અમદાવાદઃ ગુજરાત ફોર્ચ્યુન જાયન્ટ્સે પોતાના હોમ ગ્રાઉન્ડમાં યૂ-મુમ્બાને 39-35થી પરાજય આપતા મુંબઈ સામે  ક્યારેય ન હારવાનો પોતાનો રેકોર્ડ યથાવત રાખ્યો છે. ગુજરાતની મુંબઈ સામે આ પાંચમી જીત છે. આ જીતની  સાથે ગુજરાતે પોતાનો હોમ ગ્રાઉન્ડમાં આ સિઝનમાં ત્રીજી જીત મેળવી છે. તેનો એક મેચ ટાઈ અને મેચમાં હાર  મળી છે. ગુજરાત હવે પોતાના હોમ ગ્રાઉન્ડમાં ગુરૂવારે આ સિઝનનો છેલ્લો મેચ હરિયાણા સ્ટિલર્સ સામે રમશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાત ફોર્ચ્યુન જાયન્ટસ માટે રેડિંગમાં જીતનો હિરો પ્રપંજન રહ્યો, જેણે સુપર 10 પૂરા કર્યા હતા. તો ડિફેન્સમાં  પરવેશ ભૈંસવાલે શાનદાર પ્રદર્શન કરતા 6 પોઈન્ટ મેળવ્યા હતા. મુંબઈ માટે સિદ્ધાર્થ દેસાઈએ સુપર 10 પૂરૂ  કરતા 13 પોઈન્ટ મેળવ્યા હતા. બીજા હાફમાં ખરાબ રમતને કારણે મુંબઈએ પરાજયનો સામનો કરવો પડ્યો  હતો. 


હાફ ટાઇમ સુધી યૂ-મુમ્બાએ 21-16ની લીડ મેળવી લીધી હતી. બંન્ને ટીમોના ડિફેન્ડર પ્રથમ હાફમાં શાંત રહ્યાં હતા  અને નિશ્ચિત રીતે પ્રથમ હાફમાં મુંબઈના રેડર્સે શાનદાર રમત દેખાડી હતી, જેના કારણે મુંબઈએ ગુજરાત પર  લીડ મેળવી હતી. સિદ્ધાર્થ દેસાઈએ પોતાનું શાનદાર ફોર્મ જાળવી રાખતા પ્રથમ હાફમાં 9 પોઈન્ટ લીધા અને  ગુજરાતને ઓલઆઉટ કર્યું હતું. 


બીજા હાફમાં યૂ-મુમ્બાએ પોતાની લીડ યથાવત રાખવાનો પ્રયાસ કર્યો, પરંતુ ગુજરાતે મેચમાં પરવેઝ અને  રેડર્સના મિશ્રિત પ્રદર્શનના દમ પર શાનદાર વાપસી કરી અને યૂ-મુમ્બાને ઓલઆઉટ કરી દીધું હતું. જેથી બંન્ને  ટીમો વચ્ચે અંતર ઓછુ રહી ગયું હતું. ત્યારબાદ જલ્દી ગુજરાતે મેચમાં ન માત્ર લીડ મેળવી પરંતુ તે મુંબઈને  ઓલઆઉટ કરવાના નજીક આવી ગયા અને 37મી મિનિટમાં તેણે મુંબઈને ઓલઆઉટ પણ કરી દીધું હતું.  ત્યારબાદ મુંબઈની ટીમ ગુજરાતને પછાડી ન શકી અને અંતમાં તેણે માત્ર એક પોઈન્ટથી સંતોષ કરવો પડ્યો હતો.