Olympics 2024: પેરિસ ઓલિમ્પિકમાં ભારતીય દળમાં બે ગુજરાતીઓ સામેલ, દેશને મેડલ અપાવવા ઉતરશે મેદાનમાં
Olympics 2024: વિશ્વના સૌથી મોટા રમત મહાકુંભ એટલે કે ઓલિમ્પિકની શરૂઆત 26 જુલાઈથી થઈ રહી છે. ફ્રાન્સની રાજધાની પેરિસમાં આ વખતે ઓલિમ્પિકનું આયોજન થવાનું છે. ભારતના કુલ 113 એથલીટો પેરિસ ઓલિમ્પિકમાં દેશનું પ્રતિનિધિત્વ કરશે. જેમાં ગુજરાતના પણ બે ખેલાડીઓ મેડલ જીતવા માટે ઉતરશે.
પેરિસઃ ઓલિમ્પિક-2024ની શરૂઆત 26 જુલાઈથી ફ્રાન્સની રાજધાની પેરિસમાં થવાની છે. પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લેવા માટે ભારતીય દળ ત્યાં પહોંચી ગયું છે. ભારતના કુલ 113 એથલીટ આ વખતે પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લેવા પહોંચ્યા છે. ભારતના 66 પુરૂષો અને 47 મહિલા એથલીટ આ વખતે પેરિસ ઓલિમ્પિકમાં વિવિધ સ્પર્ધામાં મેદાનમાં ઉતરશે. ગુજરાત માટે ગૌરવની વાત છે કે બે ગુજરાતીઓ પણ આ વખતે પેરિસ ઓલિમ્પિક રમવા ગયા છે. કોણ છે ગુજરાતના આ બે ખેલાડીઓ આવો તેના વિશે જાણીએ..
ટેબલ ટેનિસમાં ગુજરાતના બે ખેલાડીઓને મળ્યું સ્થાન
પેરિસ ઓલિમ્પિક 2024માં ટેબલ ટેનિસ ઈવેન્ટમાં કુલ છ ભારતીય ખેલાડીઓ ક્વોલિફાય કરી શક્યા છે. જેમાં ત્રણ મહિલા અને ત્રણ પુરૂષ છે. ત્રણ પુરૂષોમાં શરથ કમલ, હરમીત દેસાઈ અને માનવ ઠક્કર છે. માનવ ઠક્કર રાજકોટનો તો હરમીત દેસાઈ સુરતનો છે. આ બંને ગુજરાતીઓ ટીમ ઈન્વેટ અને વ્યક્તિગત ઈવેન્ટમાં ઉતરશે.
પોતાની મહેનતથી ઓલિમ્પિક રમવાનું સપનું પૂરુ કરશે હરમીત દેસાઈ
હરમીત દેસાઈનો જન્મ 19 જુલાઈ 1993ના દેશની ડાયમંડ સિટીના નામથી જાણીતા સુરતમાં થયો હતો. ગોલ્ડ કોસ્ટ ઓસ્ટ્રેલિયામાં આયોજીત 2018 કોમનવેલ્થ ગેમ્સમાં તેણે શરત કમલ, એંથની અલમરાજ, સાથિયાન જ્ઞાનસેકરન અને સાનિલ શેટ્ટીની સાથે પુરૂષ ટીમ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ અને સાનિલ શેટ્ટી સાથે પુરૂષ ડબલ્સ સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. તો બર્મિંઘમ કોમનવેલ્થ ગેમ્સમાં પણ હરમીતે ગોલ્ડ મેડલ જીત્યો હતો.
ઓલિમ્પિકમાં પસંદગી બાદ આપી હતી પ્રતિક્રિયા
ઓલિમ્પિકમાં પસંદગી થયા બાદ હરમીતે કહ્યું હતું કે આ એક લાંબી પ્રતીક્ષા રહી છે, પરંતુ તે આ માટે લાયક છે. આનું ખુબ મતહ્વ છે. આ લગભગ 24-25 વર્ષની અથાગ મહેનતનું પરિણામ છે. મને લાગે છે કે ઓલિમ્પિકમાં પોતાના દેશનું પ્રતિનિધિત્વ કરવું દરેક ખેલાડીનું સપનું હોય છે. હું ખરેખર ઉત્સાહિત છું અને મારા પ્રથમ ઓલિમ્પિકની આતૂરતાપૂર્વક રાહ જોઈ રહ્યો છું.
કોણ છે માનવ ઠક્કર
ટેબલ ટેનિસ ખેલાડી માનવ ઠક્કરનો જન્મ 14 એપ્રિલ 2000માં રાજકોટમાં થયો હતો. માનવ ઠક્કર ભારત માટે ઘણી ટૂર્નામેન્ટમાં આ પહેલા રમી ચૂક્યો છે. પરંતુ તે પ્રથમવાર ઓલિમ્પિકમાં ભાગ લેવા માટે જશે. રાજકોટથી આવતા માનવ ઠક્કરે 2020માં પોતાનું નામ બનાવી લીધું હતું, જ્યારે તે અન્ડર-21 વર્ગમાં ભારત તરફથી સર્વશ્રેષ્ઠ રેન્ક હાસિલ કરવામાં સફળ થયો હતો. અન્ડર-21 ટોપ રેન્ક હાસિલ કરનાર તે પ્રથમ ભારતીય ટેબલ ટેનિસ ખેલાડી છે.
માનવ ઠક્કર, મૂળ રાજકોટનો છે, તે સુરત સ્થિત નેત્ર ચિકિત્સક વિકાસ ઠક્કર અને આયુર્વેદિક ડૉક્ટર કલ્પના ઠક્કરનો પુત્ર છે. તેણે રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે મેડલ જીત્યા છે. તેણે મીડિયાને એમ પણ કહ્યું કે તે 537 ટૂર્નામેન્ટ રમી ચુક્યો છે અને 356 ગેમ જીત્યો છે.