પૂર્વ ટેનિસ આઇકોન મારિયા શારાપોવા અને રેસર શુમાકર સામે ગુરુગ્રામમાં કેસ નોંધાયો, જાણો શું છે સમગ્ર ઘટના?
અગાઉ, આ મહિલાએ ગુરુગ્રામની એક કોર્ટમાં મેસર્સ રિયલટેક ડેવલપમેન્ટ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર (ઈન્ડિયા) પ્રાઈવેટ લિમિટેડ અને અન્ય ડેવલપર્સ શારાપોવા અને શુમાકર પર 80 લાખ રૂપિયાની છેતરપિંડી કરવાના આરોપસર કોર્ટમાં ઢસેડ્યા હતા.
નવી દિલ્હી: ગુરુગ્રામ પોલીસે પૂર્વ રશિયન ટેનિસ સ્ટાર મારિયા શારાપોવા, પૂર્વ ફોર્મ્યૂલા વન રેસર માઈકલ શૂમાકર સહિત 11 લોકો વિરુદ્ધ છેતરપિંડી અને ગુનાહિત કાવતરાનો કેસ નોંધ્યો છે. જેના ખેલ જગતમાં ખળભળાટ મચ્યો છે. બાદશાહપુર પોલીસ સ્ટેશનમાં આ FIR કોર્ટના આદેશ પર દિલ્હીની એક મહિલાની ફરિયાદ પર નોંધવામાં આવી છે. મહિલાએ આ તમામ પર છેતરપિંડીનો આરોપ લગાવ્યો છે.
શું છે સમગ્ર ઘટના
નવી દિલ્હીના છતરપુર મિની ફાર્મમાં રહેતી શેફાલી અગ્રવાલે ફરિયાદ કરી છે કે તેણે શારાપોવાના નામથી બનાવવામાં આવેલ પ્રોજેક્ટમાં એક એપાર્ટમેન્ટ બુક કરાવ્યું હતું. આ પ્રોજેક્ટમાં એક ટાવરનું નામ શુમાકર રાખવામાં આવ્યું હતું. બિલ્ડરે પ્રોજેક્ટને 2016 સુધીમાં પૂરો કરવાનો દાવો કર્યો હતો, પરંતુ તેનું કામ હજુ સુધી પૂર્ણ કરાયું નથી. મહિલાનું કહેવું છે કે આ ઈન્ટરનેશનલ સેલિબ્રિટીએ આ પ્રોજેક્ટમાં જોડાઈને તેનો પ્રચાર કરીને આ છેતરપિંડીમાં સહભાગી બન્યા છે.
મહિલાએ કોર્ટમાં જાણો શું કહ્યું?
અગાઉ, આ મહિલાએ ગુરુગ્રામની એક કોર્ટમાં મેસર્સ રિયલટેક ડેવલપમેન્ટ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર (ઈન્ડિયા) પ્રાઈવેટ લિમિટેડ અને અન્ય ડેવલપર્સ શારાપોવા અને શુમાકર પર 80 લાખ રૂપિયાની છેતરપિંડી કરવાના આરોપસર કોર્ટમાં ઢસેડ્યા હતા. મહિલાએ કોર્ટમાં જણાવ્યું હતું કે તેણે અને તેમના પતિએ ગુરુગ્રામના સેક્ટર 73માં શારાપોવા નામના ટાવરમાં એક એપાર્ટમેન્ટ બુક કરાવ્યું હતું, પરંતુ ડેવલપર કંપનીઓએ પૈસા લીધા પછી પણ મકાન આપ્યું નથી.
શારાપોવાએ સ્થળની લીધી હતી મુલાકાત
મહિલાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે અમે આ પ્રોજેક્ટ વિશે જાહેરાતોમાં જોયું છે. તેમાં શારાપોવા અને શુમાકર જેવી હસ્તીઓ સામેલ હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. બિલ્ડરે ઘણા વચનો આપ્યા હતા. આ પ્રોજેક્ટમાં પ્રમોટર તરીકે શારાપોવા અને શુમાકર પણ જોડાયેલા હતા. એવામાં તેમણે પણ આ છેતરપિંડી કરી છે. શેફાલીએ જણાવ્યું કે શારાપોવાએ સ્થળની પણ મુલાકાત લીધી હતી અને ટેનિસ એકેડમી અને સ્પોર્ટ્સ સ્ટોર ખોલવાનું વચન આપ્યું હતું. બિલ્ડરના બ્રોશરમાં લખવામાં આવ્યું હતું કે શારાપોવા આ પ્રોજેક્ટને પ્રમોટ કરી રહી છે.
ઘટનાની તપાસ ચાલું
બાદશાહપુર પોલીસ સ્ટેશનના એસએચઓ ઇન્સ્પેક્ટર દિનકરનું કહેવું છે કે આ તમામની સામે આઈપીસીની કલમ 34, 120-બી (ગુનાહિત કાવતરું), 406 (વિશ્વાસનો ગુનાહિત ભંગ) અને 420 (છેતરપિંડી) હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી છે. આ મામલે તપાસ કરવામાં આવી રહી છે.