ટેમ્પેયર (ફિનલેંડ): ભારતની હિમા દાસે અહીં ઇતિહાસ રચ્યો જ્યારે તે આઇએએએફ વર્લ્ડ અંડર 20 એથલેટિક્સ ચેમ્પિયનશિપની મહિલા 400 મીટર ફાઇનલમાં ખિતાબ સાથે વિશ્વ સ્તરે ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ ભારતીય મહિલા એથલીટ બની. ખિતાબની પ્રબળ દાવેદાર 18 વર્ષની હિમા દાસે 51.46 સેકેંડના સમય સાથે ગોલ્ડ મેડલ જીત્યો, ત્યારબાદ ભારતીયોએ જોરદાર ઉજવણી કરી. જોકે તે 51.13 સેકેંડના પોતાના અંગત સર્વશ્રેષ્ઠ પ્રદર્શનથી પાછળ હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હિમા દાસે પહેલાં ભારતની કોઇપણ મહિલાએ વર્લ્ડ ચેમ્પિયનશિપના કોઇપણ સ્તર પર ગોલ્ડ મેડલ જીત્યો નથી. તે વિશ્વ સ્તરે ટ્રેક સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ ભારતીય મહિલા ખેલાડી છે. ચોથા નંબરની લેનમાં દોડી રહેલી દાસ અંતિમ તબક્કા બાદ રોમાનિયાની આંદ્રિયા મિકલોસથી પાછળ પડી રહી હતી, પરંતુ અંતમાં ગતિ રાખતાં તે બાકીના રનરો કરતાં આગળ નિકળી ગઇ. 


મિકલોસે 52.07 સેકેંડ સાથે રજત પદક પ્રાપ્ત કર્યો. જ્યારે અમેરિકાની ટેલર મેનસને 52.28 સેકેંડ સાથે કાંસ્ય પદક જીત્યો. અસમની હિમા દાસે દોડ બાદ કહ્યું, 'વર્લ્ડ જૂનિયર ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતીને ખૂબ ખુશ છું. હું સ્વદેશમાં બધા ભારતીયોનો આભાર વ્યક્ત કરવા માંગુ છું અને તેમને પણ જે મારો આત્મવિશ્વાસ વધારી રહ્યા હતા.'



તે ભાલા ફેંકના સ્ટાર ખેલાડી નીરજ ચોપડાની યાદીમાં સામેલ થઇ ગઇ છે. જેમણે 2016માં ગત પ્રતિયોગિતામાં વર્લ્ડ રેકોર્ડ પ્રયાસ સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો. વર્લ્ડ જૂનિયર ચેમ્પિયનશિપમાં ભારત માટે આ પહેલાં સીમા પૂનિયા (2002માં ચક્કા ફેંકમાં કાંસ્ય) અને નવજીત કૌર ઢિલ્લો (2014માં ચક્કા ફેંકમાં કાંસ્ય) પદક જીતી ચૂકી છે. 



હિમા હાલમાં અંડર 20 સત્રમાં સર્વશ્રેષ્ઠ સમય કાઢવા બદલ અહીં ખિતાબની પ્રબળ દાવેદાર હતી. તે એપ્રિલમાં ગોલ્ડ કોસ્ટમાં યોજાયેલી રાષ્ટ્રમંડળ રમતોની 400 મીટર સ્પર્ધામાં તત્કાલિન ભારતીય અંડર 20 રેકોર્ડના સમયની સાથે છઠ્ઠા સ્થાન પર રહી હતી. ત્યારબાદ ગુવાહાટીમાં તાજેતરમાં રાષ્ટ્રીય અંતર રાજ્ય ચેમ્પિયનશિપમાં તેમણે 51.13 સેકેંડ સાથે પોતાના આ રેકોર્ડમાં સુધારો કર્યો. ભારતીય એથલેટિક્સ મહાસંઘના અધ્યક્ષ આદિલે સુમારિવાલાએ હિમા દાસને ગોલ્ડ મેડલ જીતવા બદલ શુભેચ્છા પાઠવી. 



તમને જણાવી દઇએ કે હિમા દાસે આ ઉપલબ્ધિ સાથે તેને ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યો જે ભારતના લેજેંડ મિલ્ખા સિંહ અને પીટી ઉષા પણ કરી શક્યા ન હતા. હિમા દાસ પહેલાં સૌથી સારું પ્રદર્શન મિલ્ખા સિંહ અને પીટી ઉષાનું રહ્યું હતું. પીટી ઉષાએ 1984 ઓલંપિકમાં 400 મીટર હર્ડલ રેસમાં ચોથું સ્થાન પ્રાપ્ત કર્યું હતું. મિલ્ખા સિંહે 1960 રોમ ઓલંપિકમાં 400 રેસમાં ચોથા સ્થાને રહ્યા હતા. આ બંને સિવાય કોઇપણ ખેલાડી ટ્રેક ઇવેંટમાં મેડલની નજીક પહોંચી શક્યા નથી. હિમાએ રાટિના સ્ટેડિયમમાં રમાયેલી ફાઇનલમાં 51.46 સેકેંડના સમયમાં જીત પ્રાપ્ત કરી. આ સાથે જ તે ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ ખેલાડી બની ગઇ.