વિરાટ ચતુર કેપ્ટન કેમ? RCBને 8 વર્ષમાં એકવાર ચેમ્પિયન નથી બનાવ્યું: ગંભીર
ગૌતમ ગંભીરે કહ્યું કે, કોહલી ભાગ્યશાળી કેપ્ટન છે, કારણ કે કેપ્ટન તરીકે છેલ્લા આઠ વર્ષથી ટીમને ટાઇટલ ન અપાવ્યા બાદ પણ તે આરસીબીની ટીમમાં યથાવત છે.
નવી દિલ્હીઃ પૂર્વ ઓપનિંગ બેટ્સમેન ગૌતમ ગંભીરને લાગે છે કે વિરાટ કોહલી 'ચતુર કેપ્ટન' નથી. આ મામલામાં તેની તુલના ભારતના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની અને સીમિત ઓવરોના ક્રિકેટમાં ટીમના વાઇસ કેપ્ટન રોહિત સર્મા સાથે ન કરી શકાય. ધોની અને રોહિતની આગેવાનીમાં ચેન્નઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ ત્રણ-ત્રણ વાર ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)નું ટાઇટલ જીતી ચુક્યા છે. પોતાની આગેવાનીમાં કોલકત્તા નાઇટરાઇડર્સને 2012 અને 2014માં ચેમ્પિયન બનાવનાર ગંભીરે કહ્યું કે, કોહલી ભાગ્યશાળી છે કે કેપ્ટન તરીકે છેલ્લા આઠ વર્ષમાં ટીમને એકપણ ટાઇટલ ન અપાવ્યા બાદ પણ તે રોયલ ચેલેન્જર બેંગલોરની ટીમમાં યથાવત છે.
ગૌતમ ગંભીરે કહ્યું, તેને ચતુર કેપ્ટન તરીકે ન જોઈ શકાય. હું તેને રણનીતિક કેપ્ટનના રૂપમાં પણ ન જોઈ શકું. તેણે આઈપીએલનું ટાઇટલ જીત્યું નથી. એક કેપ્ટન એટલો જ સારો હોય છે, જેટલો સારો તેનો રેકોર્ડ હોય છે. ગંભીરની આ ટિપ્પણી આઈપીએલમાં એક કેપ્ટનના રૂપમાં કોહલીની સફળતા વિશે છે કારણ કે તે પ્રથમ કેપ્ટન છે જેણે ભારતને ઓસ્ટ્રેલિયાની ધરતી પર ટેસ્ટ સિરીઝમાં જીત અપાવી છે.
ગંભીરે કહ્યું, આઈપીએલમાં આવા કેપ્ટન છે, જેણે ત્રણ વખત ટાઇટલ જીત્યું છે. ધોની અને રોહિત. તેથી મને લાગે છે કે, કોહલીએ હજુ લાંબા રસ્તો કાપવાનો છે. તમે આ મામલામાં તેની તુલના રોહિત કે ધોની સાથે ન કરી શકો.
કેકેઆર સાથે સાત વર્ષ સુધી રમ્યા બાદ 2018માં ટીમથી અલગ થયેલા ગંભીરે કહ્યું, કોહલી આરસીબીમાં રહ્યો છે અને છેલ્લા આઠ વર્ષથી આગેવાની કરી રહ્યો છે. તે ખુબ ભાગ્યશાળી રહ્યો છે અને તેને આ ફ્રેન્ચાઇઝીની આભાર માનવો જોઈએ કે, તે તેની સાથે યથાવત રહ્યો. કારણ કે ટૂર્નામેન્ટ ન જીતનારા ઘણા કેપ્ટનને આટલો લાંબો સમય આપવામાં આવતો નથી.