આ બેટ્સમેને ફટકારી 6 બોલમાં 6 સિક્સ, યુવરાજ અને ગેલની કરી બરોબરી
અફગાનિસ્તાન પ્રીમિયર લીગ (APL)માં અફગાનિસ્તાનના આ બેટ્સમેને શાનદાર પ્રદર્શન કરતા 6 બોલમાં 6 સિક્સ ફટકારી દીધી હતી. તેણે 12 બોલમાં 50 રન ફટકારી દીધા હતા. આ સાથે તેણે યુવરાજ સિંહ અને ક્રિસ ગેલના રેકોર્ડની બરોબરી કરી લીધી હતી.
નવી દિલ્હીઃ અફગાનિસ્તાન પ્રીમિયર લીગ (APL)માં હજરતુલ્લાહ જજઈનું શાનદાર પ્રદર્શન યથાવત છે. તેણે રવિવારે રમાયેલી લીગની 14મી મેચમાં કાબુલ જવાનન તરફથી રમતા એક ઓવરમાં 6 સિક્સ ફટકારી દીધી હતી. આ દરમિયાન તેણે 12 બોલમાં અડધી સદી પૂરી કરી હતી. આ રીતે તેણે ટી-20માં ઝડપી અડધી સદીના રેકોર્ડની પણ બરોબરી કરી લીધી હતી.
મહત્વનું છે કે હજરતુલ્લાહ જજઈએ હાલમાં અફગાનિસ્તાન પ્રીમિયર લીગમાં 55 બોલમાં 124 રન ફટકાર્યા હતા. હજરતુલ્લાહ જજઈએ બલ્ક લેજન્ડ્સના બોલર અબ્દુલ્લા મજારીની એક ઓવરમાં 6 સિક્સ ફટકારી હતી. આ ઓવરમાં એક વધારાના રન સહિત કુલ 37 રન બનાવ્યા હતા.
ક્રિસ ગેલની શાનદાર બેટિંગ
બલ્ક લેજન્ડ્સે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા નિર્ધારિત 20 ઓવરમાં 6 વિકેટના નુકસાન પર 244 રન બનાવ્યા હતા. બલ્ક લેડન્ડ્સ તરફથી વેસ્ટ ઈન્ડિઝના વિસ્ફોટક બેટ્સમેને ક્રિસ ગેલે 80 રન ફટકાર્યા હતા. 48 બોલની ઈનિંગમાં ગેલે 10 સિક્સ મારી હતી.
જવાબમાં બેટિંગ કરવા ઉતરેલી કાબુલ જવાનન તરફથી હજરતુલ્લાહ જજઈએ 17 બોલમાં 62 રન, રોન્ચી (47), શહિદુલ્લાહ (40) અને ઇંગ્રામે (29) રન કર્યા હતા. પરંતુ તે પોતાની ટીમને જીત અપાવવામાં અસફળ રહ્યાં હતા. કાબુલ જવાનન 7 વિકેટ પર 223 રન બનાવી શકી અને 21 રનથી મેચ હારી ગઈ હતી.
યુવરાજ સિંહ અને ગેલના નામે નોંધાયેલો છે રેકોર્ડ
ટી-20માં સૌથી ઝડપી પચાસ રન પૂરા કરવાનો રેકોર્ડ ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન યુવરાજ સિંહ અને વેસ્ટ ઈન્ડિઝના બેટ્સમેન ક્રિસ ગેલના નામે નોંધાયેલો છે. યુવરાજે આ સિદ્ધિ 2007માં ટી-20 વિશ્વકપમાં ઈંગ્લેન્ડ વિરુદ્ધ બનાવી હતી. યુવરાજે આ મેચમાં 6 સિક્સ ફટકારી હતી. તો ગેલે બિગબેશ લીગમાં 12 બોલમાં અડધી સદી ફટકારી હતી.