમણ કર્યું. ઘાનાના ખેલાડીઓ પોર્ટુગલના ડિફેન્સને રોકી શક્યા નહીં અને તે શોટ લઈ રહ્યાં હતા, પરંતુ સારી વાત રહી કે તેને ટાર્ગેટ મળ્યો નહીં. 62મી મિનિટમાં ઘાનાના ડિફેન્સથી ભૂલ થઈ અને પોર્ટુગલને પેનલ્ટી મળી હતી. રોનાલ્ડોએ પેનલ્ટી પર ગોલ કરીને ટીમને લીડ અપાવી હતી. ઘાના માટે મોહમ્મદ કુડૂસે સતત પ્રયાસ કર્યો અને 71મી મિનિટમાં રાગ્ટે પર શોટ લગાવ્યો, પરંતુ ગોલ કરી શક્યો નહીં. પરંતુ તેની બે મિનિટ બાદ કુડૂસના અસિસ્ટ પર કેપ્ટન આંદ્રે લાઇવે ગોલ કરી સ્કોર બરોબર કરી દીધો હતો.
પાંચ મિનિટની અંદર પોર્ટુગલે ફરી મેચ પર લીડ મેળવી લીધી હતી. ઘાનાના આક્રમણને નિષ્ફળ બનાવ્યા બાદ પોર્ટુગલે વળતો હુમલો કર્યો અને એક શાનદાર પાસ દ્વારા હાઆઓ ફેલિક્સની પાસે પહોંચ્યો જેણે શાનદાર ફિનિશ કરીને ગોલ કર્યો હતો. બે મિનિટ બાદ પોર્ટુગલે મેચમાં ત્રીજો ગોલ કરી પોતાની સ્થિતિ મજબૂત કરી લીધી હતી. પોર્ટુગલે એક તક બનાવી અને સબ્સીટ્યૂટ તરીકે આવેલા રાફેલ લેઆઓએ ગોલ કર્યો હતો. 88મી મિનિટમાં ઓસ્માન બુકારીએ હેડર દ્વારા ગોલ કરી ઘાના માટે સ્કોર 3-2 કરી દીધો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube